નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરમાં કોરોનાના ડેલ્ટા વેરિયન્ટે (Delta variant) દેશમાં તબાહી મચાવી મૂકી હતી અને હવે ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant) ત્રીજી લહેર લાવી શકે તેવી સંભાવના નિષ્ણાતો વ્યક્ત કરી ચુક્યા છે ત્યારે દેશના કેટલાક રાજ્યોમાં કોરોનાના નવા સ્વરૂપ કપ્પા વેરિયન્ટના (kappa variant) કેસ પણ વધી રહ્યા છે, જેના કારણે આ રાજ્યો અને કેન્દ્રની ચિંતા વધી છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર, કપ્પા વેરિયન્ટ કોરોના વાયરસના એ બે વેરિયન્ટ પૈકીનો એક છે જે સૌથી પહેલા ભારતમાં જોવા મળ્યા હતા. કપ્પા વેરિયન્ટ વાસ્તવમાં ડેલ્ટા વેરિયન્ટ જેવું જ બંધારણ ધરાવે છે. ભારતમાં કપ્પા અને ડેલ્ટા વેરિયન્ટ જોવા મળ્યા હતા. બીજી લહેરમાં તબાહી મચાવવામાં ડેલ્ટાનો ફાળો વધુ રહ્યો છે.
ભારતમાં જ્યારે કોરોનાની બીજી લહેર પિક પર હતી ત્યારે ભારતમાં જોવા મળેલા વેરિયન્ટને ‘ભારતીય વેરિયન્ટ’ નામથી ઓળખવામાં આવતો હતો, જેની ઉપર ભારતે આપત્તિ વ્યક્ત કરતા WHO દ્વારા કોરોના વાયરસના તમામ વેરિયન્ટનું નામકરણ ગ્રીક આલ્ફાબેટ પ્રમાણે કરી દીધું અને B.1.617.2 ને ‘ડેલ્ટા’ અને B.1.617.1 ને ‘કપ્પા’ વેરિયન્ટ નામ આપવામાં આવ્યા. આ ઉપરાંત બીજા દેશોમાં જોવા મળેલા વેરિયન્ટના નામ પણ આ જ પ્રમાણે રાખવામાં આવ્યા છે.
જેમકે, બ્રિટનમાં જોવા મળેલા વેરિયન્ટને ‘આલ્ફા’, દક્ષિણ આફ્રિકાના વેરિયન્ટને ‘બીટા’, બ્રાઝિલના વેરિયન્ટને ‘ગામા’, ફિલિપાઈન્સમાં જોવા મળેલા વેરિયન્ટને ‘થીટા’ અને અમેરિકાના B.1.427 અને B.1.429 ને ‘એપ્સીલોન’ અને B.1.526 ને ‘આયોટા’ નામ આપવામાં આવ્યું. ઉપરાંત કેટલાક અન્ય દેશોમાં મળેલા B.1.525 વેરિયન્ટને ‘ઇટા’ નામ આપવામાં આવ્યું છે.
જોકે, આ નામકરણથી વેરિયન્ટના વૈજ્ઞાનિક નામો ઉપર કોઈ અસર થશે નહીં પરંતુ નામ રાખવાનો મૂળ ઉદ્દેશ્ય એ છે કે કોરોના વાયરસના કારણે કોઈ ખાસ દેશ કે સ્થાન સાથે ભેદભાવ કરવામાં ન આવે અને તેની બદનામી ન થાય.
‘કપ્પા’ વેરિયન્ટ કેટલો ખતરનાક?
કપ્પા વેરિયન્ટ WHO ની ‘વેરિયન્ટ ઓફ ઇન્ટરેસ્ટ’ની યાદીમાં છે. એટલે કે આ વેરિયન્ટ ઉપર નજર રાખવામાં આવી રહી છે પરતું હજુ સુધી તે ચિંતાનો વિષય બન્યો નથી. જ્યારે કોઈ ચોક્કસ વેરિયન્ટના કેસ સામાન્યથી વધુ ગતિથી વધી જાય તો તેને ‘વેરિયન્ટ ઓફ કન્સર્ન’ લિસ્ટમાં સામેલ કરવામાં આવે છે. હાલ ડેલ્ટા વેરિયન્ટ આ લિસ્ટમાં સામેલ છે.
શું છે તેના લક્ષણો?
WHO ના જણાવ્યા અનુસાર, કપ્પા વેરિયન્ટના વાયરસ કોવિડ બીમારી ફેલાવાની ક્ષમતા અને લક્ષણોની ગંભીરતા વધારી શકે છે. ઉપરાંત તે શરીરની પ્રતિકારક ક્ષમતા પણ ઘટાડી શકે છે.
કપ્પા વેરિયન્ટના લક્ષણો પણ અન્ય કોરોના વેરિયન્ટ જેવા જ છે. જેનાથી સંક્રમિત થનાર વ્યક્તિને તાવ, ખાંસી, માથું દુઃખવું, સ્વાદ અને ગંધ ન આવવા જેવા લક્ષણો જોવા મળી શકે છે. આ ઉપરાંત અન્ય લક્ષણો પણ દેખાય શકે છે.
ભારતની કોરોના રસી કેટલી અસરકારક?
ઇન્ડીયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ સેન્ટર (ICMR) દ્વારા કહેવામાં આવ્યું કે ભારતમાં બનેલી કોરોના રસી ‘કૉવેક્સિન’ (Covaxin) કોરોના વાયરસના ‘બીટા’ અને ‘ડેલ્ટા’ વેરિયન્ટ ઉપરાંત ‘કપ્પા’ વેરિયન્ટ સામે પણ અસરકારક છે. ઉપરાંત, ઓક્સફોર્ડ યુનિવર્સીટી દ્વારા પ્રકાશિત એક જર્નલમાં પણ કપ્પા વેરિયન્ટનો ઉલ્લેખ કરીને કહેવામાં આવ્યું છે કે એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન કોરોનાના ડેલ્ટા અને કપ્પા વેરિયન્ટ ઉપર પણ અસરકારક છે. નોંધવું જરૂરી છે કે, એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન જ ભારતમાં ‘કોવિશીલ્ડ’ (Covishield) નામથી ઉપલબ્ધ છે, જે સીરમ ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડિયા (Serum Institute of India) બનાવી રહ્યું છે.
દેશના આ રાજ્યોમાં ‘કપ્પા’ વેરિયન્ટના કેસ
દેશના ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન રાજ્યોમાં કોરોનાના કપ્પા વેરિયન્ટના કેસ જોવા મળ્યા છે. રાજસ્થાનમાં અત્યાર સુધીમાં કપ્પા વેરિયન્ટના ૧૧ કેસ સામે આવ્યા છે. ઉપરાંત યુપી સરકાર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે ૧૦૯ સેમ્પલ લઈને તપાસ કરવામાં આવી હતી, જેમાંથી ૧૦૭ ડેલ્ટા વેરિયન્ટના અનેક ૨ કેસ કપ્પા વેરિયન્ટના મળ્યા છે.