પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બહુપ્રતિક્ષિત દ્વિપક્ષીય વાટાઘાટો આજે સવારે (ગુરુવારે રાત્રે અમેરિકન સમય મુજબ) પૂર્ણ થઈ. આ વાતચીતમાં બંને દેશો વચ્ચે વેપારથી લઈને ટેક્નોલોજી સુધીના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ. સંરક્ષણ સહિત દરેક વિભાગમાં પરસ્પર સહયોગ વધારવા અંગે પણ ઘણા નક્કર નિર્ણયો લેવામાં આવ્યા. ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે એક પોસ્ટ દ્વારા જણાવ્યું હતું કે બંને નેતાઓએ સંરક્ષણ, સુરક્ષા, ઉર્જા, વેપાર અને ટેક્નોલોજી સંબંધિત ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. તેમણે એમ પણ લખ્યું કે, આ વાતચીતમાં ભારત અને અમેરિકા વચ્ચે દરેક ક્ષેત્રમાં ભાગીદારીને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો.
ઇન્ડો-પેસિફિકમાં શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિ વધારવા માટે સાથે મળીને કામ કરવાનો નિર્ણય. આનો અર્થ એ થયો કે ચીનનો સામનો કરવા માટે ક્વાડ (Quad)ને પ્રાથમિકતા આપવામાં આવશે. Quad એ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાનું સમૂહ છે.
ક્રિટિકલ ખનિજ, અદ્યતન સામગ્રી અને ફાર્માસ્યૂટિકલ્સની મજબૂત સપ્લાય ચેઇન બનાવવામાં આવશે. સંયુક્ત ઉત્પાદન, સંયુક્ત વિકાસ અને ટેક્નોલોજીના ટ્રાન્સફર પર વધુ ભાર મૂકવામાં આવશે.
લોસ એન્જિલિસ અને બોસ્ટનમાં ભારતીય દુતાવાસ ખુલશે. અમેરિકન યુનિવર્સિટીઓને ભારતમાં ઓફશોર કેમ્પસ ખોલવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
ભારત અને અમેરિકા વચ્ચે તેલ અને ગેસનો વેપાર મજબૂત થશે, એટલે કે ભારત હવે અમેરિકા પાસેથી વધુ તેલ અને ગેસ ખરીદશે.
અમેરિકા ભારતમાં પરમાણુ ઉર્જા ક્ષેત્રમાં નાના મોડ્યૂલર રિએક્ટરની દિશામાં સહયોગ વધારશે.
આતંકવાદ સામે સાથે મળીને કામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. આ ક્રમમાં, 26/11 હુમલાના માસ્ટરમાઇન્ડ પૈકીના એક તહવ્વુર રાણાને ટૂંક સમયમાં અમેરિકાથી ભારત મોકલવામાં આવશે.
સંરક્ષણ કરારોમાં, ભારતનો અમેરિકા પાસેથી ફાઇટર જેટ ખરીદવાનો કરાર મુખ્ય હતો. ભારત હવે અમેરિકા પાસેથી F-35 સ્ટીલ્થ ફાઇટર એરક્રાફ્ટ ખરીદશે.
અમેરિકા IMEC એટલે કે 'ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કોરિડોર'ના નિર્માણમાં મદદ કરશે. એ ભારતથી ઇઝરાયલ, ઇટાલી અને આગળ અમેરિકા જશે.
ટેરિફ અંગે કોઈ સ્પષ્ટ નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી. જોકે, મોદી-ટ્રમ્પ વાટાઘાટો પહેલા જ ટ્રમ્પે એક આદેશ પર હસ્તાક્ષર કર્યા હતા જેમાં દરેક દેશ પર 'ટિટ ફોર ટેટ' ટેરિફ લાદવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેનો અર્થ એ કે, ભારત અમેરિકન ઉત્પાદનો પર જે પણ ટેરિફ લાદશે, અમેરિકા પણ ભારતીય ઉત્પાદનો પર તે જ ટેરિફ લાદશે. ટેરિફ યુદ્ધના ભય વચ્ચે, બંને દેશોએ આગામી 5 વર્ષમાં એટલે કે 2030 સુધીમાં ભારત-અમેરિકા વેપાર બમણો કરવાનો નિર્ણય લીધો છે.
દેશનિકાલના કિસ્સામાં, અમેરિકામાં રહેતા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાનું ચાલુ રહેશે. જોકે, એ સ્પષ્ટ નથી કે આવા ભારતીયોને હાથકડી અને બેડીઓ પહેરાવીને લશ્કરી વિમાનમાં લાવવામાં આવશે કે નહીં.