કોઈક અજાણ્યા પ્રદેશમાં ભટકતાં ભટકતાં વચ્ચે ચાર રસ્તા આવે ત્યારે તમે શું કરો? એ ચાર રસ્તા પર લાગેલા બોર્ડમાં કયો રસ્તો ક્યાં જાય છે એનું વ્યવસ્થિત રીતે દિશાસૂચન કરેલું છે. કેટલા કિલોમીટર થાય, ત્યાં પહોંચતા કેટલા કલાક થશે, એ બધું વાંચી, તપાસી તમે ફરી માર્ગસ્થ થશો. જો એ બોર્ડની ભાષા અજાણી હશે તો કોઈ રાહદારીને રોકીને એની પાસેથી રસ્તો સમજી લેશો. બરાબર? આજકાલ ગુગલ મેપ પણ ઉપલબ્ધ છે. જો મોબાઇલમાં રેન્જ હોય તો એનો ઉપયોગ કરી શકાય અને જો ન હોય તો ફરી કોઈક રાહદારીને રોકીને એને પૂછવાનું ઓપ્શન તો ખુલ્લું છે જ. પણ જ્યારે તમે ગૂગલનો ઊપયોગ કરતા હોવ ને એ જ્યારે તમને ઘણા બધા વિકલ્પો એક સાથે આપે ત્યારે સોલ્યુશન મળવાને બદલે સામે વધુ કોયડા ઉત્ત્પન થાય છે. તમે માંડ એમાંથી એકાદ ઉચિત રસ્તો અપનાવો અને આગળ વધો ને ફરી પાંચેક મિનિટ રહીને ગુગલ તમને વધુ એક વિકલ્પ આપીને કહે કે એ વિકલ્પ તમારી દસેક મિનિટ બચાવી શકશે, તમારે એ રસ્તો લેવો છે કે નહીં એ પૂછશે. ત્યારે આવે વખતે તમારે ત્વરિત નિર્ણય લેવાનો હોય છે.
જીવનમાર્ગે ચાલતી વખતે પણ આવું જ થતું હોય છે નહીં? દરેક પડાવે સામા ચાર રસ્તા ક્ષણભર ભેગા થાય, તમે દિશા સૂચન મળે તે માટે બોર્ડ શોધવા ફાંફા મારો. વિવિધ પડાવે તમારી પાસે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થતાં હોય છે અને તમારે તેમાંથી એક પસંદ કરવાનો હોય છે. કઈ શાળા, કયો અભ્યાસક્રમ, કઈ કારકિર્દી, કેવો જીવનસાથી? સાચાખોટાં નિર્ણયો લેવાતા રહે છે અને રસ્તો કપાતો રહે છે. સાચું પૂછો તો આપણી પાસે ગુગલ મેપ્સ જેવો વિકલ્પ ક્યારેય હોતો નથી. ને સમજો જો કોઈ તમારી પસે હોય પણ, પરંતું ઘણી વખત તેઓ નોન રેન્જ મોબાઇલની જેમ અનરીચેબલ હોય ત્યારે એવા સમયમાં નિર્ણય તમારે જાતે જ લેવો પડે છે.
ક્યારેય જંગલોમાંથી પસાર થવાનો અનુભવ લીધો છે? ધારોકે તમે અટવાઈ ગયા છો. ત્યાં ને ત્યાં જ ગોળ ગોળ ફરે રાખો છો. બહાર નીકળવાનો માર્ગ જડતો નથી. શું કરવું ને શું ન કરવું એ સમજાઈ નથી રહ્યું. ત્યારે તમે શું કરો? શું કરવું જોઈએ? કોઈક ઊંચી ટેકરી કે ડુંગર પર ચડીને ચારેકોર નજર ફેરવીને કોઈ જાણીતી દિશા દેખાય છે કે નહીં એ તપાસીએ. જાણીતી દિશા ન દેખાય તો એટલિસ્ટ નજીકમાં ક્યાંક કોઈ વસતીનો અણસાર દેખાય છે કે નહીં એ ચકાસીએ. જીવનમાં પણ માર્ગ ચૂકાઈ જવા જેવું થાય ત્યારે આવું જ કશુંક કરવું પડે છે. મનની શક્તિને કામે લગાડી એ ઊંચાઈએ પહોંચવાનું છે કે જ્યાંથી બધું સ્પષ્ટ દેખાય.
એક કિસ્સો યાદ આવે છે. અમે એક જાણીતી જગ્યાએ વારંવાર બાય રોડ ફરવા જઇએ. એ જગ્યાએ પહોંચવાના બે રસ્તા હતાં. એક રસ્તો ખૂબ જ રમણીય પણ થોડુંક ફરીને જવું પડે. બીજો ટુંકો. એ રસ્તે જઈએ તો લગભગ વીસથી પચ્ચીસ મિનિટ જેટલો સમય બચે. અમે કાયમ પેલો લાંબો રસ્તો જ પસંદ કરીએ. ત્યાંથી નીકળનારા લોકો અત્યંત ઓછા હોવાને કારણે ક્યારેય ટ્રાફિક ન નડે. પ્રદુષણ પણ જરાય નહીં. રસ્તાની બન્ને તરફ આંખોને ઠંડક આપે એવા ઘટાદાર વૃક્ષો અને તાજી સ્વચ્છ હવા. એ દિશામાં જતાં પંચાણું ટકા પ્રવાસીઓ પેલો ટુંકો રસ્તો પસંદ કરતાં. કેટલાક સમય બચાવવા માટે એ રસ્તો લેતાં. કેટલાક આજુબાજુ જંગલ અને પ્રમાણમાં ઓછી આવનજાવનવાળો રસ્તો લેવો એટલે નક્કામી સંભવિત આફત વહોરવી, એવું વિચારીને ટુંકો રસ્તો અપનાવતાં. કેટલાક બહુમતિને અનુસરનારા હોય. બહુમતિ એ રસ્તે જાય છે તો આપણે પણ એ જ રસ્તે જવું એવું. લોકો જીવન પણ આ જ રીતે જીવતાં હોય છે. કોઈ શોર્ટકટવાળા રસ્તા લેવાનું પસંદ કરે તો કોઈ અન્યોને અનુસરવાનો પ્રમાણમાં સરળ રસ્તો. કેટલાં લોકો મનોગમ્ય રીતે જીવતાં હશે? આવા કહેવાતા સલામત અને આરામદાયક જીવનના નામે ભીડના ભાગ બનીને નક્કી કરેલાં ચોકઠાંઓમાં જીવાયેલું આયુષ્ય જ્યારે પૂરૂં થવાના આરે હોય ત્યારે સમજાય કે ખરેખરું જીવવાનું તો ચુકાઈ ગયું છે. ત્યારે પછી રિક્ત હથેળીઓમાં અફસોસ સિવાય કશું જ બાકી રહેતું નથી. કેટલીય વાર ઘણી કીંમતી તકો સામેથી આવીને જતી રહે છે કારણકે આપણામાં થોડુંક જોખમ ઉઠાવીને નિર્ણય લેવાની ક્ષમતાનો તદ્દન અભાવ હોય છે.
બધી દિશાઓને પેટમાં પધરાવીને લસ્ત પડેલું આકાશ કોઈ એકાદા પક્ષીની પાંખોના ફફડાટથી રણઝણી ઊઠે છે. મને આકાશમાં ઉડતાં પક્ષીને તાક્યા કરવાનું ખૂબ ગમે છે. પક્ષીઓ ઉડતાંઉડતાં આ રીતે લાંબા કે ટુંકા રસ્તા વિશે વિચારતાં હશે? એમને પોતાના નિયત સ્થળે સમયસર પહોંચવાની તાલાવેલી થતી હશે? એમને તો ન કોઈ બંધનની ચિંતા હોય કે ન તો કોઈની તમા હોય. અપ્રતિમ અને અસીમ આકાશમાં લાંબાલાંબા ચકરાવા લઈને વિહરતાં મુક્ત પક્ષીની જેમ શું આપણે જીવી શકીએ? કે શું આપણે ન જીવી શકીએ?
એટલિસ્ટ પ્રયત્ન તો કરવો જ જોઈએ.
આ અસીમ આકાશમાં જ્યારે નવીનવી ક્ષિતિજો ખુલ્લા હ્રદયે તમારી રાહ જોતી હોય ત્યારે થોડુંક જોખમ ઉઠાવીને, પાંખોમાં થોડીક વધુ હવા ભરીને પહોંચાય ત્યાં સુધી ફરી વળવું જોઈએ. દરેકના મેઇનડોર પર નૉક કરી જોવું જોઈએ. શું ખબર કોઈક ખૂલી પણ જાય. ને જો એવું થાય તો પછી પાછા વળીને જોવાપણું નહીં રહે.
આપણા પ્લસ પોઇન્ટ્સ અને માઇનસ પોઇંટ્સ, આપણા માટે મહત્વનું શું? ને બિનમહત્વનું શું? આપણો ગૉલ શું છે? એ બધાએના માટે કોઈનાય પર ડીપેન્ડન્ટ રહી શકાય નહીં. પ્રશ્નો જાતે જ ઉકેલવાના છે. ઉકેલવા પડે.
નવી નવી ક્ષિતિજો આંબવાની, ફેઇલ થાઓ તો એ પચાવવાની, સક્સેસ થાઓ તો એ પચાવવાની ક્ષમતા કેળવો. વિકસાવો. નવા સાહસો માટે સજ્જ રહો. શ્રેઠ બનો. ત્યારબાદ જો કોઈ તમારા પર આધારિત હોય, તો એના માટે રેન્જમાં રહેજો. રીચેબલ રહેજો.
મિયાઉં :
ઉસ પંછી કા ભી બડા નામ હોગા
જો આસમાન છૂને મેં નાકામ હોગા!
~ અજ્ઞાત