ભાજપમાં ફરી શરૂ થયો ભરતીમેળો : 'આપ'ના દોઢ હજાર કાર્યકરોએ કેસરિયા કર્યા

ભાજપમાં ફરી શરૂ થયો ભરતીમેળો : 'આપ'ના દોઢ હજાર કાર્યકરોએ કેસરિયા કર્યા

03/23/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

ભાજપમાં ફરી શરૂ થયો ભરતીમેળો : 'આપ'ના દોઢ હજાર કાર્યકરોએ કેસરિયા કર્યા

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે ત્યારે એક તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી જેવા પક્ષો અસ્તિત્વ ટકાવી રાખવા માટે મથી રહ્યા છે ત્યાં બીજી તરફ ભાજપે પુરજોશથી ભરતીમેળો શરૂ કરી દીધો છે. જે અંતર્ગત આજે આમ આદમી પાર્ટીના લગભગ 1500 જેટલા કાર્યકરો વિધિવત રીતે ભાજપમાં જોડાઈ ગયા હતા.


'આપ' કાર્યકરોએ તેમની ટોપી કાઢી ભાજપની ટોપી ધારણ કરી

'આપ' કાર્યકરોએ તેમની ટોપી કાઢી ભાજપની ટોપી ધારણ કરી

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીના આ કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીનો ખેસ-ટોપી ધારણ કર્યાં હતાં. આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતાઓ તેમજ વિવિધ મોરચાના પ્રમુખો તેમજ મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો હાજર રહ્યા હતા.

આમ આદમી પાર્ટી કાર્યકરોના ભાજપ પ્રવેશ પહેલાં મંડપમાં બેઠેલા 'આપ' કાર્યકરોએ 'આપ'ની જ ટોપી પહેરતા કુતુહલ સર્જાયું હતું. પરંતુ ત્યારબાદ ભાજપના નેતાઓએ તેમની આમ આદમી પાર્ટીની ટોપી કઢાવીને ભાજપની ટોપી પહેરાવી હતી અને પાર્ટીમાં આવકાર્યા હતા.

લગભગ એક મહિનાથી આ કાર્યકરોને ભાજપમાં લાવવા માટેનું આયોજન કરવામાં આવી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. જેમાં વધુ સંખ્યામાં સૌરાષ્ટ્ર વિસ્તારના કાર્યકરો છે.


આમ આદમી પાર્ટીએ કહ્યું- આમાંના મોટાભાગના સસ્પેન્ડ થયેલા લોકો છે

બીજી તરફ, આમ આદમી પાર્ટીએ બચાવ કરતાં કહ્યું છે કે આ એવા કાર્યકરો છે જેમને પાર્ટીએ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય અથવા સાઈડલાઈન કરી દેવામાં આવ્યા હોય. પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું કે તેમાંથી કેટલાકને ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પાર્ટી વિરુદ્ધની કામગીરી કરવા બદલ સસ્પેન્સ કરવામાં આવ્યા હતા, તો કેટલાક એવા પણ લોકો સામેલ હતા જેઓ ભાજપના ઇશારે 'આપ'માં રહીને કાર્યક્રમોમાં અવરોધ સર્જતા હતા. આ ઉપરાંત એવું પણ જણાવવામાં આવ્યું છે કે જેમને માત્ર હોદ્દા અને ટિકિટ સાથે જ લેવાદેવા હોય તેવા અતિમહત્વાકાંક્ષી લોકોને દૂર કરવામાં આવતા તેઓ ભાજપમાં જોડાયા છે.


'આપ' માટે અસ્તિત્વ ટકાવવું જોખમી થઈ પડ્યું

'આપ' માટે અસ્તિત્વ ટકાવવું જોખમી થઈ પડ્યું

એક સમયે ગુજરાતભરમાં મોટા ઉપાડે શરૂ થયેલી આમ આદમી પાર્ટીને હવે પોતાનું અસ્તિત્વ બચાવવું મુશ્કેલ થઈ પડ્યું છે. પાર્ટીમાં આગળ પડતા બે નેતાઓ વિજય સુવાળા અને મહેશ સવાણીએ પાર્ટી છોડ્યા બાદ સુરતમાંથી પણ પાર્ટીના પાંચ કોર્પોરેટરો રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. જોકે, તેમાંથી એક કોરપોરેટર ફરીથી 'આપ'માં જોડાયા છે!


ભાજપમાં એક પછી એક નેતાઓ-કાર્યકરોનો ધસારો

ભાજપમાં એક પછી એક નેતાઓ-કાર્યકરોનો ધસારો

બીજી તરફ, અન્ય પાર્ટીઓમાંથી કોઈ પણ નેતા કે કાર્યકરોને લેવામાં નહીં આવે તેવી વાતો કરતી ભારતીય જનતા પાર્ટીએ પણ ચૂંટણી પહેલાં નેતાઓ-કાર્યકરો માટે લાલ જાજમ પાથરી છે. આ પહેલાં કોંગ્રેસના જયરાજસિંહ પરમાર સહિતના નેતાઓ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવી ચૂક્યા છે તેમજ જાણવા મળ્યું છે કે કોંગ્રેસના લગભગ દસેક જેટલા ધારાસભ્યો ભાજપના સંપર્કમાં છે. જો આ દાવો સાચો હોય તો આવનાર સમયમાં કોંગ્રેસ વધુ તૂટશે તેમાં કોઈ શંકા નથી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top