મિત્રો આજે ફરી હાજર છું આપ સૌને આશ્ચર્યનો ડોઝ આપવા, ધસમસતી 'અચરજ એક્સપ્રેસ' માં આપ સૌનું સ્વાગત છે. આજે તમને આશ્ચર્યની સાથે થોડા ડરનો પણ સામનો કરાવીશ.
આ ઘટના છે અમેરિકાના મિઝોરી વિસ્તારના ફર્ગ્યુસન શહેરની. કૅટરીના મૅકઘો નામની યુવતીએ રહેવા માટે એક સરસ મજાનું ઘર ભાડે લીધું. શાંત વિસ્તારમાં આવેલું એ ઘર, બહારથી કોઈનું પણ મન મોહી લે એવું સુંદર હતું. વિસ્તારની દ્રષ્ટિએ પણ ઘણું મોટું હતું. વિશાળ બેડરૂમ અને હૉલ સાથે, ઘરની નીચે ઘણું મોટું બેઝમેન્ટ પણ હતું. પહેલી નજરમાં આકર્ષી લે એવું ઘર કૅટરીનાએ 810 ડોલરમાં સાંડ્રા ટ્રેવીસ પાસે લીઝ પર લીધું. પોતાનો બધો સામાન એ ઘરમાં શિફ્ટ કરી દીધો.
બહુ ઝડપથી કૅટરીના એ ઘરમાં સેટ થઈ ગઈ. એકવાર એના થોડા મિત્રો એના ઘરે આવ્યા. સૌ હૉલમાં વાતો કરી રહ્યા હતા, ત્યારે એક મિત્રનું 2 વર્ષનું બાળક રમતા રમતા નીચે બેઝમેન્ટમાં પહોંચી ગયું. થોડીવારે અચાનક બાળકના જોરથી રડવાના અવાજે સૌનું ધ્યાન દોર્યું, એટલે બધા ઝડપથી બેઝમેન્ટમાં ગયા. જોયું તો એ બાળક હદ બહારનું ડરી ગયું હતું. સૌએ બેઝમેન્ટમાં ચારેતરફ નજર ફેરવી, પરંતુ ત્યાં કશું વાંધાજનક નહીં દેખાયું. પેલું બાળક સતત એક થાંભલા સામે આંગળી ચીંધી કંઈક બતાવવાનો પ્રયત્ન કરી રહ્યું હતું અને એની કાલીઘેલી ભાષામાં થોડા શબ્દો બોલતું હતું, પરંતુ ત્યાં હાજર કોઈને એની ભાષા નહીં સમજાઈ. કારણકે એ થાંભલાની આસપાસ કશું નહોતું, જેનાથી બાળકને ડર લાગે. આખરે નવી જગ્યા જોઈને બાળક ડરી ગયું હશે એમ માની સૌ એ ઘટના ભૂલી ગયા.
એક અઠવાડિયા પછી કૅટરીનાની એક મિત્ર એની સાથે રહેવા આવી. મિત્રના કહેવાથી કૅટરીનાએ રાત્રે સમય પસાર કરવા એક રહસ્યમય અને રોમાંચથી ભરપૂર એવી સિરિયલ કિલર્સની ડોક્યુમેન્ટરી જોવાનો પ્રોગ્રામ બનાવ્યો. પોપકોર્નનો મોટો બાઉલ ભરીને બંને સખીઓ ટીવી સામે ગોઠવાઈ ગઈ.
રૂંવાડા ઉભા કરી દે એવી ડોક્યુમેન્ટરીના એક પછી એક બે એપિસોડ જોઈ બંને સખીઓ થથરી ઉઠી હતી. ઠંડે કલેજે એક પછી એક હત્યા કરતા સિરિયલ કિલર્સને જોઈ બંનેના શરીરમાં કંપારી છૂટી ગઈ. કૅટરીનાએ થોડા ડર સાથે ડોક્યુમેન્ટરી બંધ કરવાનો પ્રસ્તાવ મુક્યો. પરંતુ એની મિત્ર ટીવી બંધ કરવાના મૂડમાં નહોતી. એણે વધુ એક એપિસોડ જોવા કૅટરીનાને મનાવી લીધી. ધડકતા હૈયે કેટરીનાએ આગળ જોવાનું ચાલુ કર્યું.
કૅટરીનાના આશ્ચર્ય વચ્ચે ડોક્યુમેન્ટરીનો કૅમેરો એ વિસ્તાર બતાવી રહ્યો હતો, જ્યાં કૅટરીના રહેતી હતી. ધીરે ધીરે એ કૅમેરો એ ઘર તરફ જઈ રહ્યો હતો, જ્યાં એક સિરિયલ કિલરે અંદાજીત 17 થી 20 જેટલી હત્યાઓ કરી હતી. એ ઘર જોઈ કૅટરીના ભયાનક ધ્રાસ્કા સાથે ઉભી થઈ ગઈ. એના હાથમાંથી પોપકોર્ન નીચે પડી ગયા. એનું આખું શરીર ધ્રુજી રહ્યું હતું, કારણકે ડોક્યુમેન્ટરીમાં એ જ ઘર બતાવી રહ્યા હતા, જેમાં કૅટરીના હાલ રહેતી હતી.
પહેલા તો કૅટરીનાને લાગ્યું, પોતે એક ભયાનક સ્વપ્ન જોઈ રહી છે. ડરામણી ડોક્યુમેન્ટરી જોવાને કારણે પોતાને કોઈ ભ્રમ થયો હોય એવું લાગ્યું, પરંતુ એની મિત્ર પણ ટીવીમાં ચાલતા દ્રશ્યો જોઈ ડઘાઈ ગઈ. એણે કૅટરીનાનો હાથ પકડી લીધો, ત્યારે કૅટરીના વાસ્તવિકતામાં આવી.
પોતે એક સિરિયલ કિલરના ઘરમાં રહે છે, એ હકીકત જાણી કૅટરીના પરસેવે રેબઝેબ થઈ ગઈ. એની મિત્ર ઝડપથી એના માટે પાણી લઈ આવી. પાણી પીધા પછી પણ કૅટરીનાની કંપારી ઓછી નહીં થઈ. મિત્રો, વિચાર કરો, તમને અચાનક અહેસાસ થાય કે તમે જ્યાં રહો છો, ત્યાં ઘણા લોકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે, તો તમારી શું હાલત થાય? કંઈક આવી જ હાલત કૅટરીનાની હતી.
ડોક્યુમેન્ટરીમાં કૅમેરો આખા ઘરમાં ફરતો હતો. એ જ હૉલ, એ જ બેડરૂમ, એ જ કિચન, અને સૌથી ભયાનક દ્રશ્ય ઘરની નીચે આવેલા બેઝમેન્ટનું હતું. કિલરનું નામ મૌરી ટ્રેવીસ હતું. એ પોતાનો શિકાર બનેલી દરેક સ્ત્રીને બેઝમેન્ટમાં લઈ જઈને એમને ઘૂંટણભેર બેસાડી એમના હાથ-પગ એક થાંભલા સાથે બાંધી દેતો હતો. એમના ગળામાં પટ્ટો બાંધી એમને ક્રૂરતાપૂર્વક તડપાવીને છેવટે મારી નાખતો હતો. બેઝમેન્ટને મૌરી ટ્રેવીસે જાણે એક ટોર્ચર ચેમ્બર બનાવી દીધી હતી. દરેક સ્ત્રીને ટોર્ચર કરતી વખતે, કાતિલ એમનો વીડિયો બનાવતો હતો. એ જ વીડિયોનો ઉપયોગ કરીને આ ડોક્યુમેન્ટરી બનાવવામાં આવી હતી.
કૅટરીનાની મિત્રએ ઝડપથી ડોક્યુમેન્ટરી બંધ કરી દીધી અને કૅટરીનાને બેડરૂમમાં લઈ ગઈ. એને બેડ પર બેસાડી થોડો આરામ કરવા કહ્યું. પરંતુ એક ખતરનાક ખૂનીના ઘરમાં, એના બેડરૂમમાં; જ્યાં એક સમયે એ ખૂની રહેતો હતો, સૂતો હતો ત્યાં કેવીરીતે કોઈને ઊંઘ આવે!
એ આખી રાત કૅટરીનાએ ઘરની બહાર બેસીને વિતાવી. એની નજર સમક્ષ સતત એ ખૂનીનો ચહેરો તરવરતો હતો. જાણે એના કાનમાં હત્યા કરાયેલી સ્ત્રીઓની અસહ્ય દર્દથી ભરેલી ચીસો ગુંજતી હતી. થોડી થોડીવારે કૅટરીનાને લાગતું હતું, કે એ સિરિયલ કિલર હમણાં ઘરમાંથી બહાર આવશે અને એને પણ ક્રૂરતાપૂર્વક મારી નાખશે. એ આખી રાત આંખોમાં ભય આંજીને જાગતી રહી.
બીજા જ દિવસે કૅટરીના ઘરના માલિક સાંડ્રા ટ્રેવીસ પાસે ગઈ અને એ ઘરની લીઝ કેન્સલ કરવાની માંગણી કરી. સાંડ્રા ટ્રેવીસ, જે સિરિયલ કિલર મૌરી ટ્રેવીસની માતા હતી; એણે લીઝ કેન્સલ કરવાની ચોખ્ખી ના પાડી દીધી. કૅટરીનાએ ઘણી દલીલો કરી, કે એ આવા ઘરમાં નહીં રહી શકે જ્યાં ભૂતકાળમાં આટલી બધી હત્યાઓ થઈ હતી. કૅટરીનાએ આક્ષેપ કર્યો કે શા માટે સાંડ્રાએ લીઝ કરતા પહેલા એ ઘરના ભૂતકાળ વિશે માહિતી નહીં આપી! ત્યારે સાંડ્રા ટ્રેવીસે એમ કહીને હાથ ઊંચા કરી દીધા કે ઘરના એગ્રીમેન્ટ બનાવતી વખતે ઘરમાં બનેલી ઘટનાઓ કે ઘરમાલિક વિશે માહિતી આપવી ફરજીયાત નથી હોતી.
હવે કૅટરીના બહુ ખરાબ રીતે ફસાઈ ગઈ હતી. એ આવા ગુનાહિત ભૂતકાળ ધરાવતા ઘરમાં હવે એક પળ માટે પણ રહેવા તૈયાર નહોતી. બીજી બાજુ લીઝ કેન્સલ નહીં થાય તો વધારાના ડોલર વિના એ બીજું ઘર ભાડે રાખી શકે એમ નહોતી. એ જેટલો સમય ઘરમાં રહેતી, એક છૂપો ડર સતત એના મનમાં છવાયેલો રહેતો. એના માટે ખાવાપીવાનું પણ દુષ્કર થઈ ચૂક્યું હતું. કારણકે હમણાં સુધી એ જે ડાઈનીંગ ટેબલ પર બેસીને ખાતી હતી, એ ટેબલ મૌરી ટ્રેવીસનું હતું.
આખરે એણે આ ઘરથી છુટકારો મેળવવા સેન્ટ લુઈસ હાઉસિંગ ઓથોરિટીની મદદ લીધી. કૅટરીનાની બધી હકીકત જાણ્યા બાદ હાઉસિંગ ઓથોરિટીએ સાંડ્રા ટ્રેવીસને ઓર્ડર આપ્યો કે કૅટરીના સાથેની લીઝ મહિનાના અંત સુધીમાં પુરી કરવામાં આવે. છેવટે કૅટરીનાને એ ગુનાહિત ઘરથી આઝાદી મળી.
એક ન્યૂઝ ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કૅટરીનાએ જણાવ્યુ, એને એ ઘરમાં બનેલી ઘટનાઓ વિશે પહેલા કોઈ જ માહિતી નહોતી. પરંતુ એને એ ઘરમાં એક થોડો વિચિત્ર અને ડરામણો અનુભવ થયો હતો. એણે પેલા બાળકનો કિસ્સો જણાવ્યો જેમાં બાળક થાંભલા સામે જોઇને ડરીને રડતું હતું. એ સમયે તો નાનકડા બાળકના મનનો વહેમ સમજી કૅટરીનાએ એ ઘટનાને નજરઅંદાજ કરી હતી. પરંતુ હવે એને કારણ સમજાયું, કદાચ એ બાળકને થાંભલા પાસે થયેલી ઘૃણાપૂર્ણ ઘટનાનો અંદાજો આવ્યો હોઈ શકે, અથવા એને કોઈ આત્માનો આભાસ થયો હોય. કારણકે આ એ જ થાંભલો હતો, જ્યાં મૌરી ટ્રેવીસ સ્ત્રીઓને બાંધીને તડપાવતો હતો.
મૌરી ટ્રેવીસ વિશે જાણકારી આપું, તો એ એક વેઈટર હતો. એણે કુલ કેટલી હત્યાઓ કરી હતી, એની ચોક્કસ કોઈ માહિતી નથી. પરંતુ એણે એકવાર પોતાના કૃત્ય વિશે અહંકારમાં રાચતા એક પત્ર લખ્યો હતો, જેમાં એણે એક નકશો મુક્યો હતો, અને કહ્યું હતું- 'બીજા ઘણા છે જે હું જણાવીશ. આ સત્તરમી લાશની જગ્યા છે.' આ પત્ર એણે કોમ્પ્યુટર પર બનાવીને એક ન્યૂઝ ચેનલને મોકલ્યો હતો. આવા ખતરનાક વાક્યો વાંચી, પોલીસ તરત હરકતમાં આવી ગઈ. IP એડ્રેસ પરથી મૌરી ટ્રેવીસના કોમ્પ્યુટરની જગ્યા શોધવામાં આવી અને આખરે એ ખતરનાક ખૂનીને ઝડપી લેવામાં આવ્યો.
મૌરી ટ્રેવીસ પાસેથી એણે કરેલી હત્યાઓ માહિતી પોલીસ મેળવે અને એના દુષ્કૃત્યોની સજા મળે એ પહેલાં જ એણે જેલમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. એના મૃત્યુ બાદ એના ઘરની માલિક એની માતા સાંડ્રા ટ્રેવીસ બની. મૌરીના મૃત્યુના બે વર્ષ બાદ કૅટરીનાએ ઘર લીઝ પર લીધું. પરંતુ ઘરનો ભયાનક ગુનાહિત ભૂતકાળ જાણી, ફક્ત બે જ મહિનામાં એ ઘર ખાલી કરી દીધું.
મિત્રો, તમે પણ કોઈનું ઘર વેચાતું લેવા માંગતા હોવ અથવા ભાડે લેવું હોય તો પહેલા પૂરતી તપાસ કરી પછી નિર્ણય કરજો. ક્યાંક એ ઘરમાં..........
દર મંગળવારે આવી જ અજાયબ ઘટનાઓ માણવા મારી સાથે 'અચરજ એક્સપ્રેસ'ની સફરે આવવાનું નહીં ભૂલતા.