..અને વીણાની એક સામટી કેટલીય હાર્ટબીટ મીસ થઈ ગઈ!

..અને વીણાની એક સામટી કેટલીય હાર્ટબીટ મીસ થઈ ગઈ!

01/28/2021 Magazine

રાજુલ ભાનુશાલી
સખળ ડખળ
રાજુલ ભાનુશાલી

..અને વીણાની એક સામટી કેટલીય હાર્ટબીટ મીસ થઈ ગઈ!

કેટલીક વસ્તુઓ એવી છે કે જેના વગર આપણને નહીં જ ચાલે, એ જો નહીં હોય તો આપણું ગાડું સાવ અટકી જ  જવાનું એવું વીણાને લાગતું. ઇન્ટરનેટ અને સ્માર્ટફોન આ બે વસ્તુઓ એમાંની જ. ફોન એટલે તો એના માટે આખી દુનિયા.  બધાં જ સુખદુઃખ, એકલતા અને સખત કામના ભારણ વચ્ચે ફોન એના માટે રિયલ અને વર્ચ્યુઅલ દુનિયા સાથે જોડાઈ રહેવાનો એકમાત્ર માધ્યમ. જ્યારે કોઈની સાથે વાત કરવાનું મન થાય ત્યારે વૉટ્સએપ કરી દેવાય. કશીક વાનગી બનાવી હોય તો ફેસબુક પર ફોટા શેર કરી દેવાય. એ રોજની  સેલ્ફીઓ, અગણિત લાઇક્સ અને કમેન્ટ્સ, ફેસબુક પર થતી વાહવાહીનો એને  નશો ચઢતો. એ ક્યારેક ઉગતા સૂર્યના તો ક્યારે ઢળતા સૂર્યના ફોટા પાડતી, ક્યારેક કુંડામાં મ્હોરેલા રાતાં ગુલાબના તો ક્યારેક કમ્પાઉન્ડમાં  લહેરાતી મધુમાલતીના. ફોટા જે પણ હોય વીણા માટે બસ્સો પાંચસો લાઇક્સ તો લઈ જ આવતા.  છેલ્લા લગભગ પાંચેક વર્ષથી આ વાહવાહીની જે આદત પડેલી, પૂછો નહીં. ઘરનું કામકાજ કરતાં, રસોઈ કરતાં, જમતાં.. અરે વૉશરૂમમાં પણ મોબાઇલ સાથે ને સાથે જ હોય. આંખ ખૂલે મોબાઇલ પર  મીંચાય મોબાઇલ પર! લેટેસ્ટ ફોન રાખવાનો એને શોખ હતો. 

આવી જ એક સવારે વીણા એક હાથમાં પોતાનો સેમસંગ  ગેલેક્સી S10 અને એક હાથમાં ચાનો કપ લઈને બાલ્કનીની પાળી પાસે ઉભી હતી. એણે ચાનો કપ પાળી પર ગુલાબના કુંડાની બાજુમાં  મૂક્યો. મોબાઇલમાં કેમેરો ઓન કર્યો અને થોડુંક બહારની બાજુ હાથ કાઢી પાળી પર મૂકેલા ચાના કપ સાથે ગુલાબનું તાજું ફૂલ પણ ફ્રેમમાં આવે એ રીતે ફોટો લેવાનો પ્રયત્ન કર્યો. અને... ગજબ થઈ ગયો! મોબાઇલ હાથમાંથી છટકીને બીજા માળેથી છેક તળિયે જઈ પડ્યો. વીણાની એક સામટી કેટલીય હાર્ટબીટ મીસ થઈ ગઈ.


 

કટ...

 

બેક ટુ પ્રેઝન્ટ…

 

આ  બે દિવસ પહેલાંની વાત હતી. વીણાના મોબાઇલનું ડીસ્પ્લે તૂટી ગયું છે  અને તે રીપેરિંગમાં ગયું છે. વચ્ચે લાંબો વીકએન્ડ આવવાને લીધે જ્યાં આપ્યો છે એ શોપમાં માણસ આવ્યો નથી એટલે હજુ કદાચ બે દિવસ લાગી જાય એમ છે. હાલ વીણાના હાથમાં એક બેઝિક ફોન છે. જેમાં ન તો ફેસબુક ઓપન થઈ શકે એમ છે કે ન તો વૉટ્સેપ ડાઉનલોડ થઈ શકે એમ છે. સીમકાર્ડમાં સેવ્ડ હતાં માત્ર એટલા કોન્ટેક્ટ અત્યારે એની પાસે છે. સેમસંગ  ગેલેક્સી S10 ફોન વીણાની લાઇફલાઇન હતો.  એના વગર વીણા અધૂરી છે. અત્યારે એને લાગે છે કે પોતે અનાથ થઈ ગઈ છે. બઘવાઈ ગયેલી વીણા રઘવાઈ થઈને અહીંયા ત્યાં ફરી રહી છે!


વેઇટ...

ક્યાંક આ 'વીણા' તમારું નામ તો નથીને?  તમારા ફોનનું ડીસ્પ્લે તો ઠીક છેને?? 

 

ઓકે. જો તમારો સ્માર્ટ ફોન તમારાથી અળગો થઈ જાય તો તમારી શી હાલત થાય? વીણા જેવી?

 

આપણી પાસે શું હોવું જોઈએ, કયા સંબંધને કેટલી સ્પેસ આપવી જોઈએ, કયા સંબંધ પર કેટલો વિશ્વાસ મુકવો જોઈએ એ આત્મજ્ઞાન હોય તો સમજજો તમે મોક્ષના માર્ગે છો. પણ લગભગ એવું હોતું નથી. આપણે કેટલી બધી ખોટી માન્યતાઓ અને ગેરસમજો સાથે જીવતા હોઈએ છીએ. સૌથી મોટી ગેરસમજ તો આ ક્ષણભંગુર દુનિયામાં આપણું પોતાનું સ્થાન ક્યાં છે કે શું છે વિશેની છે. સોશિયલ મિડીયા પર ઢગલાબંધ કમેન્ટ્સ અને લાઇક્સ મેળવીને પોતાને સેલીબ્રીટી સમજતાં વીણા જેવા લોકોને એ નથી સમજાતું હોતું કે  આ દાનવ તમારો મોટાભાગનો સમય ચોરીને લઈ જતો હોય છે. વર્ચ્યુઅલ સંબંધોના અતિરેકમાં સાચુકલાં સંબંધોથી દૂર થઈ જવાયું છે. આજની તારીખે સીન એવો છે કે  સોસાયટી માટે આ વસ્તુ વરદાનને  બદલે અભિશાપ બનતી જાય છે. સ્થિતિ એવી છે કે વાસ્તવિક લોકો સાથે વાતચીત કરવામાં ઓછો અને સોશિયલ મીડિયા પર અથવા ઓનલાઇન રમતો રમવામાં લોકોનો વધુ સમય પસાર થઈ રહ્યો. શબ્દોને બદલે ઇમોજીસનો વધુ પડતો ઉપયોગ થઈ રહ્યો છે. આ બધું  જીવનમાં નકારાત્મક પરિણામો લાવે છે. એ વસ્તુ લાંબા ગાળે સમજાય છે. ક્યારેક આ સ્માર્ટફોનનું વ્યસન ફોબિયાની હદ સુધી વિસ્તરે છે જેને વિજ્ઞાનની ભાષામાં 'નોમોફોબીયા' એટલે કે ‘મોબાઈલ ફોન વિના રહેવાનો’ ડર તરીકે ઓળખવામાં આવે છે. આ ઇન્ટરનેટના વધુ પડતા ઉપયોગથી ઉત્પન્ન થતી સમસ્યા છે. કોઈ પણ માહિતી જોઈતી હોય તો તરત જ ગુગલમહારાજના શરણે જવાની આદતને કારણે વાંચન કે સંશોધન જેવી મહેનત કોઈ કરતું નથી. ઇન્ફર્મેશનના ઓવરલૉડને કારણે ઉત્પાદકતા દિવસે દિવસે ઓછી થતી જાય છે. સ્માર્ટફોનનો ઉપયોગ ઘણીવાર તણાવ, અસ્વસ્થતા, હતાશા અથવા એકલતા જેવી અન્ય સમસ્યાઓ ઓછી કરવા માટે કરતાં લોકોને એ ખબર નથી હોતી કે તેઓ સમસ્યાના  ઉપાય માટે જે માર્ગ પસંદ કરી રહ્યા છે, ખરેખર તો તે માર્ગ એમની સમસ્યાઓને વધુ નરસી બનાવે છે. એની આડઅસરસ્વરૂપે એન્ઝાઇટી, સ્ટ્રેસમાં વધારો, ઊંઘ અત્યંત ઓછી થઈ જવી, એક જગ્યાએ વધુ સમય ધ્યાન કેન્દ્રિત ન કરી શકવું જેવી મુશ્કેલીઓ આવી શકે છે. તે ઉપરાંત પોતાના જીવનની (અંગત સહિત) બધી જ માહિતી, બાબતો, સમસ્યાઓ (સોશિયલ મિડીયા પર) જાહેરમાં મૂકી દેવાથી થતાં બીજા નુકસાન તો વળી નોખા છે. એ વિશે પણ અલગથી આખો લેખ થઈ શકે એમ છે. 


તમારા સ્માર્ટફોન અને ઇન્ટરનેટના ઉપયોગને નિયંત્રણમાં રાખવું જરાય અઘરું નથી. આ સમસ્યાથી સરળતાથી ડીલ કરી શકાય છે. એ માટેના ઉપાય તમે જાતે કરી શકો છો. લક્ષ્ય સેટ કરો. ઉદાહરણ તરીકે દિવસના અમુક સમય માટે ઉપયોગનો સમય સુનિશ્ચિત કરો.  અમુક કાર્ય કરતી વખતે ફોન બંધ કરી દો. જેમ કે ડ્રાઇવિંગ કરતા હોવ ત્યારે, મીટિંગમાં, જીમમાં,જમતી વખતે અથવા બાળકો સાથે રમતા હોવ ત્યારે. ફોનને બાથરૂમમાં ક્યારેય સાથે ન લઈ જવો. સુવાના સમયના બે કલાક પહેલા બની શકે તો ઇન્ટરનેટ બંધ કરી દો. મોબાઇલ માથા પાસે રાખીને પણ ક્યરેય ન સુવું. તમારી ઊંઘ એના કારણે ડિસ્ટર્બ થઈ શકે છે. તે ઉપરાંત ઇબુક્સની જગ્યાએ પુસ્તકો વાંચવા. બની શકે તો માત્ર કમ્પ્યુટરથી ફેસબુક, ટ્વિટર જેવા એપ વાપરવા. સોશિયલ મીડિયા પર આપણે લોકો વિશે જે કંઈ જોઈએ છીએ તે ભાગ્યે જ સાચું હોય છે.

અહીંયા લોકો તેમના જીવનના સકારાત્મક પાસાઓની અતિશયોક્તિ કરે છે. ઘરમાં એકબીજા સાથે કુતરાવિલાડાની જેમ લડતું કપલ સોશિયલ મિડીયા પર ‘ધ મોસ્ટ લવિંગ પર્સન ઇન માય લાઇફ' જેવું સુષ્ઠુસુષ્ઠુ લખતાં હોય છે. જરૂર પડે પ્રોફેશનલની મદદ પણ લઈ શકાય. નિષ્ણાત ઉપચાર કેન્દ્રો ડિજિટલ મીડિયાથી ડિસ્કનેક્ટ કરવામાં સહાય માટે ‘ડિજિટલ ડિટોક્સ પ્રોગ્રામ્સ’ પ્રદાન કરે છે.  બાળકો આપણને જોઈ જોઈને શીખતા હોય છે. એમની સામે સારું એક્ઝામ્પલ સેટ કરવા પણ ધ્યાન રાખવું જરૂરી છે. જોકે, વીણાને હવે સમજાઈ ગયું છે. તમે તમારું જોઈ લેજો. 

 

તા.ક.'વીણા' નામ વાંચીને પુરુષોએ હરખાઈ જવા પહેલાં એકવાર અરીસામાં મોઢું જોઈ લેવું.

 

મિયાઉં:#Offline


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top