દેશ કી ધડકન - HMT કાંડા ઘડિયાળ – ત્રીસ વર્ષ ટોચના સ્થાને રહીને અદ્રશ્ય કેમ થઈ? એક કેસસ્ટડી એનાલ

દેશ કી ધડકન - HMT કાંડા ઘડિયાળ – ત્રીસ વર્ષ ટોચના સ્થાને રહીને અદ્રશ્ય કેમ થઈ? એક કેસસ્ટડી એનાલિસીસ

01/29/2021 Magazine

મિતેષ પાઠક
માંડીને વાત
મિતેષ પાઠક

દેશ કી ધડકન - HMT કાંડા ઘડિયાળ – ત્રીસ વર્ષ ટોચના સ્થાને રહીને અદ્રશ્ય કેમ થઈ? એક કેસસ્ટડી એનાલ

સાંજે વહેલો તૈયાર થઈ જાજે. આજે તારા માટે ઘડિયાળ ખરીદવા જવાનું છે.

હવે કેટલી વાર શોધવા જવું છે? દર વખતે દુકાન વાળો એમ જ કહે છે થોડા સમય પછી આવજો!”

SSC પરીક્ષા પાસ કરી એ પછી ઉપર મુજબના સંવાદો બાદ આખરે એક દિવસ ભણતરમાં મેળવેલી સિદ્ધિના ઇનામ સ્વરૂપે કાંડા ઘડિયાળ ભેટ મળી. આ વાત વરસ ૧૯૮૦-૮૧ ના દાયકાની છે. ઘડિયાળની પસંદગી કરવા મુંબઈ ગ્રાન્ટ રોડ માર્કેટમાં ત્રણ દુકાનોના આંટા ફેરા બાદ દર વખતે એક જ જવાબ મળે, “તમારે જે મોડેલ જોઇ છે એના માટે રાહ જુવો. હજી દોઢ બે મહિના થશે!” છેવટે ‘HMT જયંત મોડેલ’ નક્કી કર્યું. કારણકે જે ગમેલું, એ ‘સોના મોડેલ’ માટે હવે રાહ જોવાની ધીરજ ખૂટી ગઈ હતી.

ઘડિયાળ માટે પણ બે મહિના વેઈટીંગ? હતો સાહેબ, એ સમય પણ હતો!

“દેશ કી ધડકન” - આ ટૅગ લાઈન સાથે સમગ્ર ભારતમાં નંબર વન કાંડા ઘડિયાળ બનાવતી કંપની એટલે HMT. ૧૯૬૦થી ૧૯૯૦ એ આ કંપનીનો સુવર્ણ યુગ હતો. ૯૦% બજાર એમના કબજામાં હતું. પણ પછી એ નંબર વનથી સરકીને નીચે જતી રહી. પણ એ રાતોરાત નહોતું થયું. અને આ ડાઉનફોલની કોઈને ખબર ન હતી એવું પણ નહોતું.

પડતી આવી એ પહેલાંનો કંપનીની જાહોજલાલીનો એ સમય પણ જાણવો જરૂરી છે.

૧૯૬૧માં હિન્દુસ્તાન મશીન ટુલ્સ અને સિટીઝન વોચ કંપની (જાપાન) વચ્ચે ટેકનિકલ કોલાબોરેશન થયું હતું. અને મિકેનીકલ અથવા ચાવીવાળી કાંડા ઘડિયાળ માટે અગ્રેસર કંપની અસ્તિત્વમાં આવી. બેંગ્લોર, તુમ્કુર અને રાણીબાગ, એમ ત્રણ સ્થળે એમના મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટ હતા.

સંપૂર્ણ રીતે મોનોપૉલી અંતે નડી ગઈ!

ગ્રામ્ય વિસ્તારના ગ્રાહકો માટે વધારે ફોકસ કરવામાં આવ્યું હતું એ ઉપરાંત શહેરના લોકો માટે રમણી અને ઉત્સવ એ બંને સફળ મોડેલ હતાં.

એવરગ્રીન મોડેલ HMT સોના. પાતળી સ્લીક ડીઝાઈન. ગોલ્ડન ડાયલ. લેધર સ્ટ્રેપ. વેઈટીંગ રહેતું આ મોડેલ માટે. ૧૯૭૭-૭૮ દરમ્યાન વરસે ૪૦૦,૦૦૦ જેટલી ઘડિયાળના ઉત્પાદન પરથી ૧૯૮૦ સુધીમાં ૫૦૦,૦૦૦ ઘડિયાળ સુધી પહોંચ્યા હતા. એમાં તો ગ્રાહકોને વેઈટીંગનો સામનો કરવો પડતો એટલી એ શૉર્ટ સપ્લાય રહેતી.

એક સમયે HMT બ્રાન્ડના શોરૂમનું સમગ્ર ભારતમાં નેટવર્ક હતું. એટલે વિચાર એ જ આવે કે તો પરિસ્થિતિ આટલી કથળી કઈ રીતે કે આજે બજારમાંથી એ આખી બ્રાન્ડ જ ગાયબ થઈ ગઈ.

કંપનીનું મિકેનીકલ ઘડિયાળ/ચાવી વાળી ઘડિયાળ પર ખૂબ ફોકસ હતું. એમાં એમણે ક્વાર્ટ્ઝ અને ઓટોમેટીક ઘડિયાળ પર ધ્યાન જ ન આપ્યું. બીજી તરફ, મિકેનીકલ ઘડિયાળ બાબતે આખી દુનિયામાં ઑલરેડી ‘નંબર વન’ની રેસમાં હતી એવી ઓલ્વીન અને ટાઈટન કંપનીઓ ભારતમાં પ્રવેશી ચૂકી હતી. છતાં ભારતમાં એ કંપનીઓની ગણના ય HMT સામે હજી નાના ખેલાડીઓ તરીકેની હતી!

પણ ગંજાવર ગણાતી HMT કંપની એક બાબતે માર ખાઈ ગઈ. મિકેનીકલ ઘડિયાળમાં ઘણા પાર્ટ્સ આવે અને મેઈન્ટેનન્સ વધારે માંગે. અને HMT પાર્ટ્સ ઈન્વેન્ટરી પહોંચાડવા સક્ષમતા પૂર્વક કાર્ય ન કરી શક્યા. પ્રોડક્ટ રિસર્ચ, ગ્રાહકોના બદલાતા ટેસ્ટ અને ક્વોલિટી પરત્વે પણ કંપની બેદરકાર રહી. એસ્થેટીક રીતે કાંડા ઘડિયાળ કેવી હોવી જોઇએ એનું અપડેશન કરવામાં અને સમયની સાથે તાલ મિલાવવામાં ઘડિયાળ બનાવતી આ મોટી કંપની કાચી પડી! અપગ્રેડ થવા બાબતે તો રીતસરનો “હોતી હૈ... ચલતી હૈ” પ્રકારનો અભિગમ જ રહ્યો!

કંપનીમાં સરકારી હોલ્ડિંગ હતું. એનો મુખ્ય ગેરલાભ એ થયો કે કર્મચારીઓની સંખ્યા અને પગારના મસમોટા બિલ્સને કારણે પ્રોડક્શન મોંઘું થતું રહ્યું. અધૂરામાં પુરૂં શ્રીનગરમાં નાખેલ પ્લાન્ટ ત્યાંની સમસ્યાઓને કારણે બંધ થયો. એ પણ મોટો ફટકો હતો.

કેટલાક એવા પણ નિર્ણય લેવાયા કે જે લાંબે ગાળે HMTની ફ્લેગશીપ મોડલની આબરૂને જ ડેમેજ કરી ગયા. જેમ કે HMT સોના એકદમ સફળ મોડેલ હતું. એને વિદેશમાં એક્સ્પૉર્ટ કરવાનું શરૂ કર્યું. ઉત્પાદન કિંમત અને નફાના માર્જિનની ગણતરી ગ્લોબલ સ્કેલ પર કરીને ભારતીય બજાર કરતાં સસ્તા ભાવે વિદેશમાં રજૂ કરી. તો આપણા જ દેશના કેટલાક સિન્ડીકેટ ધરાવતા મોટા વેપારીઓ સિંગાપોર અને હોંગકોંગથી એ સસ્તી સોના મોડેલ ઘડિયાળને દાણચોરી દ્વારા દેશમાં ઘૂસાડીને વેચવા માંડ્યા! સ્વાભાવિક રીતે ભારતમાં કંપની દ્વારા વેચાતી ઘડિયાળો કરતા દાણચોરો દ્વારા વેચવામાં આવતી ઘડિયાળો સસ્તી હતી! એમાં લોકો મૂંઝવણમાં મુકાયા કે ઓરીજીનલ અને ડુપ્લીકેટ બે લાગે છે. આ બધાની કલેકટીવ અસર તરીકે થયું એવું કે સોના મોડલની માંગ ઘટતી રહી!

માર્કેટ ઉપર સંપૂર્ણ મોનોપોલી હોવા છતાં ખોટી નીતિ અને સૂઝ ન હોવાને કારણે કંપનીએ બજાર ઉપરથી પકડ ગુમાવી!

HMT એ હરીફાઈ સમજવાની દરકાર ન કરી!

ટાઈટન - એ ફક્ત ઘડિયાળ - સમય જોવા માટેનું મશીનને બદલે સ્ટાઇલ સ્ટેટમેન્ટ કે ફૅશન સ્ટેટમેન્ટ તરીકે વધારે પ્રમોટ થયું. ઓલ્વીન ટ્રેન્ડી ઇન્ટર ચેન્જેબલ સ્ટ્રેપ અને મલ્ટીકલર લાઈટ વેઇટ ક્વાર્ટ્ઝ ઘડિયાળ આવતાની સાથે સફળ રહી હતી. એ જ રીતે ટાઈટન એટલે એસ્થેટીક ડીઝાઈન, ક્વોલીટી અને સ્ટાઇલ સ્ટેટમેન્ટ તરીકે સફળ થતી રહી.

ડીસ્ટ્રીબ્યુશન માટે એમણે HMT કરતાં થોડો આધુનિક રસ્તો અપનાવ્યો. ફક્ત ઘડિયાળીની દુકાન કે એક્સ્ક્લુઝીવ શો રૂમ ઉપરાંત એમણે જ્વેલરી શૉપ, મલ્ટી બ્રાન્ડેડ ક્લૉથ સ્ટોર અને કીઓસ્ક દ્વારા પણ વધુ એગ્રેસીવ રીતે બજારમાં છવાતા રહ્યા.

HMT પાસે આવડી લોકપ્રિય અને મજબૂત બ્રાન્ડ હોવા છતાં અન્ય પ્રોડક્ટ લાઈન વિકસાવવામાં તેઓ ઉદાસ રહ્યા. એની સામે ઓલ્વીન અને ટાઈટન દ્વારા સ્પોર્ટ્સ વોચ, સ્પોર્ટ્સ ગીયર્સ જેમ કે ચશ્મા, સન ગ્લાસીસ વગેરે દ્વારા બ્રાન્ડને વધુ વિકસાવતા રહ્યા.

આકર્ષક પેકેજીંગ, ક્વાર્ટ્ઝ ટેક્નોલૉજીમાં તમામ પ્રોડક્ટ, પ્રોડક્ટ ઇનૉવેશન, સ્લીક ડિઝાઇન અને પર્યાપ્ત સપ્લાય. આ ત્રણ મુદ્દે હરીફ એચ એમ ટી કરતાં આગળ રહ્યા.

પદાર્થ પાઠ:

મોનોપૉલી કાયમી નથી. હરીફાઈ અને હરીફને સમજવું, અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે.

પ્રોડક્ટ ઇનૉવેશન, માર્કેટ ઇનૉવેશન અને બદલાતા સમય સાથે નહી ચાલીએ તો પ્રગતિ સંભવ નથી બજારમાંથી બહાર નીકળવાનો રસ્તો ખુદ જ બનાવીએ છીએ

કન્વેન્શલ રસ્તાઓ ઉપરાંત નવા રસ્તાઓ શોધતા રહેવું પડશે.

પેકેજીંગ, ક્વોલીટી અને આફ્ટર સેલ્સ એ મહત્વની બાબત છે.

 

આ જ પરિસ્થિતિ કોઈ પણ વ્યવસાયને લાગુ પડે છે. નજર હટી, દુર્ઘટના ઘટી.

બદલાતી પરિસ્થિતિમાં બજાર, ગ્રાહકોની પસંદગી અને એને અન્ય ક્યા ઑપ્શન ઉપલબ્ધ છે, નવીનતા, પેકેજીંગ, પ્રોડક્ટ દ્વારા ગ્રાહકોને શું ફાયદા થાય છે આ મુદ્દાઓનો તલસ્પર્શી અભ્યાસ અને સતત અભ્યાસ જ વ્યવસાયમાં અગ્રેસર રાખશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top