પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડી, ફોર્ટિસ હૉસ્પિટલમાં કરાયા દાખલ; જાણો કેવું છે તેમનું સ્વાસ્થ્ય
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડી છે. ડૉક્ટરોની સલાહ પર, તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેઓ છેલ્લા 2 દિવસથી અસ્વસ્થ હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, તેમને વાયરલ તાવ અને પાચન સંબંધિત સમસ્યાઓ હતી. તેઓ દવાઓ લઈ રહ્યા હતા અને ઘરે આરામ કરી રહ્યા હતા, પરંતુ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો ન થતા અને બ્લડ પ્રેશરમાં વધઘટને કારણે તેમને શુક્રવારે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા.
ફોર્ટિસ હોસ્પિટલે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનને થાક અને ધબકારા ઓછા થવાની ફરિયાદ બાદ મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. હોસ્પિટલ પહોંચ્યા બાદ, તેમની તપાસ કરવામાં આવી હતી અને હવે તેમની હાલત સ્થિર છે. તેઓ હાલમાં નિરીક્ષણ હેઠળ છે અને તેમના પલ્સ રેટમાં સુધારો થયો છે. અમારી તબીબી ટીમ સતત તેમની હાલત પર નજર રાખી રહી છે.
મુખ્યમંત્રી ભગવંત માન શુક્રવારે ચંદીગઢમાં પંજાબ કેબિનેટની બેઠકની અધ્યક્ષતા કરવાના હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી બીમાર પડ્યા બાદ બેઠક મુલતવી રાખવામાં આવી છે. આ બેઠકમાં પૂરથી ખરાબ રીતે પ્રભાવિત રાજ્યમાં ચાલી રહેલા રાહત અને બચાવ કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરવાની અપેક્ષા રાખવામાં આવી હતી. ગઈકાલે શરૂઆતમાં તેઓ આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ સાથે સુલતાનપુર લોધીની મુલાકાત લેવાના હતા.
આ વિસ્તારના ઘણા ગામો પૂરથી પ્રભાવિત છે. પરંતુ તેઓ ખરાબ સ્વાસ્થ્યને કારણે જઈ શક્યા નહોતા. જોકે, કેજરીવાલે બાદમાં એકલા કપૂરથલા જિલ્લાના સુલતાનપુર લોધીમાં પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. અરવિંદ કેજરીવાલ ગુરુવારે મુખ્યમંત્રી માનના સત્તાવાર નિવાસસ્થાને તેમના સ્વાસ્થ્યની પૂછપરછ કરવા પહોંચ્યા હતા. પંજાબ ગંભીર પૂરનો સામનો કરી રહ્યું છે, જેમાં મૃત્યુઆંક 43 પર પહોંચી ગયો છે અને ગુરુવાર સુધીમાં 1.71 લાખ હેક્ટર ખેતીલાયક જમીનને નુકસાન થયું છે.
છેલ્લા બે અઠવાડિયામાં ભગવંત માન નુકસાનનું મૂલ્યાંકન કરવા અને રાહત કાર્યની અંગે જાણવા માટે ઘણા પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમણે મંગળવારે બોટ દ્વારા ફિરોઝપુર જિલ્લાના ગટ્ટી રાજોની મુલાકાત લીધી હતી. તેમણે અમૃતસરના પૂરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી. જોકે, મુખ્યમંત્રી માન ગઈકાલ સુધી તેમના X એકાઉન્ટ પર અપડેટ્સ પોસ્ટ કરવાનું ચાલુ રાખ્યું હતું. એક પોસ્ટમાં, તેમણે જાહેરાત કરી હતી કે વહીવટ અને રહેવાસીઓ વચ્ચે સીધો સંપર્ક અને તેમની સમસ્યાઓનું ઝડપી નિરાકરણ સુનિશ્ચિત કરવા માટે દરેક પૂરગ્રસ્ત ગામમાં એક ગેઝેટેડ અધિકારી તૈનાત કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp