છ વર્ષનો એક બાળક બલૂન સાથે ઉડી ગયો!! પછી જે સત્ય બહાર આવ્યું એ જાણીને લોકોના ઉહાપોહ થઇ ગયો!

છ વર્ષનો એક બાળક બલૂન સાથે ઉડી ગયો!! પછી જે સત્ય બહાર આવ્યું એ જાણીને લોકોમાં ઉહાપોહ થઇ ગયો!

11/10/2020 Magazine

ભૂમિધા પારેખ
અચરજ એક્સપ્રેસ
ભૂમિધા પારેખ
લેખિકા, વાર્તાકાર

છ વર્ષનો એક બાળક બલૂન સાથે ઉડી ગયો!! પછી જે સત્ય બહાર આવ્યું એ જાણીને લોકોના ઉહાપોહ થઇ ગયો!

જરા કલ્પના કરો કે કોઈ બાળક એક મોટા ફુગ્ગામાં ફસાઈ જાય અને એ ફુગ્ગો હવામાં ઉડી જાય તો શું થાય? તમે વિચારવાનું શરુ કરશો એટલે સૌથી પહેલા તો અમંગળ વિચારો જ આવશે. પણ કલ્પનાશક્તિને જરા કામે લગાડો. ફિલ્મોમાં બને છે એમ ઉપર આકાશમાં બલૂન ઉડતું હોય, અને નીચે રોડ પર એ બાળકના માતા-પિતા, મીડિયાવાળા અને પોલીસનો કાફલો પોતાના વાહનો લઈને બલૂનની પાછળ હડી કાઢતો હોય! ત્યાં વળી એકાદ જગ્યાએ બલૂન હેમખેમ લેન્ડ થાય! બલૂનનો પીછો કરનારા સહુ ત્યાં પહોંચે, પણ.... લેકિન... કિન્તુ... પરંતુ...!!

ખેર, આખી કલ્પના કોઈ ફિલ્મના રોમાંચક પ્લોટ જેવી છે! પણ અત્યારે તો કલ્પના કરવી બાજુએ રાખો, અને આવી જ એક વાસ્તવિક ઘટના વિષે જાણો, જે કલ્પનાથી ય વધુ અચરજ પમાડે એવી છે!

15 ઓક્ટોબર, 2009ની ખુશનુમા સવાર હતી. અમેરિકાના કૉલોરાડો રાજ્યના ફોર્ટ કોલીન્સ શહેરની ન્યૂઝ ચેનલ કુસા ટીવી પર એક ફોન આવ્યો. સામેથી એકદમ ગભરાયેલો હોય એવો પુરુષ સ્વર સંભળાયો. એના શબ્દો ઘણા અસ્પષ્ટ હતા.

"હેલ્પ પ્લીઝ. મારો દીકરો....પ્લીઝ મદદ કરો. મારો ફાલક્ન ઉડી ગયો!!"

ન્યૂઝ રિપોર્ટરને કશી સમજ નહીં પડી. એણે સામે છેડે વાત કરતા પુરુષને પૂછ્યું, "આપ કોણ બોલો છો? ક્યાંથી બોલો છો? પ્લીઝ જરા શાંતિથી સમજાવો કે શું થયું?"

એટલે સામેનો છેડો જરા સ્વસ્થ થયો અને ગળું ખોંખારી કહ્યું, "મારુ નામ રિચાર્ડ હીન છે. હું ફોર્ટ કોલીન્સ રહું છું. હું એક હેનડીમેન છું. મેં દરિયાઈ મોજા પર સર્ફિંગમાં મદદરૂપ થાય એવો એલ્યુમિનિયમ ફોઈલનો હિલિયમથી ભરેલો મોટો બલૂન(ફુગ્ગો) બનાવ્યો હતો, જેનો આકાર એલિયનની ઊડતી રકાબી (UFO) જેવો અને સિલ્વર કલરનો હતો. અકસ્માતે એનું કનેક્શન છૂટી ગયું અને એ ઉડી ગયો, પરંતુ થોડી ક્ષણોમાં અમને ખબર પડી કે અમારો છ વર્ષનો દીકરો ફાલકન…"


આટલું બોલતા તો રિચાર્ડ હીનનો અવાજ એકદમ ભારે થઈ ગયો. "મારો દીકરો ફાલકન આજે સવારથી એ બલૂનની અંદર રમતો હતો. એ બલૂનની અંદર ફસાઈ ગયો છે. પ્લીઝ અમારી મદદ કરો!!"

આ સમાચાર મળતા કુસા ટીવીની ટીમ તરત જ હરકતમાં આવી ગઈ. ઝડપથી તેઓ રિચાર્ડ હીનના ઘરે પહોંચ્યા. ત્યાં લોકલ પોલીસની ટીમ અને ઈમરજન્સી રેસ્ક્યુ ટીમ આવી ગઈ હતી. એ બલૂનને ટ્રેક કરવા બે હેલિકોપ્ટર UH-60 બ્લેક હૉક અને OH-58 કિયોવા પણ આવી ગયા. પછી આખો કાફલો, બલૂન જે દિશામાં ઉડયું હતું, એ તરફ ધસી ગયો. થોડા જ સમયમાં એમને હવામાં ઉડતું બલૂન દેખાયું.

એ બલૂન લગભગ 7000 ફીટની ઊંચાઈએ ઉડી રહ્યું હતું! આ જોઈ એનો પીછો કરી રહેલા બધાના હૃદયમાં એક થડકો પસાર થઈ ગયો. આટલી ઊંચાઈ પર એક છ વર્ષનું માસૂમ બાળક કોઈપણ જાતના સલામતીના સાધનો વગર એકલું હતું. એ બલૂન સતત ઉડતું જતું હતું. બંને હેલિકોપ્ટર સતત બલૂનને નુકશાન નહીં થાય એટલા સલામત અંતરે એની સાથે ઉડી રહ્યા હતા. ન્યૂઝ ચેનલનો કેમેરો સતત એ બલૂન પર તકાયેલો હતો. થોડી થોડીવારે કેમેરાનો લેન્સ રિચાર્ડ હીન અને એની પત્ની માયુમીના ચહેરા પર ફરતો, ત્યારે બંનેના ચહેરા પર છવાયેલી અજાણી આશંકા અને હદ વગરનો ભય દેખાતા હતા. માયુમી વારંવાર પોતાની આંખો ટીસ્યુ પેપરથી લૂછતી હતી. રિચાર્ડ હીનના કપાળે પણ તણાવને કારણે કરચલીઓ પડી ગઈ હતી.

બલૂનને નીચે લાવવાના કોઈ ઉપાય નજરે નહોતા આવતા. કારણકે આટલી ઊંચાઈ પરથી એ બલૂનને નીચે લાવવું ઘણું મુશ્કેલ હતું, એ પણ ત્યારે તો એકદમ જ કઠીન, જ્યારે એમાં એક નાનું બાળક હોય. એ બલૂનનો હિલિયમ ગેસ પૂરો થાય ત્યાં સુધી રાહ જોયા વિના કોઈ ઉપાય નહોતો દેખાતો. આખું અમેરિકા ન્યૂઝ પર આ ઘટના જોઈ રહ્યું હતું અને સૌ કોઈના મનમાં ઉત્કંઠા હતી કે બલૂનમાં રહેલું બાળક સહીસલામત હશે કે કેમ? બલૂન ક્યારે જમીન પર આવશે?

ધીરે ધીરે સૌ કોઈની ચિંતા વધતી જ જતી હતી. કારણકે બલૂન જે દિશામાં ઉડતું જઈ રહ્યું હતું, એ દિશામાં ડેનવેર ઈન્ટરનેશનલ એરપોર્ટ આવેલું હતું. જો બ્લુનનો ગેસ એરપોર્ટ પહોંચતા પહેલા ખતમ નહીં થાય, તો ગંભીર અકસ્માત થવાની પુરી શક્યતા હતી. કારણકે ઈન્ટરનેશનલ એરપોર્ટ હોવાને કારણે ત્યાં સતત ફ્લાઈટની આવનજાવન ચાલુ રહેતી. એ જ સમયે જો બલૂન ત્યાં પહોંચે અને આકાશમાં જ કોઈ ફ્લાઈટ સાથે અથડાય તો ઘણી મોટી જાનહાની થવાની શકયતા હતી.


ઘણી કારનો કાફલો એ બલૂનની સાથે એરપોર્ટ તરફ આગળ વધી રહ્યો હતો. આખરે લગભગ એરપોર્ટથી ઓગણીસ કિલોમીટર જેટલું દૂર એ હિલિયમ બલૂન ધીરેધીરે ઘઉંના સપાટ ખેતરમાં ઉતર્યું. તરત જ ઈમરજન્સી રેસ્ક્યુ ટીમે બલૂન પાસે પહોંચી એની અંદર શોધખોળ આદરી. સૌની નવાઈ વચ્ચે અંદર કોઈ જ નહોતું. બાળકના માતાપિતા રિચાર્ડ હીન અને માયુમી ફરી હતાશ થઈ ગયા. હવે બાળકને ક્યાં શોધવું એ સવાલ ઉભો થયો.

એટલામાં કોઈ પત્રકાર આગળ આવીને બોલ્યો, "એક વ્યક્તિએ થોડા સમય પહેલા ઉડતા બલૂનમાંથી કાળા કલરની કોઈ વસ્તુ નીચે પડતી જોઈ હતી!"

આ સાંભળી માયુમી એકદમ ભાંગી પડી. એ કાળી વસ્તુ કદાચ ફાલકન હોઈ શકે, એવી શક્યતા વિચારતા સૌ કોઈ કાંપી ઉઠ્યા. એક છ વર્ષનું બાળક આટલી ઊંચાઈ પરથી નીચે ગબડે, એ કલ્પના જ ભયાનક હતી. ફરી બલૂન જે રસ્તે ઉડયું હતું, એ બધી જગ્યાએ ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી. રિચાર્ડના ઘરેથી ઉડયા બાદ બલૂન લગભગ 80 કિલોમીટર જેટલું ઉડયું હતું. પુરી 90 મિનિટ એ બલૂન હવામાં હતું. આખા રસ્તે ફાલકનનો કોઈ અતોપતો નહોતો. સૌને હતાશા જ હાથ લાગી. હવે ફાલકનને ક્યાં શોધવો એ એક કોયડો થઈ પડ્યો.

ફાલકનને શોધતા સૌ બલૂનના રસ્તે ફરી રિચાર્ડ હીનના ઘર સુધી પહોંચ્યા. હવે પછી આગળ શું પગલાં ભરવા, ફાલકનને ક્યાં શોધવો એ વિશે પોલીસ ટીમ રિચાર્ડ અને માયુમી સાથે ચર્ચા કરી જ રહી હતી કે રિચાર્ડના બૅકયાર્ડમાંથી ત્રણ બાળકો દોડતા દોડતા બહાર આવ્યા. દસ વર્ષનો બ્રેડફોર્ડ અને આઠ વર્ષનો રયો રિચાર્ડ હીનના મોટા દીકરા હતા.


એમની સાથે જે ત્રીજું બાળક આવ્યું, એ હતો ફાલકન. જી હા ફાલકન હીન. જેને હમણાં સુધી બધા એમ સમજતા હતા કે એ હિલિયમ બલૂનની અંદર ફસાઈને ઉડી ગયો હતો. જેને શોધવા માટે બધા 160 કિલોમીટર (80 કિમી જવાના અને 80 પરત આવવાના) સુધી ફર્યા હતા. જ છોકરાની ખબર જાણવા આખું અમેરિકા આતુર હતું. જેના માટે રિચાર્ડ અને માયુમી સતત બે કલાક અધ્ધર શ્વાસે રહ્યા.

તરત જ રિચાર્ડ અને માયુમીએ ફાલકનને તેડી લીધો અને વ્હાલથી નવડાવી દીધો. પોલીસના પૂછવા પર બ્રેડફોર્ડે જણાવ્યું, કે ફાલકન બેકયાર્ડના કાતરિયામાં રમતો હતો અને ત્યાં જ ઊંઘી ગયો હતો. થોડીવાર પહેલા જ જાગ્યો. આ સાંભળી ત્યાં હાજર લોકોને હસવું કે રડવું એ નહીં સમજાયું. કારણકે આ આખી ઘટનામાં અમેરિકન સરકારના લગભગ 62000 ડોલર ખર્ચાઈ ગયા હતા. પરંતુ ફાલકન સલામત હતો એ જ સૌથી મોટી રાહતની વાત હતી.


...અને પછી થયો એક ચોંકાવનારો ખુલાસો!!

...અને પછી થયો એક ચોંકાવનારો ખુલાસો!!

આ આખી ઘટનાનો ચોંકાવનારો ઘટસ્ફોટ તો એ દિવસે સાંજે પત્રકાર પરિષદમાં થયો. આખા અમેરિકામાં આ ઘટનાએ કુતુહલ ઉભું કર્યું હતું. એટલે એનો ફાયદો ઉઠાવવા હીન ફેમિલીનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો. લૅરી કિંગ લાઈવમાં પત્રકાર વૉલ્ફ બ્લીત્ઝર દ્વારા ફાલકનને સવાલ પૂછવામાં આવ્યો, "જ્યારે તારા પરિવારે આટલું મોટું બલૂન તૈયાર કર્યું અને ઉડાડયું, ત્યારે તું કેમ કાતરિયામાં છુપાઈ ગયેલો?"

પત્રકારનો સવાલ સાંભળી એ છ વર્ષના માસૂમ બાળકે પોતાના પિતા રિચાર્ડ સામે જોઈ કહ્યું, "તમે જ તો મને કાતરિયામાં છુપાવા કહ્યું હતું! જેને કારણે આપણને રિયાલીટી શૉમાં ફાયદો થશે ને!"

આ સાંભળી ત્યાં હાજર દરેક વ્યક્તિ સ્તબ્ધ થઈ ગઈ. રિચાર્ડ અને માયુમીનો ચહેરો શરમથી ઝૂકી ગયો. એમનું જુઠાણું હવે પકડાઈ ગયું હતું. એમણે ફાલકન સામે જોયું, તો એ નાનકડો બાળક પોતાની આસપાસ બની ગયેલી ઘટનાથી સદંતર અજાણ બનીને બેઠો હતો. એને ખ્યાલ નહીં હતો કે એની માસુમિયતે એના માતાપિતાના જુઠાણાંને ખુલ્લો પાડી દીધો હતો.

વાસ્તવમાં રિચાર્ડ હીન અને માયુમીનું સિલેક્શન એક અમેરિકન રિયાલીટી શૉ 'વાઈફ સ્વેપ' માટે થયું હતું; જેનું શૂટિંગ થઈ ચૂક્યું હતું અને થોડા સમયમાં એમનો એપિસોડ ટેલિકાસ્ટ થવાનો હતો. એ એપિસોડને વધુમાં વધુ પબ્લિસિટી મળે અને એ સફળ થાય, ફક્ત એટલા માટે રિચાર્ડ અને માયુમીએ આ પ્લાન બનાવ્યો હતો.

પછી શું? અમેરિકામાં તો કાયદાનું પાલન એટલું ચુસ્ત હોય છે કે ગુનેગાર સજામાંથી છટકી નથી શકતો. રિચાર્ડ હીનને પોલીસને ગેરમાર્ગે દોરવાના ગુના માટે 90 દિવસની જેલ અને 36000 ડોલરનો દંડ થયો. માયુમીને પણ 20 દિવસની જેલ થઈ. પછી એમના એપિસોડનું શું થયું હશે? કલ્પના કરી શકો છો? ઓબ્વિઅસ્લી, 'વાઈફ સ્વેપ'ના સંચાલકોને રિચાર્ડ અને માયુમીના આ કારસ્તાન વિશે જેવી ખબર પડી, કે તરત જ પહેલું કામ એ બંનેના એપિસોડનું ટેલિકાસ્ટ રોકી દેવાનું કર્યું!

આખરે જેના માટે એક પરિવારે આટલું મોટું જુઠાણું ચલાવ્યું, એ જ એમના હાથમાંથી જતું રહ્યું. ઉપરથી સજા અને બદનામી મળી એ અલગ. આ ઘટના બાદ નાનકડો ફાલકન હીન સમગ્ર અમેરિકામાં 'બલૂન બોય' તરીકે પ્રસિદ્ધ થઈ ગયો.

આવા તો કેટલાય વિચિત્ર કિસ્સાઓ દુનિયામાં બનતા રહે છે, જેને દર મંગળવારે હું લાવીશ આપની સમક્ષ. તો મિત્રો, દર મંગળવારે મારી સાથે 'અચરજ એક્સપ્રેસ'માં સફર કરવાનું ભૂલશો નહીં.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top