'મહેન્દ્ર સિંહ ધોની ઈઝ બેક', થાલા ફરી બન્યો ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન, ઋતુરાજ ગાયકવાડ ટૂર્નામેન્ટમાંથી OUT!
IPL 2025 ની વચ્ચે ચેન્નાઈ સુપર કિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડ ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે. તેના સ્થાને ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ફરીથી ટીમની કમાન સોંપવામાં આવી છે. તે સીઝનની બાકીની મેચોમાં કેપ્ટનશીપ કરશે. કોણીની ઈજાને કારણે ઋતુરાજ હવે આ સીઝનમાં નહીં રમે.
ચેન્નાઈની ટીમ શુક્રવારે ચેપોક સ્ટેડિયમમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે રમશે. હોમ ગ્રાઉન્ડ પર રમાનારી આ મેચ પહેલા ટીમ માટે ખરાબ સમાચાર આવ્યા. ઋતુરાજની કેપ્ટનશીપ હેઠળ, ટીમને માત્ર પ્રથમ પાંચ મેચમાં જ જીત મળી છે. તેને ચાર મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. ટીમ પોઈન્ટ ટેબલમાં સનરાઈઝર્સ હૈદરાબાદથી ઉપર નવમા સ્થાને છે.
ચેન્નાઈમાં CSKના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગે જણાવ્યું હતું કે, તેને ગુવાહાટીમાં ઇજા થઇ હતી તે ખૂબ દર્દમાં હતો. અમે એક્સ-રે કરાવ્યું. તેમાં કંઈ ન નીકળ્યું. ત્યારબાદ, અમે MRI કરાવ્યું, જેમાં તેની કોણીના રેડિયલ નેકમાં ફ્રેક્ચર હોવાનું બહાર આવ્યું. તેથી અમે તેમના માટે નિરાશ અને દુઃખી છીએ. અમે તેના રમવાના પ્રયાસોની પ્રશંસા કરીએ છીએ, પરંતુ કમનસીબે તે હવે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. અમારી પાસે એક અનકેપ્ડ ખેલાડી છે, એમ.એસ. ધોની. જે બાકીના IPL માટે ટીમનું નેતૃત્વ કરશે.
30 માર્ચે ગુવાહાટીમાં રાજસ્થાન રોયલ્સ સામે CSKની મેચ દરમિયાન ગાયકવાડ ઇજાગ્રસ્ત થયો હતો. CSK તે મેચ હારી ગયું હતું. ચેન્નાઈ સુપર કિંગ્સના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર તુષાર દેશપાંડેના બોલથી ઋતુરાજ ઇજાગ્રસ્ત થયો હતો. આમ છતા, તેણે બેટિંગ કરી અને 63 રન બનાવ્યા હતા. હિંમત બતાવતા, રુતુરાજે વધુ 2 મેચમાં ભાગ લીધો, પરંતુ ટીમને જીત ન અપાવી શક્યો.
43 વર્ષીય ધોનીએ 2008-2024 સુધી ચેન્નાઈનું નેતૃત્વ કર્યું. ત્યારબાદ તેણે ગાયકવાડને કેપ્ટનશીપ સોંપી. ધોનીએ 2022માં રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ પણ સોંપી હતી, પરંતુ ટીમના ખરાબ પરિણામો બાદ, તેણે સીઝનની મધ્યમાં કેપ્ટનશીપ પાછી લઇ લીધી. ધોનીની કેપ્ટનશીપ હેઠળ, ચેન્નાઈએ 2010, 2011, 2018, 2021 અને 2023માં એમ 5 IPL ટાઇટલ અને 2 ચેમ્પિયન્સ લીગ ટ્રોફી પણ જીતી છે.
ધોનીએ કેપ્ટનશીપ સ્વીકારી
ફ્લેમિંગે કહ્યું કે, ધોનીએ આગળ આવીને અમને આ પરિસ્થિતિમાંથી બહાર કાઢવામાં કોઈ સંકોચ અનુભવ્યો. એટલે તેમાં કોઈ શંકા નહોતી. અમે રિપ્લેસમેન્ટ વિશે વિચારીશું. અમારી ટીમમાં કેટલાક સારા ખેલાડીઓ છે જે થોડા સમયથી અમારી સાથે છે, એટલે અમે પહેલા પોતાને જોઈશું. પરંતુ હા, આ જોવાની એક તક છે કે અમે આગામી વર્ષોમાં ટીમને કેવી રીતે સુધારી શકીએ છીએ. શુક્રવારે KKR સામેની તેની ઘરઆંગણેની મેચ બાદ, CSK 14 એપ્રિલે લખનૌ સુપર જાયન્ટ્સ અને 20 એપ્રિલે મુંબઈ ઇન્ડિયન્સ સામે રમશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp