Have a Breakfast or be breakfast. - તમે નાસ્તો કરો છો કે કોઈનો નાસ્તો બની રહ્યા છો?

Have a Breakfast or be breakfast. - તમે નાસ્તો કરો છો કે કોઈનો નાસ્તો બની રહ્યા છો?

02/12/2021 Magazine

મિતેષ પાઠક
માંડીને વાત
મિતેષ પાઠક

Have a Breakfast or be breakfast. - તમે નાસ્તો કરો છો કે કોઈનો નાસ્તો બની રહ્યા છો?

જો બેટા હોમવર્ક સરખું નહી કરશો, સારી રીતે અભ્યાસમાં ધ્યાન નહીં આપો તો આજે નહીં ખબર પડે, ભવિષ્યમાં નોકરીમાં તકલીફ પડશે. સાતમા આઠમાં ધોરણમાં અભ્યાસ કરતી વખતે આ વાક્ય વારંવાર સાંભળ્યું હતું અને ત્યારે એનો અર્થ ન સમજાતો.

કૉલેજ અભ્યાસ બાદ નોકરી માટે બજારમાં પ્રવેશ કર્યો ત્યારે ખ્યાલ આવ્યો કે હરીફાઈ કેવી છે. અને આ ફકત નોકરીને લાગુ નથી પડતું, પ્રોડક્ટ, સર્વિસ અને કંપનીઓ સહિત બધાને લાગુ પડે છે.

અત્યારે વ્યવસાય, નોકરી કે ધંધામાં હરીફાઇ સતત અને સખત છે. કોણ કોને ક્યારે પછાડી દેશે અને કયા સંજોગોમાં એ મહાત આપશે એની આગાહી કરવી અશક્ય છે. આજનો નંબર વન આવતી કાલે ક્યાં હશે એ પણ નક્કી નથી હોતું.

ભારતમાં સૌથી વધારે ડીજીટલ કૅમેરા કોણ વેચતું હશે? સામાન્ય રીતે પહેલા જવાબ આવે કે સોની, કેનન કે પછી નિકોન. જવાબ ખોટા છે. એ હવે સેમસંગ કે ઓપ્પો, વીવો કે શાયોમી છે. અને આમનો મૂળ વ્યવસાય કૅમેરા બનાવવાનો નથી જ. એ જ રીતે, ભારતમાં સૌથી વધારે એલાર્મ ક્લૉક બનાવતી મોરબીની કંપનીનો હરીફ કોણ? અગેઇન જવાબ છે મોબાઇલ ફોન. દિવાળીની સફાઈ દરમ્યાન પપ્પાના રૂમમાં એલાર્મ ક્લૉક જોઇને દીકરાને નવાઈ લાગી કે એલાર્મ માટે અલગથી ઘડિયાળ?

ભારતમાં સૌથી વધારે રેવન્યૂ રેકોર્ડેડ સંગીતમાં કોણ કરતું હશે? ટી-સિરીઝ? HMV સારેગામા? જવાબ છે જીઓ અને એરટેલ. ૩૦ સેકન્ડના એક કૉલર ટ્યુનની એમની આવક આ બન્ને મ્યુઝિક કંપનીના વાર્ષિક ટર્નઓવર જેટલી હોવાનો એક અંદાજ છે. અને જીઓ કે એરટેલ એ સંગીત ડીસ્ટ્રીબ્યુશન કંપની નથી જ    એરટેલ એ ભારતનું સૌથી મોટું મોબાઇલ સર્વિસ પ્રોવાઇડર ગૃપ હતું અને હવે જીઓ એ સર્વોપરિતા સાબિત કરી નાખી છે.  ૨૦૧૦ સુધી મોબાઈલ એટલે નોકીયા, એ પર્યાયવાચક શબ્દ ગણાતો. આજે આ સ્માર્ટફોનની રેઈસમાં નોકીયા લગભગ પરાજય પામ્યું છે.


તો પ્રશ્ન એ ઊઠે કે મારો હરીફ કોણ છે?

એપલે સોની સાથે શું કર્યું? જે સોની એ કોડાક સાથે કરેલું? સરળ બાબત છે કે નહી? કોડાક એ ફિલ્મ બેઝ્ડ કૅમેરામાં જ રહેવું કે ડીજીટલમાં આગળ વધવું એ નિર્ણયમાં ખુવાર થઈ ગયું. અને સોની એટલે ડીજીટલ એમ આગળ વધી ગયું. સોનીએ એક જમાનામાં ચમત્કાર કહી શકાય એ પ્રકારને વોકમેન કૉન્સેપ્ટ મૂકેલો, અને અત્યંત સફળ રહ્યા હતા. પણ એક કોમ્પ્યુટર બનાવતી કંપની એ જ સોનીના વ્યવસાયમાં ગાબડું પાડે એ સોની માટે કદાચ કલ્પના બહારની બાબત હતી. એમને સ્વપ્નોમાં પણ ખ્યાલ નહી હોય કે એકે કોમ્પ્યુટર બનાવતી કંપની મહાત આપી શકે. એવું જ કાંઈક IBM સાથે થયું, એમનો મેઈનફ્રેમ કોમ્પ્યુટરનો જામેલો ધંધો, પર્સનલ કોમ્પ્યુટર ક્ષેત્રમાં પ્રવેશવા માટે ધ્યાનમાં ન રાખ્યો કે ન રહ્યો, અને આજે ઇતિહાસ છે કે IBM પર્સનલ કોમ્પ્યુટીંગમાં બજાર ચૂકી ગયું છે. નેટસ્કેપ એ એક એવું ઇન્ટરનેટ બ્રાઉઝર હતું કે જે ખરીદવું પડતું (ભારતમાં આપણને સોફ્ટવેર ખરીદવું એ અજાયબ લાગે, પણ સત્ય છે) માઈક્રોસોફ્ટ વીન્ડોઝની સાથે IE (ઇન્ટરનેટ એક્સ્પ્લોરર) મફત મળવા લાગ્યું, નેટસ્કેપની દુકાન રાતોરાત બંધ થઈ ગઈ.

આજનો હરીફ કાયમી નથી, અને આવતી કાલના હરીફ કોણ છે? કયા ખૂણેથી પ્રગટ થશે એ કલ્પના પણ નથી હોતી.

૨૦૧૨ના વરસમાં બ્રીટીશ એરવેઈઝના યુરોપ - સાનફ્રાન્સીસ્કો રૂટ ઉપર હરીફ કોણ સાબિત થયું હશે? પાન અમેરિકન એરલાઇન્સ, એમીરેટ્સ કે પછી એર ફ્રાન્સ? જવાબ છે ટેલી-વીડિયો કોન્ફરન્સીંગ સર્વીસીઝને કારણે બિઝનેસ ટ્રાવેલ્સમાં મોટો ઘટાડો નોંધાયેલો અને એ સતત ચાલુ જ છે. એક સમયે સીસ્કો અને એચપી આ વ્યવસાયમાં પ્રભુત્વ ધરાવતા હતા અને હવે ઝુમ, ગુગલ મિટ્સ કે માઇક્રોસોફ્ટ ટીમ મેદાન મારી ગયું છે.  બિઝનેસમાં મંદી, કોસ્ટ કટિંગ અને ખર્ચા ઉપર કાપ મૂકવાના અનેક પગલાંઓને કારણે આ પ્રકારની સર્વીસીઝ નિયમિત ઉપયોગમાં લેવાવા માંડી. હવે એક એર-લાઈન્સને કેમ કલ્પના હોય કે એમના હરીફ ક્યાંથી પ્રગટ થશે? એર-લાઇન્સના મૅનેજમેન્ટને આશા હતી કે જેવી મંદી પૂર્ણ થશે, બિઝનેસ પાછો યથાવત્ થશે. પણ એ આશા ઠગારી નીવડે એમ સાબિત થઈ રહ્યું છે.

બે દસકા પહેલાં એક રાત્રિની અંદર ૩-૪ ફિલ્મ જોવા માટે ભારે ધરખમ VCR કે VCP ભાડે લાવીને જોતા હતા. ભાડે એટલાં માટે કે એ VCR/VCP કિંમતમાં પણ ભારે જ હતાં. મોટી VHS કેસેટ (જેની લાઇફ પાછી મર્યાદિત) એ પછી બ્લ્યુ-રે DVD થોડો સમય લાઇમલાઈટામાં રહી. હવે હાઈ સ્પીડ ઇન્ટરનેટના જમાનામાં તો એ મ્યુઝિયમ આઈટમ બની  જ ચૂક્યાં છે. હવે લાઈવ સ્ટ્રીમીંગ, નેટફ્લિક્સ, એમેઝોન પ્રાઈમ, સોની લીવ અને યુટ્યુબ એ મનોરંજનના પર્યાય બની ગયું છે.

એક લાખ રૂપિયા આસપાસથી મળતાં પર્સનલ કોમ્પ્યુટર આજે ફક્ત થોડા જ હજારોમાં મળતાં થઈ ગયા. એ પછી ટેબ્લેટનો સમય હતો હવે સ્માર્ટ ફોન જ પર્સનલ કોમ્પ્યુટર છે, એન્ટરટેઇનમેન્ટ ડીવાઇસ છે અને કોમ્યુનીકેશન માટે એકમેવ માધ્યમ છે.

હરીફાઇ અણધાર્યા ક્ષેત્રમાંથી આવી ચડે છે. અને એના કારણે જ તો તમે અભ્યાસ કરશો તો ખ્યાલ આવશે કે છેલ્લા વીસ વરસમાં કેટલી પ્રોડક્ટ બજારમાંથી અદ્ર્શ્ય થઈ કે થઈ રહી છે?

એલાર્મ ક્લૉક, રેડિયો, મ્યુઝિક સીડી (જેને MP3/MP4 ફોરમેટ ખાઈ ગયું) અને વધ્યું એ FM રેડિયો કામ તમામ કરી રહ્યું છે. અને FM રેડિયો ક્યાં સાંભળે? મોબાઈલ – ઓબ્વીયસ જવાબ છે. ટાઈપરાઈટર હવે અદ્રશ્ય થઈ ગયા છે. કદાચ કોર્ટની બહાર જોવા મળે છે. આજે બેંકમાં કશિયર ચેમ્બર બહાર લાઈન્સ પણ ગાયબ થઈ રહી છે. ATMને કારણે સગવડ ખૂબ વધી, કામમાં સરળતા પણ વધી છે.


અસંખ્ય આ પ્રકારના ઉદાહરણ આપણી સમક્ષ આવશે.

રેસ્ટોરન્ટના હરીફ હવે ક્લાઉડ કીચન પુરવાર થાય છે. ફુડ ડીલીવરી પાર્ટનર જેમ કે ઝોમાટો કે સ્વિગ્ગીને કારણે પ્રખ્યાત રેસ્ટોરન્ટને પણ હવે ભીંસ પડવા લાગી છે.

આજે હરીફ કઈ દિશામાંથી આવશે એ ખબર નથી પડતી. જરૂર છે તો ફક્ત માર્કેટને સતત જાણતા રહેવાની, અને નવા પરિમાણો ઉમેરતાં જ રહેવાની છે. આજનો ગ્રાહક વેલ્યૂ એડીશનને વધુ મહત્વ આપે છે. ગ્રાહકોને જે ભૂલશે, ગ્રાહક એને ભૂલવાનો જ છે. અને સગવડ, સવલત અને યોગ્ય કિંમત એ મહત્વના પરિબળ છે અને રહેશે. રીટેલ વેપારની સમગ્ર પરિભાષા બદલાઈ ગઈ. એક મોબાઈલ ફોન એપ્લીકેશ દ્વારા તમે સમગ્ર ભારતમાં વેપાર કરી શકો છો. હવે મહોલ્લાના વેપારી હોય કે મલ્ટીનેશનલ કંપની હોય સજ્જ થયા વગર છુટકો નથી. સર્વિસ, ક્વોલીટી, આફ્ટર સેલ્સ સર્વિસ સુધારતા જ રહેવું પડશે. અને જો એવું નહી કરે તો હરીફાઇ તૈયાર છે. કોળીયો બનાવી જશે.

નોકરીઓ હવે આઉટસોર્સ થવા લાગી છે. આર્ટીફીશ્યલ ઇન્ટેલીજન્સ, રોબોટીક્સ એ કેટલી નોકરીઓનો પર્યાય બની રહી છે. કૌશલ્ય નહી અપગ્રેડ કરો તો એ હરીફાઈ આપવા તૈયાર જ છે.

 

આજની વેપાર, કરીઅર કે ધંધાને માટે જ તમે તમારો નાસ્તો કરો છે કે કોઇનો નાસ્તો બની રહ્યા છો?


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top