E20 પેટ્રોલને લઈને લાગેલા આરોપો પર નીતિન ગડકરીનો મોટો દાવો
E20 ઇંધણ અંગે સોશિયલ મીડિયા પર ઉઠાવવામાં આવેલી ચિંતાઓ પર કેન્દ્રીય માર્ગ, પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કડક વલણ અપનાવ્યું છે. તેમણે દાવો કર્યો હતો કે, તેમની છબીને નુકસાન પહોંચાડવાના હેતુથી તેમની વિરુદ્ધ એક સુનિયોજિત 'પેઇડ અભિયાનશ' ચલાવવામાં આવી રહી છે. નીતિન ગડકરીએ આ ટીકાઓને સ્પષ્ટપણે નકારતા અને તેને તથ્યોથી વિરુદ્ધ ગણાવી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ પગલાને પડકારતી અરજીઓ પહેલા જ ફગાવી દીધી છે.
65મા SIAM વાર્ષિક પરિષદમાં બોલતા ગડકરીએ કહ્યું હતું કે, ‘સોશિયલ મીડિયા પર મારી વિરુદ્ધ પેઇડ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. સુપ્રીમ કોર્ટે પણ અરજી ફગાવી દીધી છે. તેમાં કોઈ તથ્ય નહોતું. દરેક જગ્યાએ કેટલીક લોબી હોય છે, અને તમે પણ કોઈક ને કોઈક લોબીનો હિસ્સો છો. સોશિયલ મીડિયા પર કઈક પ્રચાર ચાલી રહ્યો છે, કેટલાક લોકો તેનો પ્રચાર કરી રહ્યા છે. પેટ્રોલ લોબી ખૂબ જ અમીર અને તાકતવર છે.
આ મામલો E20 ઇંધણ સાથે જોડાયેલો છે. E20 ઇંધણમાં 80% સામાન્ય પેટ્રોલ અને 20% ઇથેનોલ હોય છે. ઇથેનોલ એક પ્રકારનો આલ્કોહોલ છે, જે સ્ટાર્ચ અને સુગરમાંથી બનાવવામાં આવે છે. જો તેને પેટ્રોલમાં ભેળવીને ઉપયોગમાં લેવામાં આવે તો તે પર્યાવરણ માટે સારું ઇંધણ માનવામાં આવે છે.
ભારત સરકાર E20 પેટ્રોલને પ્રોત્સાહન આપી રહી છે, જેથી પ્રદૂષણ ઓછું થાય અને તેલની આયાત પર નિર્ભરતા ઓછી થાય. સોશિયલ મીડિયા પર ગડકરી પરના આરોપો વચ્ચે 6 સપ્ટેમ્બરના રોજ, કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ ગડકરી અને તેમના પરિવાર પર આરોપ લગાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ગડકરીના પુત્ર ઇથેનોલના વ્યવસાયમાંથી મોટો નફો કમાઈ રહ્યા છે, જ્યારે ગડકરી મંત્રી હોવાને કારણે, આ સંબંધિત નીતિઓ બનાવે છે.
કોંગ્રેસનું કહેવું છે કે ગડકરીના પરિવારને આ નીતિથી સૌથી વધુ ફાયદો થયો છે. પવન ખેડાએ સરકારને ઘણા પ્રશ્નો પૂછ્યા. ઉદાહરણ તરીકે ‘ખેડૂતોને ઇથેનોલથી કેટલો ફાયદો થયો? પેટ્રોલ અને ડીઝલ હજુ પણ મોંઘુ કેમ છે? જો E20ને પ્રોત્સાહન આપવામાં આવે છે જો આપવું એ પબ્લિક પોલિસી છે, તો પછી માત્ર ગડકરીના પુત્રોને જ કેમ ફાયદો મળી રહ્યો?’
આ બધા આરોપોનો જવાબ આપતા નીતિન ગડકરીએ કહ્યું કે, ‘મારી વિરુદ્ધ જે કંઈ પણ વાતો કહેવામાં આવી રહી છે તે એક રાજનીતિક અભિયાન છે. તે મને નિશાન બનાવવા માટે ચલાવવામાં આવ્યું છે. આ એક પેઇડ કેમ્પેન હતું, એટલે કોઈએ તેના પર ધ્યાન ન આપવું જોઈએ.’ દુનિયા એ વાત પર સહમત છે કે પ્રદૂષણ ઘટાડવું જોઈએ. એક રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે જો પ્રદૂષણનું આ સ્તર ચાલુ રહેશે તો દિલ્હીના રહેવાસીઓના જીવનમાં 10 વર્ષનો ઘટાડો થશે.’
સોશિયલ મીડિયા પર એવા દાવા પણ થયા હતા કે E20 ઇંધણ વાહનોનું એવરેજ ઘટાડે છે. સાથે જ જૂના વાહનોના એન્જિનને અસર કરે છે. મિન્ટના રિપોર્ટ અનુસાર, ગડકરીએ આ દાવાને લઈને કહ્યું કે, ‘બધા પરીક્ષણ પર એજન્સીઓએ પુષ્ટિ કરી છે કે તેમાં કોઈ સમસ્યા નથી.’
ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઇન્ડિયા (ARAI)એ પહેલાથી જ E20 ઇંધણના ઉપયોગને લીલી ઝંડી આપી દીધી છે. ગડકરીએ ભાર મૂક્યો હતો કે સરકાર E20 પ્રોગ્રામ અને ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો દ્વારા સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધ છે..
તો, વાહનોના સ્ક્રેપિંગના મુદ્દા પર ગડકરીએ કહ્યું કે ઓગસ્ટ 2025 સુધીમાં લગભગ 3 લાખ વાહનો સ્ક્રેપ કરવામાં આવ્યા છે. જેમાં 1.41 લાખ સરકારી વાહનોનો સમાવેશ થાય છે. તેમણે વધુમાં કહ્યું કે નાણામંત્રી સાથેની ચર્ચામાં જૂની કાર સ્ક્રેપ કરીને નવી કાર ખરીદનારાઓને GSTમાં મુક્તિ આપવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp