સોમવારે લખનૌના એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં, એમએસ ધોનીની કેપ્ટનશીપ હેઠળ ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)એ લખનૌ સુપર જાયન્ટ્સ (LSG)ની ટીમને 5 વિકેટથી હરાવી હતી. 167 રનના લક્ષ્યાંકનો પીછો કરતા, CSKએ 19.3 ઓવરમાં જીત મેળવી હતી. આ સીઝનમાં CSKનો આ બીજો વિજય છે. પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ એમએસ ધોનીને મળ્યો હતો, જેણે 11 બોલમાં 26 રન બનાવ્યા હતા.
ધોનીએ કહ્યું કે, મેચો જીતવી સારી વાત છે, કમનસીબે છેલ્લી કેટલીક મેચો અમારા પક્ષમાં ન ગઈ. જીતથી ટીમને ખૂબ આત્મવિશ્વાસ મળે છે. વિજેતા ટીમનો ભાગ બનવું એ આનંદની વાત છે અને આશા છે કે આ ચાલુ રહેશે. પાછલી રમતોમાં બોલિંગ કરતી વખતે, અમે પહેલી 6 ઓવરમાં સંઘર્ષ કરી રહ્યા હતા, પરંતુ પછી વચ્ચેની ઓવરોમાં વાપસી કરી રહ્યા હતા. બેટિંગ યુનિટ તરીકે પણ અમને સારી શરૂઆત મળી રહી નહોતી, કદાચ તે ચેન્નાઈની વિકેટને કારણે હતું. કદાચ અમે સારી વિકેટ પર વધુ સારું પ્રદર્શન કરીશું, બેટ્સમેનોને વધુ આત્મવિશ્વાસ આપીશું.
તેણે વધુમાં કહ્યું કે, અમને સુપર ઓવરમાં વધુ બોલરોની જરૂર છે, અમે અશ્વિન પર પહેલા 6 ઓવરમાં 2 ઓવર નાખવા માટે ખૂબ દબાણ કરી રહ્યા હતા, તેથી અમે પહેલી 6 ઓવરોમાં વધુ બોલરોનો સમાવેશ કરવા માટે ફેરફારો કર્યા, તે વધુ સારું આક્રમણ લાગી રહ્યું છે. અમે બોલિંગ યુનિટ તરીકે સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ અમે બેટિંગ યુનિટ તરીકે વધુ સારું પ્રદર્શન કરી શકીએ છીએ. રાશિદે આજે ખરેખર સારી બેટિંગ કરી, તે છેલ્લા કેટલાક વર્ષોથી અમારી સાથે છે, અમે સુધારો જોયો છે અને આ વર્ષે તે નેટમાં ખરેખર સારી બેટિંગ કરી રહ્યો છે, અમને બેટિંગ ક્રમમાં ફેરફારની જરૂર હતી, તેણે ખરેખર સારી બેટિંગ કરી, પરંતુ આ માત્ર શરૂઆત છે.
જ્યારે ધોની આ એવોર્ડ લેવા ગયો, ત્યારે તેણે આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, તેને આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. તેણે એમ પણ કહ્યું કે તેનો અસલી હકદાર કોણ હતો. ધોનીએ કહ્યું કે, આજે તો હું હેરાન છું કે આ એવોર્ડ મને મળી રહ્યો છે. નૂર અહમદે આજે ખરેખર શાનદાર બોલિંગ કરી હતી. નૂર અહમદે કોઈ વિકેટ લીધી નહોતી, પરંતુ તેણે લખનૌ સુપર જાયન્ટ્સના બેટ્સમેન પર દબાણ બનાવી રાખ્યું હતું, તેણે પોતાના 4 ઓવરના સ્પેલમાં માત્ર 13 રન આપ્યા હતા.