તમારી દાદીએ તમને સમજુ બા અને પાનકોર બાની વાર્તા કરેલી કે? જો હા, તો તમે એને આગળ વધારેલી કે?

તમારી દાદીએ તમને સમજુ બા અને પાનકોર બાની વાર્તા કરેલી કે? જો હા, તો તમે એને આગળ વધારેલી કે?

02/25/2021 Magazine

રાજુલ ભાનુશાલી
સખળ ડખળ
રાજુલ ભાનુશાલી

તમારી દાદીએ તમને સમજુ બા અને પાનકોર બાની વાર્તા કરેલી કે? જો હા, તો તમે એને આગળ વધારેલી કે?

મારા દાદીના એક સખી હતાં. બહેનપણી. કેમ? આપણા ફ્રેન્ડ્સ હોઈ શકે તો દાદી, નાની કે મમ્મીની સખીઓ ના હોઈ શકે?

 

તો,

મારા દાદીના એક સખી હતાં. એ જમાનામાં ચાલી સિસ્ટમ હતી. દાદીના સખી આગલી ચાલીમાં રહે. રાત્રે જમવા કરવાનું પતી જાય એટલે બધાં દાદીના એ સખીને ત્યાં પહોંચી જાય. ઘરની સામે મોટો ઓટલો હતો. ત્યાં મંડળી જામે. દાદીસખી ડાયરો માંડે. અવનવી વાતો કરે. વાર્તા કરે. એમને સાંભળવાનું ખૂબ ગમતું. વેકેશન પડે અને દાદીના ઘરે રોકાવા જવાનું જે એટ્રેક્શન હતું એમાંનું એક કારણ આ દાદીસખીની વાર્તાઓ પણ હતી. એમાંની કેટલીક વાર્તાઓ હજુ આજે પણ યાદ છે.

 

વાર્તા નં ૧.

 

૬૫ વર્ષના સમજુબાને એક કામસર બાજુના ગામે જવાનું થયું. એ જમાનામાં બસ કે રિક્ષાટેક્ષી તો હતા નહીં. ગાડું ખેતરે જોતરાયેલું હતું. સમજુબા કહે, 'આ રહ્યું ગામ... આ પાંચ પચ્ચીસ પગલાં તગડા લૈશ તો દી માથે આવશે ત્યાં લગ પોગી જૈશ.' ને સમજુબા તો ચાલ્યા.દી માથે આવે એ પહેલાં પહોંચી પણ ગયાં. કામ પતાવ્યું. એ ગામમાં રહેતાં દૂરના એક સંબંધી સમજુબાને ચા પીવા ઘરે લઈ ગયા. પહેલાંના વખતમાં હોટલું-બોટલું તો હતી નહીં. સમજુબા સવારના વહેલા શીરામણ લઈને નીકળ્યા હશે ને એમને પહોંચતાં દી આથમી જશે એ વિચાર આવતાં એમણે દીકરાવહુને સાદ દીધો અને વાટકી લોટ શેકી લેવાનું કહ્યું. સમજુબા થોડાક શરમાળ. એમના માટે કોઈ આટલી તસ્દી લે એ વિચારીને એમને ખૂબ સંકોચ થયો એટલે એમણે  વહુને શીરો રાંધવાની ના પાડી. 'તમતમારે ફાવે એટલું લેજોને લ્યો..' એમ બોલતાં સંબંધીએ કળશ્યામાંથી રગડા જેવી ચા અડારીમાં રેડી. થોડીવારે ઘીમાં લસલસતા શીરાનું લોહિયું આવ્યું. પાવલા મુકાયા. સમજુમા ઉવાચ, 'પેટમાં જરીકે ભૂખ નથી મારી બુન. સોપારી જેવડો જ દે'જે.' એમનો સંકોચ જતો નહોતો. વહુએ બે કોળિયા શીરો પાવલામાં નાખ્યો. સમજુમાએ કોળિયું મોઢામાં નાખ્યું. ભૂખ નથી એમ કહ્યું તો ખરું પણ સાચું પૂછો તો પેટમાં ઉંદરડાં કુદાકુદ કરી રહ્યાં હતાં. સવારના શીરામણ કરીને નીકળ્યા એને અડધો દિવસ થઈ ગયેલો. એમાંય બે કોળિયા સ્વાદિષ્ટ શીરો પેટમાં ગયો એટલે ભૂખ ભડકી ઊઠી. ણ હવે સામેથી માંગવું શી રીતે! પોતે ચારવાર ના પાડી ચૂક્યા હતાં. હવે કરવું શુંબાકીના લોકો એયને મજાના ઝાપટી રહ્યાં હતાં. સમજુબા બે પાંચ ક્ષણ એમને જોઈ રહ્યાં ને પછી બોલી પડ્યાં, 'તે હેં વહુ, તમારે ત્યાં સોપારી આવડીક હોય? અમારે ત્યાં તો એય..ને ચીભડાં જેવડી હોય!'

 

વાર્તા નં ૨.

 

એક બીજા બા હતાં. એમનું નામ આપણે પાનકોરબા રાખીએ.

 

પાનકોરબા બહુ જ કંજુસ. કંજુસ એટલે પોતે કોઈ દિવસ પૂરું જમીને પેટમાંથી ભૂખે નહીં કાઢી હોય એવા! આ પાનકોરબાના ઘરે કોઈ આવતું જતું નહીં. ક્યારેક કોઈ રડ્યોખડ્યો મહેમાન આવી પણ ચઢે તો એય ભૂખ્યોરહી જતો. એવા એ કંજુસ પાનકોરબાના ઘરે એક દિવસ મહેમાન આવ્યા. મહેમાન જાત્રાથી પાછા ફર્યાં હતાં. આગળ જંગલ હતું અને દિવસ આથમવા આવ્યો હતો. આગળ વધવાનું જોખમ લેવા કરતાં એમણે કમને પાનકોરબાને ત્યાં રોકાવાનું નક્કી કર્યું, એક રાત લાંઘણ ખેંચી કાઢવાની તૈયારી સાથે. એમને અડસટ્ટો હતો કે બા મહેમાનને ખાવાનું ન આપવું પડે એટલે ચૂલો જ નહીં પેટાવે. પોતેય નહીં જમે. પણ મહેમાનમાં જે મહિલા હતી એણે મનોમન ગાંઠ વાળી કે આપણે જમશું અને બાને પણ જમાડશું. ડેલામાં પ્રવેશતાં પહેલાં એણે આંગણામાંથી બેચાર કાંકરી ઉપાડીને સાડલાના  છેડામાં બાંધીદીધી.

 

જેવું ધાર્યું હતું તેવું જ બાએ માંદા હોવાના, ઘરમાં કશું જ રાસન ન હોવાના રાગ આલાપ્યા. મહેમાન મહિલાએ બાને ધરપત આપતાં કહ્યું કે એમને કોઈ જ વસ્તુ નથી જોઈતી. જાત્રામાં મળેલા મહારાજે એક જાદુઈ વસ્તુ આપી છે એમાંથી બધું જ થઈ રહેશે. બા કશું સમજ્યા નહીં. મહેમાન મહિલાએ કહ્યું,'તમે માત્ર ચૂલો જગવી દ્યો અને એક લોયામાં પાણી આપો. બાકી કશું જ ધાન કે બીજું કંઈ જોઈશે નહીં. આ જાદુઈ કાંકરીઓ પાસેથી બત્રીસ પકવાન ને છત્રીસ ભોજનમાંથી જે માંગશું એ મળશે. હાલો તમને આજ સરગમાં બનતો હોય એવા સવાદવાળો શીરો ખવડાવું. ‘બા તો રાજીના રેડ થઈ ગયાં. એમણે ઝટ ચૂલો પેટાવ્યો અને લોયામાં પાણી આપ્યું. મહેમાન મહિલાએ લોયું ચૂલે ચડાવ્યું, સાડલાની કોરે બાંધેલી  કાંકરીઓ બહાર કાઢી. એ કાંકરીઓને પગે લાગીને એણે લોયામાં નાખી દીધી અને પાણીમાં હલાવો નાખવા લાગી.

 

બા સહિત બધાં આશ્ચર્યચકિત હતાં. 

 

મહેમાન મહિલા પોતાના કામમાં તલ્લીન હતી.ખૂબ જ ભાવથી એ પાણીમાં ચમચો ફેરવી રહી હતી. અચાનક એ બબડી, 'જો ચપટીક લોટ હોત તો આ શીરામાં દાઢે વળગે એવો સવાદ આવત.' બાએ સાંભળ્યું. દોડતાંક જઈ તેઓ લોટનો ડબ્બો લઈ આવ્યાં. લોયાના પાણીમાં લોટ પડ્યો. થોડીકવાર રહીને મહેમાન મહિલા પાછી બબડી,'આમાં જો કાંકરી ગોળ હોતને તો તો આહાહા..' બા તરત ગોળનો ડાબરો લઈ આવ્યાં. લોયામાં ગોળ પડ્યું. લોટ રંધાઈ જવા આવ્યું હતું. મહિલાએ મમરો મુક્યો, 'બા, અત્તારે જો પાવડું ઘી નાખ્યું હોયને તો એવો સવાદ આવે કે સરગમાંથી દેવતાઓ પણ તમારા ઘરે મે’માન થઈને જમવા આવી જાય. પણ વાંધો નહીં. ઘી તો છે નહીં.' બા ટપ્પ દેતાંકને ઉઠ્યાં અને અંદરની ઓરડીમાં દોડ્યાં. પાછા આવ્યાં ત્યારે એમના હાથમાં ઘીની બરણી હતી. લોયામાં લોટ, ગોળ ને હવે ઘી પણ ભળ્યું. મહેમાન મહિલાએ બા ઘી લેવા ઓરડીમાં ગયેલા ત્યારે લોયામાંથી સિફ્તથી કાંકરી કાઢી લીધી હતી.

 

પછી તો પાનકોરબા સહિત બધાએ ધરાઈને જાદુઈ કાંકરીનો શીરો ખાધો.

 

***

 

આ વાર્તાઓનું મોરલ એ વખતે નહોતું સમજાયું. પણ સાંભળવી ખૂબ ગમી હતી. દાદીસખીની વાર્તા માંડવાની સ્ટાઇલ અફલાતૂન હતી. આ અને આના જેવી બીજી અનેક વાર્તાઓ, વાતો માનસપટ પર કોતરાઈ ગઈ છે. ત્યાર બાદ જ્યારે જ્યારે જરુર પડી ત્યારે ત્યારે  કંઈક ને કંઈક શીખવતી રહી છે. આપતી રહી છે. આજે દાદી નથી. દાદીસખી પણ નથી. પરંતુ આ વાર્તાઓ છે. અંદર ક્યાંક ધરબાયેલી પડી છે. આવી રીતે ક્યારેક ડોકિયાં બહાર કાઢી લે. આશ્ચર્યની વાત એ છે કે હજુય એવી ફ્રેશ છે!

આ વાર્તાઓ આપણો વારસો છે. સરસ અને સરળ રસ્તો છે, બાળકોને સમજ આપવાનો. સંસ્કાર આપવાનો. સારો મનુષ્ય બનાવવાનો. તમે આવી વાર્તાઓ પોતાના બાળકને કહી છે?! 

 

મિયાઉં :

Dada-Dadi  Forum is inviting you to a scheduled Zoom meeting.

Topic: ચાલો વાર્તા સાંભળીએ 
Time:  રોજ રાત્રે સુતી વખતે 

Join Zoom Meeting 
https://web.zoom.us/૧૨૩૪૫૬૭૮૯

Meeting ID: ૯૮૭ ૬૫૪૩ ૨૧


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top