મનીષ સીસોદિયાને આબકારીનીતિ કૌભાંડ કેસમાં મળ્યા જામીન, 16 મહિના બાદ આવશે બહાર
સુપ્રીમ કોર્ટે કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર અને મની લોન્ડ્રિંગના કેસમાં શુક્રવાર (9 ઓગસ્ટ 2024)ના રોજ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા મનીષ સિસોદિયાને જામીન આપી દીધા હતા. જસ્ટિસ બી.આર. ગવઈ અને જસ્ટિસ કે.વી.વિશ્વનાથનની બેન્ચે આ કેસમાં પોતાનો ચૂકાદો આપ્યો હતો. આ અગાઉ 6 ઑગસ્ટે કોર્ટે સિસોદિયાની અરજીઓ પર પોતાનો નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો. રદ્દ કરાયેલી દિલ્હી એક્સાઇઝ પોલિસી 2021-22ની રચના અને અમલીકરણમાં કથિત અનિયમિતતાઓમાં સંડોવણી બદલ 26 ફેબ્રુઆરી, 2023 ના રોજ CBI દ્વારા મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી હતી.
સુનાવણી દરમિયાન મનીષ સિસોદિયાના વકીલે કહ્યું કે ઓક્ટોબરમાં અમને કહેવામાં આવ્યું હતું કે 6-8 મહિનામાં કેસ પૂરો થઈ શકે છે. અમે કહ્યું હતું કે જો એમ ન થયું તો આરોપી ફરી જામીનની માંગ કરી શકે છે. આરોપી લાંબા સમયથી જેલમાં છે. એવામાં તેમને PMLAની કલમ 45 હેઠળ આપવામાં આવેલી જામીનની કડક શરતોમાંથી છૂટની માંગ કરવામાં આવી હતી. તપાસ એજન્સીએ ટ્રાયલમાં વિલંબ માટે આરોપીને જવાબદાર ઠેરવ્યા હતા. EDએ કહ્યું કે આરોપી બિનજરૂરી દસ્તાવેજો માંગી રહ્યા છે. સેકડો અરજીઓ દાખલ કરી, પરંતુ કોઈ એવા રેકોર્ડ દેખાડતા નથી. ED અને CBI બંને કેસોમાં ઘણી અરજીઓ દાખલ કરવામાં આવી નથી, એટલે અમે ટ્રાયલમાં વિલંબ માટે આરોપીને જવાબદાર ઠેરવવાના નીચલી કોર્ટ અને હાઈકોર્ટના નિષ્કર્ષ સાથે સહમત નથી.
સિસોદિયાના વકીલે કહ્યું કે, EDના વકીલે 3 જુલાઈ સુધીમાં તપાસ કરવાની વાત કહી હતી. આ ઓક્ટોબર 2023માં સુપ્રીમ કોર્ટને આપવામાં આવેલી 6-8 મહિનાની સીમાથી વધુ છે. આ વિલંબને કારણે નીચલી અદાલતમાં ટ્રાયલ શરૂ થવાનો કોઈ પ્રશ્ન જ નહોતો. વ્યક્તિગત સ્વતંત્રતા એ મૂળભૂત અધિકાર છે. યોગ્ય કારણ વગર તેનું ઉલ્લંઘન નહીં થઇ શકે. CBIએ દિલ્હી આબકારી નીતિની રચના અને અમલીકરણમાં ગેરરીતિઓમાં કથિત સંડોવણી બદલ 26 ફેબ્રુઆરી, 2023ના રોજ સિસોદિયાની ધરપકડ કરી હતી. EDએ 9 માર્ચ, 2023ના રોજ FIR સાથે સંબંધિત મની લોન્ડ્રિંગ કેસમાં તેમની ધરપકડ કરી હતી. સિસોદિયાએ 28 ફેબ્રુઆરી 2023ના રોજ દિલ્હી કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp