યે ઇલુ ઇલુ ક્યા હૈ.. યે ઇલુ ઇલુ..
02/11/2021
Magazine
વેલેન્ટાઇન વીક છે. બધે જ પ્રેમની વાતો થઈ રહી છે. પણ સંબંધમાં પ્રેમ કરતાંય વધુ મહત્વની બીજી અનેક બાબતો છે અને એ હશે તો આપોઆપ પ્રેમ, સ્નેહ, હેત ઊમટશે.
મારે ત્યાં ઘરકામમાં મદદ માટે આવતાં જયાબહેને હમણાં એમની બીલ્ડિંગમાં બનેલો કિસ્સો કહ્યો. જયાબહેનની સામે જ રહેતાં એક પરિવારમાં પતિ કાયમ નાનીનાની વાતમાં પત્નીને ઉતારી પાડતો. લગનને વરસેક થયું હશે. ગામડેથી મુંબઈ આવે છએક મહિના થયા હતા. કૉમન બાલ્કનીવાળી બીલ્ડિંગમાં ઘરનાં દરવાજા આખો દિવસ ખૂલ્લા જ હોય. લગભગ દરરોજ પતિના બરાડા આજુબાજુવાળાના કાને પડતાં હોય. સાવ નાનીનાની વાતમાં સતત તુચ્છકાર વરસાવતો પતિ બધાં જોઈ સાંભળી રહ્યા છે એનીય દરકાર ન રાખતો. એક દિવસ બન્યું એવું કે એ મહિલા ઘરે એકલી હતી ને ઘરે જેઠ (પતિના મોટાભાઈ) આવ્યા. મહિલાએ એમને આવકારો આપ્યો. ચા બનાવી અને ભાઈની વાટ જોવા કહ્યું. પતિ આવ્યો. ભાઈ સાથે બેઠો. ભાઈના ગયા પછી એણે ઉપાડો લીધો. ‘તું ઘરમાં એકલી હતી તો તે અન્ય પુરુષને ઘરમાં લીધો જ કેમ?’ એ પ્રશ્નથી તે ચાલુ થયો. પત્નીએ એને સમજાવવાનો ઘણો જ પ્રયત્ન કર્યો પણ એના બરાડા ચાલુ રહ્યા. ઘરમાં શાંતિ જાળવવા કાયમ બધું ચૂપચાપ સહન કરી લેતી એ મહિલાનો તે દિવસે પિત્તો ગયો. એણે ખૂણામાં પડેલું ફૂલઝાડુ ઉપાડી લીધું.
જયાબહેને કહ્યું કે આ બનાવ પછી બીલ્ડિંગમાં સોપો પડી ગયો હતો. આ ‘ફૂલઝાડુ’ની અસર થોડાઘણા અન્ય ઘરોમાં પણ થઈ છે અને થોડાઘણો બદલાવ પણ આવ્યો છે.
કહે છે કે સંબંધમાં સંવાદ કરતાં પણ મહત્વનું પરિબળ આદર છે, વિશ્વાસ છે. કપલ વચ્ચે ખુલીને વાતચીત થતી હોય એ ખૂબ સારી વાત છે. અવારનવાર અમુક કનડતી કે અણગમતી બાબતો વિશે શાંતિથી ચર્ચા થતી હોય અને નીવેડો આવતો હોય એ કપલના જીવનમાં વધુ સુખ અને શાંતિ હોય છે. સામેવાળા પાત્રની સમસ્યાનો આદર સહિત સ્વીકાર કરવો અને એને દૂર કરવાનો પ્રયત્ન કરવો એ બન્ને પાત્રની ફરજ અને હક છે. આવા પ્રયત્નોથી વિશ્વાસ અને આત્મીયતા વધે છે. તંદુરસ્ત સંબંધ એ કહેવાય જેમાં બંન્ને પાત્રો માનસિક રીતે તંદુરસ્ત હોય. સ્વસ્થ અને ખુશ હોય. કોઈની લાગણીનું હનન ન થતું હોય. અવહેલના ન થતી હોય. આત્મસન્માન ન ઘવાતું હોય. બન્નેની પોતપોતાની જુદી ઓળખ હોય. રુચિ અને દ્રષ્ટિકોણ હોય.
બીજી અત્યંત મહત્વની બાબત એટલે જતું કરવાની ભાવના એટલે કે સેક્રીફાઇસ. દરેક સંબંધમાં બન્ને પાત્રોએ સભાનપણે કંઈક ને કંઈક જતું કરવું પડે છે. જે જરૂરી પણ છે. પણ મોટેભાગે એવું થતું નથી. બહુધા કોઈ એક પાત્રના ભાગે જ સેક્રીફાઇસ કરવાનું વધુ આવે છે અને એક જણના સેક્રીફાઇસ પર આધારિત સંબંધને તંદુરસ્ત કહી શકાતો નથી. આવો સંબંધ બંને વ્યક્તિઓ માટે નુકસાનકારક બની શકે છે.
અન્ય એક જરૂરી બાબત એટલે એકબીજાને સ્પેસ આપવી. એકબીજાને અનુકૂળ થવા અને વિકસવા પૂરતી સ્પેસ મળવી જોઈએ. એ બાબત પણ પરસ્પરની સમજણ અને વિવેક પર આધાર રાખે છે. એ બન્નેની જરુરીયાત છે. જડની જેમ બાબતો પર વળગી રહેવાને બદલે થોડુંક વ્યવહારુ અભિગમ રાખવાથી આ થઈ શકશે.
એમ તો આ પ્રેમની પરિભાષા કરવી લગભગ અશક્ય છે. ખાટલે મોટી ખોડ એ છે કે આપણે ત્યાં આ પ્રેમ, લવ, ઇશ્ક, પ્યાર મુહોબ્બતની જે વિભાવના તૈયાર થાય છે એ બોલીવુડ આધારિત હોય છે. કેટલાકની ‘પ્યાર કિયા નહીં જાતા, હો જાતા હૈ.. ને ‘પ્યાર કરનેવાલે કભી ડરતે નહીં’જેવી હોય તો કેટલાકની‘જબ પ્યાર કિયા તો ડરના ક્યા’જેવી ખુંખાર વિલનથી પણ ન ડરે એવા પ્રેમની હોય. ક્યાંક વળી યશ ચોપડાની ફિલ્મોમાં હોય એવો લાલ ગુલાબની પાંખડીઓ જેવો નાજુક અને શંકર જયકિશનના સંગીત જેવો મધુર પ્રેમ હોય. આજકાલના જુવાનીયાને તો વળી ઇશ્કવાલા લવ પણ થાય છે.
પ્રેમ વધતે ઓછે અંશે બધાયની અંદર રહેલો હોય છે. એ વરસાદ નથી છતાંય વરસે છે. એ સુગંધ છે, અને સુગંધને કોઈ સીમાડા નથી હોતા. એને સમજવો સહેલો નથી, પરંતુ એ ન સમજાય એવો અઘરો પણ નથી. 'પ્રેમ' વિષય રાખીને પીએચડી થવાય પણ ડોક્ટરેટ કર્યા પછી પ્રેમ સમજાઈ જશે એની કોઈ ગેરંટી નથી! પ્રેમ સૌની અંગત બાબત છે. એને કોઈના પર થોપી શકાતો નથી. ઢોલનગારા પીટી શકાતા નથી. પ્રેમ જો સત્ય છે તો એ પોતાને સાબિત કરશે જ. વિશ્વાસ હોય, આદર હોય કે પછી પ્રેમ આપો તો જ મળે. કદાચ સામે ઘણો વધારે મળે.
આપણે જેમને પ્રેમ કરીએ છીએ એ એટલે નહીં કે એ વ્યક્તિથી વધુ સારું બીજું કોઈ નથી કે નહોતું. પ્રેમમાં આરોહણ નથી હોતું કે સૌથી ઉંચી સીડી પર જે મળશે એને જ આપણે પ્રેમ કરીશું કે એને જ સૌથી વધુ પ્રેમ કરીશું! એ પણ માણસ જ હોય. પોતાની મર્યાદાઓ સહિત. જે ક્ષણે એકબીજાની આ મર્યાદાઓનું ભાન થાય એ ક્ષણે સંબંધ મંગળમાં પ્રવેશે છે. મંગળમાંથી ઉદ્દભવે પ્રીતિ. પ્રીતિ એટલે પ્રેમની આછી ઝરમર. એ સ્થિરતા પામે એટલે બને પ્રેમ. પ્રેમ એ સ્થાયી ભાવ છે. એ પ્રગટ્યો, સ્થિર થયો એટલે રહે જ. આજીવન. કોઈક ને કોઈક સ્વરૂપે. એને વેલેન્ટાઇન જેવા 'ડે'ની જરુર પડતી નથી!
બહુ સમય પહેલાં વાંચેલી એક બોધકથા યાદ આવે છે.
એકવાર એક યુગલ પર ઈશ્વર પ્રસન્ન થયા. તેઓ એક્બીજાને ખૂબ પ્રેમ કરતાં. ઈશ્વરે યુગલને એક વરદાન માંગવા કહ્યું. યુગલે 'ગુસ્સો' અને 'રીસ' જેવા ભાવ લઈ લેવાનું કહ્યું. ઈશ્વરે કહ્યું, મને તો એમ કે તમે ભવોભવ સાથે રહેવાના આશીર્વાદ માંગશો." યુગલ બોલ્યું,"ગુસ્સો અને રીસ કંટ્રોલ થઈ જાય તો બાકીનું બધું થઈ રહે."
એન્ડ ધે લિવ્ડ હેપ્પિલી.. એવર આફ્ટર.
મિયાઉં:
જો તમે એક પક્ષી છો, તો હું પણ એક પક્ષી છું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp