હમણાં આયેશા નામની એક દીકરીએ સાબરમતી નદીમાં છલાંગ લગાવીને જીવન ટુંકાવી દીધું. એ પગલું ભરતાં પહેલાં એણે પુરી સ્વસ્થતા અને સભાનતા સાથે વિડીયો ઉતાર્યો અને પતિને મોકલ્યો. એના પતિએ કહ્યું હતું 'મરી જા, પણ જતાં પહેલા વિડીયો ઉતારીને મોકલ' એટલે. આયેશા પતિથી અલગ પોતાના માતાપિતા સાથે રહેતી હતી. એને માતાપિતાનો સાથ હતો, સધિયારો હતો. સાસરેથી પાછા આવ્યા બાદના કપરાં સમયમાં એ સાવ એકલી નહોતી. છતાં આ અત્યંત દુઃખદ બીના બની.
સમાજમાં આજની તારીખે પણ આવા બનાવ બનતાં રહે છે તે ખરેખર શરમજનક છે. આના જેવી અન્ય કેટલીય ઘટનાઓમાં દીકરીઓ સાવ એકલી થઈ જતી હોય છે. એને માવતરનો સાથ મળતો નથી. આવી ઘટનાઓમાં પતિ કરતા વધુ ગુનેગાર માતાપિતા હોય છે.. પહેલી જવાબદારી એમની છે. કેમ માતાપિતા દીકરીને એ વિશ્વાસ નથી આપી શકતા કે જો કંઈ પણ ગડબડ થઈ, મુશ્કેલી આવી તો એ કોઈ પણ સમયે પોતાના ઘરે પાછી આવી શકે છે. કેમ એ વિશ્વાસ નથી અપાવી શકતાં કે અમે માત્ર એક ફોનકોલ જેટલા જ દૂર છીએ. તું કોઈ પણ નાની મોટી બાબત અમારી સાથે શેર કરી શકે છે.
આપણે ત્યાં દીકરીઓને નાનપણથી જ મર્યાદાના પાઠ શીખવવામાં આવે છે. ડગલે ને પગલે એને 'આવનારી' જવાબદારીઓનું ભાન કરાવતા રહેવાય છે. આ સામાજિક મર્યાદાઓ, જવાબદારી અને પિયર ને સાસરું એમ બે કુટુંબના માન સમ્માનને સાચવવાનું ભારણ પણ માત્ર દીકરી એટલે કે સ્ત્રીના ખભા પર જ હોય છે. બન્ને કુળ એણે જ તારવાના હોય છે. આ શીખ ગળથુથીમાંથી અપાય છે. એની સામે અગણિત ઉત્કૃષ્ટ ઉદાહરણોના ખડકલા કરી દેવામાં આવે છે. મા.. નાની.. દાદી.. ફોઈ, માસી, કાકી.. એની પોતાની મોટીબેન.. ઓછું હોય એમ સીતા અને સાવિત્રી પણ ખરાં જ! દીકરી યુવાન થાય ત્યાં સુધી એ આ બધું એટલી બધી વખત ઘૂંટે છે કે પછી યુવાન થતાં સુધીમાં આ બધી બાબતો એના મગજમાં સજ્જડપણે બેસી ગઈ હોય છે. કોઈ કારણસર સાસરેથી માવતરના ઘરે પાછી આવેલી દીકરી માટે ત્યારબાદની પરિસ્થિતિ કેટલી વિકટ પડતી હશે વિચારો.
પાંચેક વર્ષ પહેલા ફેસબુક પર એક વિડીયો જોયો હતો. વિડીયોમાં દાદા ચા પી રહ્યા છે, ખોળામાં પૌત્ર બેઠો છે. પૌત્ર લગભગ પાંચ છ મહિનાનો હશે. એ કપને પકડવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આપણા હાથમાં ચાનો કપ હોય કે રમકડું બાળક એને પકડવાનો પ્રયત્ન કરવાનું જ! કોઈક એ ક્ષણનો વિડીયો ઉતારી રહ્યું છે. ત્યાં દાદીનો અવાજ આવે છે,'મારો દીકુ ચા પીશે? ચા મીઠી હોયને? તને ક્યાંથી ખબર પડી? નાનીના ઘરે તો અમનેય ચાનો કપ નથી મળતો.' આ વહુએ સાંભળ્યું હશે તો એના મન પર શું વીતી હશે! દાદીએ આવો ડાયલોગ મારવાની જરૂર હતી ખરી? આવું તો કેટલુંય લગભગ દરેક ઘરમાં બનતું. હજુય બનતું હશે. દીકરીઓને આવા 'ડાયલોગ્સ' ચુપચાપ સાંભળવાની અને હસી નાખવાની (મન પર નહિ લેવાની) આદત પડી જતી. પાડવી પડતી. પણ કદીક શાંતિથી વિચારજો, અનુમાન કરજો એમના પર શું વીતતી હશે. આ તો સાવ સામાન્ય વાત છે. કેટલીય સ્ત્રીઓએ એક્સ્ટ્રીમ લેવલનું સહ્યું હશે. સહ્યું છે. કેટલીય દીકરીઓએ જીવન ત્યજી દીધું હશે. ત્યજી દીધું છે! મોટાભાગના આ પ્રકારના આત્મહત્યાઓના કિસ્સામાં દીકરી સાવ એકલી પડી જતી હોય છે. માતાપિતાના ઘરના દરવાજા પણ ઓલમોસ્ટ બંધ જેવા હોય ત્યારે જ હારીને આવું આત્યંતિક પગલું ભરતી હોય છે. દીકરી પરણાવી દીધી એટલે માંડ ભારથી છૂટ્યા હવે એ જાણે ને એનું નસીબ જેવી માનસિકતાથી હજુ મોટાભાગનો સમાજ પીડાય છે. ક્યાંક દીકરી પાછી આવી જ ગઈ હોય તો એને સમજાવી, પટાવીને ફરી મોકલાવી દેવાય છે. સમાધાનના નામે ફરી એ જ નરકમાં જબરદસ્તી મોકલી દેવાય છે. ઘણા કિસ્સાઓમાં જો પિયર રહેતી પણ હોય તો સતત મહેણા ટોણાંનો ભોગ બનતી હોય એવું પણ હોય.
એક વાત યાદ આવી.
એક ઓળખીતા બહેનની દીકરી વિદેશ પરણાવી. જયારે તે અહીંથી જઈ રહી હતી ત્યારે અન્ય વસ્તુઓ સાથે એના પપ્પાએ 50,000 રુપિયા રોકડા આપ્યા અને એ પોતાની પાસે રાખી મુકવા કહ્યું. એ ન તો વાપરવા કે ન તો પતિને આપવા એવું સૂચન પણ કર્યું. જો ક્યારેય કદાચ કોઈ પણ પ્રોબ્લમ આવે ને ત્યાં ન રહેવું હોય તો એ જ ઘડીએ ફ્લાઈટ લઈને ઘરે પાછા આવતા રહેવું એ વાત ભારપૂર્વક કહી. એવું કશું જો કદાચ થાય તો કોઈની પાસે પૈસા કે અન્ય કોઈ મદદ માંગવાની પણ રોકાવું ન પડે, એટલી પણ લાચારી ન રહે એ વિચારીને પૈસા આપેલા. આવા માતાપિતાને ખરેખર દિલથી વંદન કરવા જોઈએ જે દીકરીઓને આવો વિશ્વાસ આપે છે કે અમે છીએ. કાયમ. ચિંતા ન કરતી. બસ આજ વાત કહેવાની છે. મૂળે આ વિશ્વાસની જ ખોટ છે. માતાપિતા દીકરીઓને આ વિશ્વાસ આપી શકે. જીવનમાં કોઈ એક માણસ ખોટો આવી ગયો હોય તો એ માણસને ત્યજી દેવાનો હોય. જીવનને નહીં એ આત્મવિશ્વાસ આપી શકે. બીજા કશાની જરૂર નથી.
એક જમાનામાં અમુક ચોક્કસ પ્રદેશમાં દીકરીઓને દૂધ પીતી કરી દેવાતી. જેને દૂધ પીતી ન કરવામાં આવે એ મોટી થાય અને એને પરણાવે ત્યારે ખફણ પણ સાથે આપી દેવામાં આવતું. કારણ દીકરી જયારે પણ પિયર આવે અને ફરી સાસરે પાછી જાય ત્યારે ફરી એટલી બધી પહેરામણી આપવી પડતી કે બાપ પાયમાલ થઈ જતો. લગનમાં જ ભલભલો બાપ ખુવાર થઈ ગયો હોય એટલું આપવું પડતું. એટલે એકવાર દીકરી સાસરે જતી પછી પાછી ન આવતી. આજે ત્યાં સમય બૂમરેંગની જેમ ફર્યો છે! છોકરાઓ અને છોકરીઓની સંખ્યામાં તફાવત ઘણો વધી ગયો છે. છોકરાઓ કુંવારા રહી જાય છે, છોકરી નથી મળતી. અત્યંત અઘરું થઈ ગયું છે બધું. એ સમાજ આજે પોતાના કર્યા ભોગવે છે.
આયેશાના દુઃખદ કિસ્સામાં એના પતિ અને સાસરિયાવાળાનો જે રૉલ કે વાંક હતો એ તો વાઇરલ થયેલા એના વિડિયો દ્વારા સામે આવી જ ગયો છે. હજુ કશું હશે તો એ પણ આવશે. ગુનેગાર હશે એને સજા પણ થશે. પરંતુ આપણે એની વાત નથી કરવી. આપણે દીકરીના માતાપિતા તરીકે આપણી જવાબદારીની, ફરજની, ઉછેરની વાત કરવી છે. ‘જીવનમાં કોઈ એક માણસ ખોટો આવી ગયો હોય તો એ માણસને ત્યજી દેવાનો હોય. જીવનને નહીં!’ આ સમજ દરેક માતાપિતા પોતાની દીકરીને આપે. દરેક સંભવિત વિપરીત સ્થિતિમાં અમે તમારી સાથે છીએ એવો વિશ્વાસ આપે. દીકરી પર વિશ્વાસ મૂકે. હજુ ઘણું બધું અઘરું છે. ઘણું બદલવાનું બાકી છે. પોતાના ઘરથી શરૂઆત કરીએ. ફરી કોઈ દીકરી હતાશ થઈને આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ન ભરે એવું વાતાવરણ આપીએ. એવો સમાજ આપીએ. ક્યાંક આપણને પણ પોતાના જ કર્યા ન ભોગવવા પડે એ માટે પણ બદલાવ લાવવો રહ્યો!
મિયાઉં:
તમને ચીસો પાડવાની છૂટ છે, પાડજો. તમને હૈયાફાટ રુદન કરવાની મંજૂરી છે, કરજો. પણ મહેરબાની કરીને હાર ન માની લેતા, લડજો.