આ કદાચ વિશ્વની એકમાત્ર ઘટના હશે, જયારે પ્રજ્વલિત અગ્નિ વિમાનમાર્ગે ભારત લવાયો!

આ કદાચ વિશ્વની એકમાત્ર ઘટના હશે, જયારે પ્રજ્વલિત અગ્નિ વિમાનમાર્ગે ભારત લવાયો!

02/05/2021 Magazine

મિતેષ પાઠક
માંડીને વાત
મિતેષ પાઠક

આ કદાચ વિશ્વની એકમાત્ર ઘટના હશે, જયારે પ્રજ્વલિત અગ્નિ વિમાનમાર્ગે ભારત લવાયો!

એક બંધ રૂમમાં ચર્ચાઓ ચાલી રહી હતી કે હવે શું કરશું? આપણો ધર્મ કેમ સુરક્ષિત રહેશે? આ સામ્યવાદી ક્રાંતિના માઠા પરિણામો શાંઘાઈ ખાતે ભોગવી ચૂક્યા છીએ. સમય બહુ જ ઓછો છે. હવે ભારત તરફ મદદની પોકાર કરવી અનિવાર્ય પરિસ્થિતિ છે.

કાંઈ પણ થાય, ધર્મને ભ્રષ્ટ નહીં થવા દઈએ.

धर्मो रक्षति रक्षितः

સંરક્ષિત ધર્મ સંરક્ષા કરશે. અહીં ધર્મ એટલે? કર્તવ્ય, નિષ્ઠાપૂર્વક નિયમ પાલન, નૈતિકતા.

વાત થોડી જુની છે. ૧૮૦૦ના વરસમાં એડન એક મહત્વનું બંદર હતું. વેપાર વાણિજ્ય વડે ધમધમતું અને સમૃદ્ધ શહેર હતું. આફ્રિકા સાથે વેપાર માટે પણ એ અત્યંત મહત્વનું સ્થાન ધરાવતું હતું.

એક સમયે ત્યાં હજાર કરતાં વધારે ઝોરાસ્ટ્રીયન - પારસીઓ પણ રહેતા હતા. હા, અહીં હું પારસીઓ વિશે વાત કરવાનો છું. ખાલી ભારતની જ નહીં પણ કદાચ વિશ્વની સૌથી નાની લઘુમતી કોમ. પારસીઓ.

પારસીઓએ પોતાની આધ્યાત્મિક જરૂરિયાત માટે અગિયારીની સ્થાપના કરી હતી. જેમાં આતશ - પવિત્ર અગ્નિ પ્રજ્વલિત રહેતો. એ આતશ એ ૧૬ અલગ અલગ ભઠ્ઠીની આગનું સંયોજન હોય. જેમ કે લુહારની ભઠ્ઠીની આગ, ભઠિયારાની (બ્રેડ બનાવનાર) ભઠ્ઠીની આગ, ઢોર ચરાવતા ભરવાડોના ચૂલાની આગ એમ અલગ અલગ પંદર ભઠ્ઠીના અગ્નિ હોય. અને સોળમો અગ્નિ - કુદરતી રીતે વીજળી પડી હોય અને એના કારણે જે આગ પ્રજ્વલિત થઈ હોય તે હોય.

આ આતશને એકદમ પવિત્ર ગણવામાં આવે છે. અને એના નિયમો છે. જેમ કે આ અગ્નિ અવિરત પ્રજ્વલિત રહેવો જોઇએ. અને આ આતશની સંરક્ષા મહત્વની છે. એ હદે કે એના પર કોઈ બિનપારસીની નજર સુધ્ધાં ન પડવી જોઇએ.

૧૯૬૭ના વરસમાં એડનમાંથી બ્રિટીશ સરકાર નીકળી અને યમન પર સામ્યવાદીઓ સત્તામાં આવ્યા. અને કેવાં સામ્યવાદીઓ? એકદમ કટ્ટર સામ્યવાદીઓ. જેમના માટે ધર્મ અફીણ જેવું ઝેર ગણાતું હતું. એમની પહેલી નજર આ પારસી અગિયારી પર પડી. એમના માટે ઝોરાસ્ટ્રીયન ધર્મનું કોઈ જ મહત્વ ન હતું. એમણે એલાન કર્યું કે અગિયારીને કબજો લઈ લેવામાં આવશે. અર્થાત્ એક સદીથી સતત પ્રજ્વલિત આતશના અસ્તિત્વ પર પ્રશ્ન ઊભો થયો હતો. આવું જ ભૂતકાળમાં શાંઘાઈ ખાતે બની ગયું હતું. સામ્યવાદી સરકારે શાંઘાઈ સ્થિત અગિયારીના આતશ ને પ્રજ્વલિત ન રહેવા દીધો હતો.


એડનમાં વસતા પારસીઓ મૂંઝવણમાં મૂકાયા અને રસ્તો શોધવા લાગ્યા કે આ આતશને ક્યાં લઈ જઈ શકાય! જો જમીન રસ્તા ભારત લાવવું હોય તો આતશના અપવિત્ર થવાના પૂરેપૂરા સંજોગો હતા. કારણ યમનથી ભારતની બોર્ડર સુધી તમામ મુસ્લિમ દેશો જ હતા.

બીજી સમસ્યા એ હતી કે આતશને સમુદ્ર માર્ગે પણ ફેરવવા પર ધાર્મિક નિયમોનું બંધન હતું. અને યમનની સામ્યવાદી સરકાર કોઈ પણ પ્રકારનો સહકાર આપવા તૈયાર ન હતી.

કાવસજી દિનશા સતત સામ્યવાદી સરકાર સાથે વાટાઘાટ કરતા રહ્યા. અને છેવટે મધરાતને જ આતશને વિમાન દ્વારા લઈ જવાની પરવાનગી મેળવી. આ આનંદની પળો હતી. કાવસજી દિનશા અને એડનના પારસીઓ માનતા હતા કે આ આતશમાં ખૂબ પવિત્રતા અને શક્તિ છે. આટલાં ભીષણ યુદ્ધ દરમિયાન પણ એને આંચ ન આવી.

યમનની નાની એવી પારસી કોમ્યુનિટી માટે પરિસ્થિતિ વિષમ બનતી રહી. એવા સમયે ભારત દેશથી ત્યાં સંદેશ ગયો કે આતશનું ભારતમાં સ્વાગત છે. એ સમય વિદેશ મંત્રી યશવંતરાવ ચવાણ હતા. એમણે આ મિશનની જવાબદારી ફિલ્ડ માર્શલ માણેકશા ને સોંપી.


એર ઇન્ડિયા બોઇંગ ૭૦૭ તૈયાર કરીને યમન મોકલવાનું નક્કી કર્યું. જેમાં ઓલ પારસી ક્રુ મેમ્બર્સ - જેમ કે પારસી પાઇલોટ, ટેકનીશીયન, એટેન્ડન્ટસ અને સાથે દસ્તૂર - પારસી ધર્મ ગુરુ પણ યમનથી એ આતશ લાવવા તૈયાર થયા.

સમસ્યાઓનો અંત જ નહોતો આવતો. એર ઇન્ડિયામાં પારસી પાયલટ કેટલા? અને એ પણ પાછું બોઇંગ ૭૦૭ ઉડાવી શકે? અને બીજા પ્લેઇન ઉડાડવાનો અનુભવ હોય તો પણ ટેકનિકલી બોઇંગ ૭૦૭ ઉડાવવા માટે નિશ્ચિત કલાકનું ઉડ્ડયન અનુભવ જરૂરી હોય. આ બધી માથાકૂટ પૂરી કરીને ૧૪ નવેમ્બર, ૧૯૭૬ નો દિવસ નક્કી કરવામાં આવ્યો. કૅપ્ટન સામ પેડર - એક પારસી અને અનુભવી કૅપ્ટન એ જહાજ લઈને એડન જવા રવાના થયા.

એડન પહોંચ્યા બાદ કોઈ પણ ગ્રાઉન્ડ સ્ટાફ એ હવાઈ જહાજમાં પ્રવેશ ન કરે એની સાવધાની રખાઈ હતી. કારણ આતશને લઈ જવા માટે વિમાનનું પવિત્ર વાતાવરણ જાળવવું જરૂરી હતું.

આ ઉપરાંત એ જહાજની ફર્સ્ટ ક્લાસ કેબિનને આખી અલગ રીતે જ રી-કન્ફીગર કરવામાં આવી હતી કે એ પ્રજ્વલિત અગ્નિને તકલીફ વગર લઈ જવા સક્ષમ હોય. અને વિશ્વમાં એકમેવ ઘટના હતી કે પ્રજ્વલિત અગ્નિને વિમાન દ્વારા હેરફેર કરવામાં આવી રહી હતી.

પૂરેપૂરી એમની શાસ્ત્રોક્ત વિધિ, પરંપરા અને મંત્રોચાર સાથે એ આતશને ઓલ પારસી સંચાલિત વિમાનમાં સ્થાપિત કરવામાં આવ્યું. આતશ સતત પ્રજ્વલિત રહે એ માટે સુખડના કાષ્ઠ પણ એ પ્રેશરાઈઝ્ડ કેબીનમાં રાખવામાં આવ્યા હતા. એક નાની ભૂલ ભીષણ અકસ્માત સર્જવા પૂરતો હતો.

પણ કોઈ સમસ્યા વગર એ પ્લેઇન મુંબઈ સહી સલામત ઊતર્યું. અને ફરી એક વાર કોઈ બિન-પારસીની નજર ન પડે એ રીતે શાસ્ત્રોક્ત રીતે લોનાવાલા ખાતે આવેલ અગિયારીમાં લઈ જવામાં આવ્યો. એ સમય મુંબઈથી લોનાવાલા સુધી ગ્રીન કોરીડોર - મતલબ કોઈ અડચણ વગર ક્લીઅર રસ્તો તૈયાર કરી રાખ્યો હતો. આઠ બસ અને પારસીઓની કારના એ કાફલા આતશને એમના સ્થાન પર પ્રસ્થાપિત કરવામાં સફળ રહ્યા.


પચાસ હજાર કરતાં ઓછી વસ્તી ધરાવતી એ ઝોરાસ્ટ્રીયન ધર્મના પાલકોની ધર્મ નિષ્ઠા બેજોડ ઉદાહરણ છે. સાથે જ ભારતના લોહીમાં વણાયેલી સહિષ્ણુતાના પણ અહીં દર્શન થાય છે. જ્યારે પોતાનો ચોક્કસ એજન્ડા અને ખોટું નેરેટિવ સેટ કરવા માંગતા લોકો ભારતીય પ્રજાને ‘અસહિષ્ણુ’ હોવાનું લેબલ મારવાની નાપાક કોશિષ કરે ત્યારે ઉપરોક્ત કિસ્સો હંમેશા યાદ કરી લેવો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top