ગુજરાતની શાળાઓમાં શું થવા બેઠું છે? હવે આ સ્કૂલમાં વિદ્યાર્થીએ ખસી જવાનું કહેતા આંખ પાસે નખ માર્યા અને..
અમદાવાદમાં સેવાન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને છરી દીધી હતી, જેમાં ઇજાગ્રસ્ત થયેલા વિદ્યાર્થીનું સારવાર દરમિયાન મોત થઈ ગયું હતું. ત્યારબાદ મામલો બીચક્યો હતો અને સ્થાનિકો અને સિંધી સમાજમાં રોષ વ્યાપી ગયો હતો. આ મામલો હજી પણ શાંત થયો નથી. તો મહિસાગર જિલ્લાની તળાવ દરવાજા પ્રાથમિક શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થી પર હુમલો કરવાની ઘટના સામે આવી હતી. હવે વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ખસી જવાનું કહેતા એક વિદ્યાર્થિએ અન્ય વિદ્યાર્થીને નખ માર્યા હતા અને છરીનો ડર બતાવ્યો હતો. ચાલો જાણીએ આ ઘટના ક્યાંય છે અને શું છે આખો મામલો.
વડોદરાની જાણીતી અને ધરખમ ફી વસૂલતી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિદ્યાર્થીએ અન્ય વિદ્યાર્થીને હટવાનું કહેતા તેણે ઉશ્કેરાઈ તેને આંખ નજીક નખ મારી દીધા હતા. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીના મતે નખ મારનાર વિદ્યાર્થીની બેગમાં બટન દબાવતા ખુલે તેવું નાનું ચપ્પુ પણ હતું. આ મામલે વાલી દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. અને શાળા મેનેજમેન્ટ યોગ્ય પગલાં ભરે તેવી માગ કરવામાં આવી છે.
પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, લંચ બ્રેકમાં હું જમવા જઇ રહ્યો હતો. ત્યારે મેં એક છોકરાને ખસી જવા કહ્યું હતું, પરંતુ તે ન હટ્યો. ત્યારબાદ મેં પ્રેમથી ખભે હાથ રાખીને ખસી જવા કહ્યું હતું. પછી તે ગુસ્સામાં ખસી ગયો અને તેણે મારી આંખ નજીક તેના નખ માર્યા હતા. તેની બેગમાં નાનું ચપ્પુ પણ હતું. ચપ્પુ બટન બદાવતા ખુલતું હતું. તેણે ક્લાસમાં બધાને ચપ્પુ બતાવ્યું હતું. શિક્ષકો પણ કંઇ બોલ્યા નહોતા. મેં શિક્ષકને જાણ કરી ત્યારે તેમણે તેના માતા-પિતાને તેનો ફોટો લઇને મોકલી આપ્યું હતું. મને લોહી નીકળતું હતું ત્યાં રૂ દબાવી દીધું હતું. એક દિવસ અગાઉ અમારી શાળામાં બેગો ચેક કરવામાં આવી હતી, પરંતુ કંઇ મળ્યું નહોતું. તેણે છરી છુપાવી દીધી હતી.
આ મામલે વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. પીડિત વિદ્યાર્થીના વાલીએ શાળા મેનેજમેન્ટને સુરક્ષા માટે ખાસ ધ્યાન આપવા, સતત ચેકિંગ કરતા રહેવા સાથે જ મેનેજમેન્ટ પાસે કાર્યવાહીની માગ કરી છે. જોકે આ મામલે અત્યાર સુધી સ્કૂલ મેનેજમેન્ટનું નિવેદન સામે આવ્યું નથી.
ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી બની રહેલી ઘટનાઓને કારણે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે બાળકોને આટલો બધો ગુસ્સો ક્યાથી આવે છે? શું આ બધુ સોશિયલ મીડિયાની સાઈડ ઇફેક્ટ છે? વાલીઓ પોતાના બાળકો પર વધુ ધ્યાન આપી રહ્યા નથી કે બાળકો શું કરે છે, બેગમાં શું લઇ જાય છે? શાળામાં પુસ્તકો સાથે છરી જેવા ઘાતક હથિયાર શા માટે લઈ જઇ રહ્યા છે?
શાળાઓમાં સતત વધી રહેલા વિદ્યાર્થીઓએ વચ્ચેના હિંસક ઝઘડા અને ઘાતક હથિયાર રાખવાની પ્રવૃતિઓ ચિંતાજનક છે. વિદ્યાના મંદિરમાં આવી ઘટનાઓ ખૂબ જ ચિંતાજનક અકે ખતરનાક છે. વાલીઓ અને સમજે મળીને બાળકોમાં વધતાં તણાવ અને ગુસ્સા તરફ ધ્યાન આપવું પડશે નહિતર ગુજરાત અને ભારતનું ભવિષ્ય જોખમમાં મુકાઇ જશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp