'એક દેશ, એક ચૂંટણી' પ્રસ્તાવને કેબિનેટે આપી મંજૂરી, જાણો મોદી સરકાર શા માટે જરૂરી માને છે?
One Nation, One Election: 'એક દેશ એક ચૂંટણી' પ્રસ્તાવને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્તમાન શિયાળુ સત્ર દરમિયાન જ આ બિલ સંસદમાં રજૂ થઈ શકે છે. આ બિલ અંગે તમામ રાજકીય પક્ષોના સૂચનો લેવામાં આવશે. બાદમાં તેને સંસદ દ્વારા પસાર કરવામાં આવશે.
આ અગાઉ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિએ એક દેશ એક ચૂંટણી સંબંધિત રિપોર્ટ સરકારને સોંપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, કાયદા મંત્રીએ કેબિનેટમાં એક દેશ, એક ચૂંટણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ પ્રસ્તાવ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
'એક દેશ, એક ચૂંટણી' અંતર્ગત લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાશે. રામનાથ કોવિંદની આગેવાની હેઠળની સમિતિના અહેવાલમાં સૂચવવામાં આવ્યું છે કે પ્રથમ ચરણમાં લોકસભા અને રાજ્યસભાની ચૂંટણી એકસાથે યોજવી જોઈએ. સમિતિએ ભલામણ કરી છે કે લોકસભા અને રાજ્યસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાના 100 દિવસની અંદર સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજવી જોઈએ.
વાસ્તવમાં વડાપ્રધાન મોદી લાંબા સમયથી 'એક દેશ, એક ચૂંટણી'ની વકીલાત કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે, ચૂંટણી માત્ર ત્રણ-ચાર મહિના માટે હોવી જોઈએ, પૂરા 5 વર્ષ સુધી રાજનીતિ ન થવી જોઈએ. તેમજ ચૂંટણી પર થતા ખર્ચમાં ઘટાડો થવો જોઈએ અને વહીવટી તંત્ર પર બોજ ન વધવો જોઈએ. 'એક દેશ, એક ચૂંટણી'નો અર્થ છે કે ભારતના તમામ રાજ્યોની લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવામાં આવે.
અગાઉ પણ એક સાથે ચૂંટણી યોજાઈ છે
એક દેશ એક ચૂંટણી એ ભારત માટે નવો કોન્સેપ્ટ નથી. દેશમાં આઝાદી પછી 1967 સુધી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે થતી હતી. 1952, 1957, 1962 અને 1967માં લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એક સાથે યોજાઈ હતી, પરંતુ રાજ્યોની પુનઃરચના અને અન્ય કારણોસર ચૂંટણીઓ અલગ-અલગ સમયે યોજાવા લાગી હતી.
એક દેશ, એક ચૂંટણીથી લોકોને વારંવારની ચૂંટણીઓમાંથી મુક્તિ મળશે.
દર વખતે ચૂંટણી થાય ત્યારે કરોડો રૂપિયાનો ખર્ચ થાય છે, જે ઓછો થઇ શકે છે.
આ ખ્યાલ દેશમાં રાજકીય સ્થિરતા લાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી શકે છે.
ચૂંટણીના કારણે નીતિઓમાં વારંવાર ફેરફારનો પડકાર ઓછો થશે.
સરકારો વારંવાર ચૂંટણી મૉડમાં જવાને બદલે વિકાસના કામો પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે.
વહીવટીતંત્રને પણ તેનો ફાયદો થશે, ગવર્નન્સ પર ભાર વધશે.
પોલિસી પેરાલિસિસ જેવી પરિસ્થિતિમાંથી મુક્તિ મળશે. અધિકારીઓનો સમય અને શક્તિ બચશે.
સરકારી તિજોરી પરનો બોજ ઘટશે અને આર્થિક વિકાસને વેગ મળશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp