૧૯૮૫માં આવેલી બંગાળી ફિલ્મ 'પારોમા' રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા ફિલ્મ છે. ફિલ્મની વાર્તા લખનારા અને દિગ્દર્શન કરનારાં અપર્ણા સેનના વ્યક્તિત્વ જેવું જ પ્રભાવશાળી "પારોમા"નું પાત્ર છે. પારોમા માત્ર એક પ્રામાણિકતાપૂર્વક પોતાની ફરજ બજાવતી પુત્રવધૂ, પ્રેમાળ માતા અથવા પત્ની નથી પરંતુ સ્ત્રીત્વનાં જીવતાજાગતા આંદોલન છે જે સ્ત્રીના અણદીઠાં પાસાઓને ઉજાગર કરે છે.
ફિલ્મની શરૂઆત દેવી પૂજા સાથે થાય છે. આ પૂજા માટે પરિવારના બધાં જ સભ્યો એકઠાં થયાં છે. જલ્લોષામાં પૂજા ઉત્સવ ચાલી રહ્યો છે. રાહુલ નામનો યુવક આ ખુશહાલ પળોના ફોટા લઈ રહ્યો છે. રાહુલ પારોમાના ભત્રીજાનો બાળપણનો મિત્ર અને જાણીતો ફોટોગ્રાફર છે. રાહુલ વિદેશમાં રહેતો હોય છે. એને માટે આ રીતે દેવીની ઉપાસના થાય એ ઉત્સવ છે. પૂજાના ફોટાની સાથે રાહુલનો કેમેરો પારોમાની સુંદરતાને પણ કંડારે છે. પારોમા ચાલીસી વટાવી ગયેલી સ્ત્રી છે. એક દિવસ રાહુલ મેગેઝિનમાં પ્રકાશિત કરવા માટે પારોમાના ફોટોગ્રાફ્સ લેવાની પરમિશન માંગે છે અને એને પરિવાર પાસેથી રાજીખુશીથી પરમિશન મળી જાય છે.
કેટલાક દિવસો પછી રાહુલ પારોમાના ફોટોગ્રાફ લેવા એના ઘરે આવે છે. એ વખતે ઘટતા પ્રસંગોમાં પારોમાની ખાનદાની અદબ વર્તાતી રહે છે. દા.ત. હાથમાં સિતાર લઈને એ સરસ્વતીના પોઝમાં બેઠી હોય છે ત્યારે એની સાડી પગની પીંડીથી ઉપર ચડી જાય છે અને એ સંકોચસહ સાડી ઠીક કરે છે. રાહુલને અલતા લગાવેલા પગનો ફોટો પાડવો હોય છે. પારોમા જ્યારે અલતા લગાવતી હોય છે ત્યારે રાહુલ મદદ કરવા ઈચ્છે છે પણ તે વિરોધ કરે છે. જે પગને રાહુલે હાથ લગાડેલો એ પગનો અલતા ઘસીને ધોઈ નાખે છે. જાણે રાહુલનો સ્પર્શ ધોઈ નાખતી ન હોય! એ દિવસ પછી પારોમા ફોટોશુટ માટે એમ કહીને ના પાડી દે છે કે પોતે ઘરગૃહસ્થીવાળી સ્ત્રી છે અને આ બધી બાબતો માટે એને સમય નથી.
તેમ છતાં રાહુલ એક દિવસ ફરી આવે છે અને શહેરમાં ફરવા જવું છે એ કારણ આપી પારોમાને લઈ જાય છે.
કાયમ ઘરના કામકાજ અને પરિવારમાં વ્યસ્ત રહેતી પારોમાએ કદી આ રીતે શહેરને જોયું નહોતું! એ દિવસે એણે મનભરીને શહેરને જોયું. એ ભાવુક થઈ જાય છે. રાહુલને પારોમા એની માતાના ઘરે લઈ જાય છે. એ ઘર દેખાડતાં ઘણાં બધાં સ્મરણ સપાટી આવી જાય છે. એ ઓરડી જ્યાં પોતે સિતાર શીખી હતી, એની બારીની બહારના પેલા છોડવા જેનું નામ એને ક્યારેય યાદ આવતું નથી, એના માસીની ઓરડી જ્યાં વૈધવ્ય આવ્યા પછી પ્રેમમાં પડેલી માસીનો બધાએ કેટલો તિરસ્કાર કરેલો એ બધું પારોમા યાદ કરે છે. એ જ એક ત્યાં મોહની ક્ષણ એવી આવે છે કે મનમાં સુપ્ત પડેલી ભાવના સળવળે છે અને એનું ચુંબનમાં પરિવર્તન થાય છે. તે પછીનો પારોમાનો વિલાપ હ્રદય ભીંજવનારો છે. એ જાતને દોષી ઠેરવે છે. એના મનમાં તો કોઈ જ ભાવના નહોતી તો પછી આ ભાવનાનું પંખી ક્યાંથી આવ્યું? કે પછી.. એ હતું જ.. એ ડરી જાય છે. પેલા પંખીથી. ખુદથી. બરાબર એ જ વખતે ભાસ્કર (પારોમાનો પતિ) પોતાની પી.એ. સાથે રાત વિતાવવાના વિચાર કરે છે.
પારોમાને ખુદને જાણ નહોતી કે એ રાહુલના પ્રેમમાં પડી ગઈ છે. પછી એક ક્ષણે તે રાહુલને પોતાનું સર્વસ્વ સોંપી દે છે. ત્યારબાદ રાહુલ ગ્રીસ ચાલ્યો જાય છે.
અને.. એક દિવસ પોસ્ટમાં પારોમાના ફોટાવાળું મેગેઝિન આવે છે જેમાં એક ફોટો બોલ્ડ હોય છે. એ જ ક્ષણથી ઘરમાં પારોમાનું સ્થાન બદલી જાય છે. જે ઘરનો એ આત્મા હતી ત્યાં હવે તિરસ્કૃત થવા લાગે છે.
આ ફિલ્મનું જમાપાસું એટલે એની ટ્રીટમેન્ટ. એક સંવેદનશીલ સ્ત્રી દિગ્દર્શિકાનો સ્પર્શ ફિલ્મની દરેક ફ્રેમમાં વર્તાય છે. પારોમા પોતાની પારિવારિક અને સામાજિક જવાબદારીઓમાં ખુદને જ ભૂલી ગઈ હતી. સુખી દેખાતી હતી. રાહુલના આવ્યા પછી એ શરીર અને મન પર બાજી ગયેલી પેલી સુખની ધૂળ ખરી પડે છે. પારોમાના વ્યક્તિત્વની અનેક છટાઓ રાખીએ પોતાના અભિનય દ્વારા ખૂબ જ સુંદર રીતે પરદા પર આણી છે. રાખી એ ભુમિકા જીવી છે. 'મેં કોઈ અપરાધ કર્યો નથી' એનું આ વાક્ય આપણી જાણ બહાર આપણને એના પક્ષે વિચારવા તરફ લઈ જાય છે. એના મનનો એક ખૂણો ખાલી હતો કે જે લાગણીઓને ઝંખતો હતો. જે પતિએ ક્યારેય નહોતી આપી એ રાહુલ પાસેથી મળે છે. રાહુલ સાથે સંબંધ બાંધતા પહેલા એણે પતિનો વિચાર ન કર્યો. પણ શું પતિએ બીજી સ્ત્રીઓ સાથે સંબંધ બાંધતા પહેલાં એનો વિચાર કર્યો? જ્યારે પી.એ. 'ના' પાડે છે ત્યારે એ સ્ત્રીનો ઉલ્લેખ ભાસ્કર(પારોમાનો પતિ) 'બીચ' તરીકે કરે છે. બધા જ નિતીનિયમો સ્ત્રી માટે હોય. પુરુષોને એ નિયમોને બાધ્ય નથી. ઉપરથી એને બધું જ ક્ષમ્ય પણ હોય એ આ પિતૃસત્તાક સમાજનો વણલખ્યો નિયમ છે.
છેલ્લે જ્યારે પતિ એની સાથે બધું ભૂલીને ફરી આગળની જેમ રહેવા તૈયાર થાય છે ત્યારે કોઈક અલિપ્ત ભાવનાથી પારોમા નકારે છે. એને હવે કોઈનીયે જરૂર નથી. જો એ ઘડીએ રાહુલ પણ ફરી આવી જાત તો એ એનેય નકારી દેત. રાહુલ સાથેનો એનો સંબંધ અલ્પજીવી હતો પણ સુખદ હતો. એ સંબંધને કારણે જુદી જ શક્યતાના દરવાજા ખૂલી ગયા હતા. આજની માનસિકતાથી જોઈએ તો અજાણ્યા સાથે કોઈ આટલી લિબર્ટીઝ લે નહીં. ફોટા જો છપાય તો એ માટેના કરાર વગેરે હોય. પણ પારોમા ટ્રેઇન્ડ મૉડેલ નહોતી. એને કદાચ એ બધું ન પણ ખબર હોય. આજે ભલે આપણે વ્યક્તિ સ્વાતંત્ર્ય ને 'માય ચોઇસ'નો રાગ આલાપીએ. પણ આ ફિલ્મ દાયકાઓ અગાઉ આવી હતી એ ન ભુલવું જોઈએ. એ વખતે કહેવાતા ભદ્ર સમાજની માનસિકતાને એણે કેટલી હદ સુધી ઝંઝોડી હશે એ ખબર નથી પણ એના માટેનો એક સશક્ત પ્રયત્ન ચોક્કસપણે હતો.
પારોમાને સિતાર સરસ વગાડતાં આવડતું. પતિ એની આ કળાની સાવ જ ઊપેક્ષા કરતો. કેવું છે ને સ્ત્રીને, એના રૂપને, એના અસ્તિત્વને એક ચોક્કસ ચોખઠામાં બાંધી રાખવું. એવું હોય તો જ તે સુખદ, સંસ્કારી અને યોગ્ય. જો તમે મુવી જુઓ તો એક જગ્યાએ પારોમા સિતારવાદનના કાર્યક્રમો કરે છે એવું રાહુલ અમુક લોકોને કહે છે એ અને એક છેલ્લો સીન માણવાનું ચુકતા નહીં.
પારોમાએ સાચું કર્યું કે ખોટું કર્યું આ એવા અભિપ્રાયો ઠોકવાનો પ્રયત્ન નથી. ફિલ્મ જોઈને મન અને મસ્તિષ્કમાં જે ખળભળ થઈ એ વહેંચી. બીજું કશું નહીં.
ગઈકાલે 'વેલેન્ટાઇન ડૅ' ગયો અને આવતા મહિને 'વુમન્સ ડૅ' આવવામાં છે ત્યારે એક સ્ત્રી કેન્દ્રમાં છે એવી વાર્તાને પડદા પર જીવંત કરનાર એક સ્ત્રી દિગ્દર્શકની ફિલ્મ જેમાં રાખી નામની સ્ત્રીએ અદ્દભુત અભિનય કર્યો છે એ સમય મળે ત્યારે એક સ્ત્રીના દ્રષ્ટિકોણથી જોજો. તમને ગમશે.
મિયાઉં:
સ્ત્રીએ પોતાના જીવનની નાયિકા બનવું જોઈએ, શિકાર નહીં.
~ નોરા એફ્રોં