ગુજરાત ટુરિઝમ ક્ષેત્રમાં કેમ વારંવાર બસ ચૂકી જાય છે?
01/22/2021
Magazine
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ટુરીઝમ વિકસાવવા અનેક પગલાંઓની જાહેરાત થઈ. એ કાંઇ નવું છે? એમ તો ૨૦૧૦માં અમિતાભ બચ્ચને કહેવાની શરૂઆત કરી કે કુછ દિન તો ગુજારીએ ગુજરાત મેં. પણ કેટલા આવ્યા એ પછી? અને આવ્યા એમનો અનુભવ કેવો હતો?
રાત્રે ૧૧.૧૫ કલાક ગુજરાતની એક હોટેલમાં થયેલ સંવાદો :
મહેમાન : હેલ્લો રૂમ સર્વિસ, રૂમ નંબર ૩૧૨ માં એક બોટલ પાણી મોકલાવશો પ્લીઝ?
રૂમ સર્વિસ : આ કાંઈ ટાઇમ છે પાણી મંગાવવાનો? વહેલા ન મંગાવી લેવાય?
અન્ય કોઇ ગુજરાતના શહેરમાં થયેલો સંવાદ
સવારે આઠ વાગ્યે પૂછયું કે બ્રેકફાસ્ટ કેટલા વાગે સર્વ કરશો?
જવાબ મળ્યો એ સવારે નવ પછી જ હોય. હમણાં પૂછપરછ ન કરવી!
ઉપરોક્ત એ કાલ્પનિક સંવાદ નથી. પ્રત્યક્ષ અનુભવીઓના મોઢે સાંભળેલ છે. (અને ખુદ અનુભવેલ છે)
આ પરિસ્થિતિ કોઈ ગૌરવની તો વાત નથી જ.
ગુજરાતમાં વાઇલ્ડ લાઇફ નેશનલ પાર્ક છે.
ગુજરાતમાં મરીન નેશનલ પાર્ક છે.
ગુજરાતમાં હેરિટેજ વારસો છે.
ગુજરાતમાં જંગલ, રણ, ૧૬૦૦ કિલોમીટર સમુદ્ર તટ ત્રણેયનું કોમ્બીનેશન છે.
ગુજરાતમાં મેળા, સાંસ્કૃતિક વારસા છે.
ગુજરાતમાં પ્રસિદ્ધ યાત્રાધામ આવેલા છે.
... અને હવે તો વિશ્વ પ્રસિદ્ધ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પણ છે!
આટલું હોવા છત્તાં પ્રવાસીઓ આપણા રાજ્યમાં કેમ નથી આવતા? દારૂનું બહાનું ન કાઢશો. દારૂબંધી છે એટલે નથી આવતા. એ ખોટી માન્યતાઓ છે.
બીજી તરફ હાલમાં જે ગુજરાત ફરવા આવે છે એમાં યાત્રાળુઓ વધારે હોય છે. જેમ કે દ્વારકા, સોમનાથ અને પાલિતાણા જેવા સુપ્રસિદ્ધ પવિત્ર યાત્રાધામની મુલાકાત સમગ્ર દેશમાંથી લોકો આવે છે. પણ એમનો હોસ્પિટાલિટી અનુભવ કેવો? અને જો એને સરખું પ્રોફેશનલ રીતે અપનાવીને આગળ વધારીએ ગુજરાતમાં કેટલી રોજગારી સર્જાય? આખી વાત અકલ્પનીય છે.
આજે આના વિષય પર કરીએ માંડીને વાત.
ઉપરોક્ત પ્રશ્નના વિગતવાર જવાબ પહેલાં કેટલીક આંખો (અને મગજ પણ) ઉઘાડી નાખે એવી સત્ય હકીકત.
૨૦૧૮ના આંકડા અનુસાર ભારતના GDP માં ટુરીઝમ અંદાજે ૯.૨% યોગદાન આપે છે, જે રકમ થાય ૧૬.૯૧ લાખ કરોડ રૂપિયા. અને એને કારણે ૪.૨૭ કરોડ લોકોને રોજગારી આપે છે. અર્થાત્ કુલ રોજગારીના ૮.૧% આ ક્ષેત્ર રોજગારી આપે છે. ભારતમાં પાંચ સૌથી વધારે વિદેશી પ્રવાસીઓને આકર્ષતા શહેરની યાદીમાં, પ્રથમ ક્રમ ન્યુ દિલ્હી, પછી મુંબઈ, ચેન્નાઈ, આગરા અને જયપુર છે. Travel & Tourism Competitiveness Report 2019 એવું દર્શાવે છે કે ભારતનો ક્રમાંક સુધરતો જાય છે. ૧૩૪ દેશોમાં ભારતનો ક્રમાંક ૩૪ નંબર છે જે ૨૦૧૭ કરતાં ૬ અંક ઉપર આવ્યો છે. (Data Source: Indian Tourism Statistics 2018)
વિદેશીઓ કે ભારતીય લોકો માટે શ્રેષ્ઠ ટુરિસ્ટ સર્કિટમાંની એક ગોલ્ડન ટ્રાયેન્ગલ છે. દિલ્હી, આગરા અને જયપુર. અહીં જયપુર એટલે માત્ર જયપુર નહિ, પણ સમગ્ર રાજસ્થાન ટેરેટરી. અહીં સ્પેન, પોર્ટુગલ, કોરિયા, ચાઇના અને જાપાન ઉપરાંત અન્ય અનેક દેશોના અનેક ટુરિસ્ટસ્ નજરે ચડતા રહે છે.
વેલ કોઈ તો કારણ છે કે રાજસ્થાન એમને આકર્ષે છે. આમ તો ઘણા બધા કારણો છે. હેરિટેજ, પેલેસ, મેળા, ફુડ, રણ, કલ્ચર અને અન્ય. આ બધું જ ગુજરાતમાં છે. ફરક જો હોય તો એ છે ટુરિસ્ટ ફ્રેન્ડલી વાતાવરણ અને હોસ્પિટાલિટી કલ્ચર. ટુરિસ્ટ માટેનું મુળભુત ઇન્ફ્રાસ્ટ્ર્ક્ચર તો લગભગ હવે બધે જ છે.
ખાનગી ટુર ઓપરેટર્સ, હોટેલ્સ, રેસ્ટોરન્ટસ અને ટ્રાવેલ ગાઈડ્સ (અંગ્રેજી ઉપરાંત ચાઈનીઝ, ફ્રેન્ચ, પોર્ટુગીઝ, સ્પેનીશ, જાપાનીઝ અને કોરીયન પ્રોફેશનલ બોલી શકતા પ્રોફેશનલ ગાઈડ અને વેપારીઓ) આ બધી જ બાબતો રાજસ્થાનને ટુરીઝમ ક્ષેત્રમાં ગુજરાત કરતાં એક કદમ આગળ રાખે છે. અહીં સરકારી ઇન્ટર્વેન્શન બહુ ઓછું દેખાય છે. બધું પ્રાઇવેટ સંચાલિત નજરે ચડે. યસ, સરકારી એક્રીડીએશન ગાઇડ્સ માટે હોય છે.
શહેરમાં મની ઍક્સ્ચેન્જની પૂરતી અને ઝડપી સગવડ, લકઝરી હોટેલ્સ, બજેટ હોટેલ્સ, હોસ્ટેલ્સ, હોમ-સ્ટે, બેકપેકર્સ સ્ટે વગેરે પણ ટુરિસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમા જ ગણાય.
વિદેશીઓ માટે નવેમ્બરથી જાન્યુઆરી (હવામાન અનુકૂળતા માટે) શ્રેષ્ઠ સીઝન ગણાય છે. એમને ઐતિહાસિક સ્થાન ઉપરાંત સમુદ્ર તટનું આકર્ષણ હોય છે. ભારતમાં ગોવા કે કેરળ એ વિદેશીઓને આકર્ષણનું મહત્વનું કેન્દ્ર છે. આ ઉપરાંત કોંકણ કિનારો કે પૂર્વમાં વિશાખાપટ્ટનમ, ઓડીશા વગેરે સ્થળોએ અસંખ્ય દેશી વિદેશી સહેલાણીઓ આવે છે.
ગુજરાત પાસે ૧,૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો છે પણ...
ગુજરાતની એક વિશેષતા છે. ૧૬૦૦ કિલોમિટરનો દરિયા કાંઠો. દેહરી બીચ - ઉંમરગામથી કોટેશ્વર - કચ્છ સુધી. આ ૧૬૦૦ કિલોમીટર લાંબા કાંઠા ઉપર અનેક સુંદર સ્થળો છે. દેહરી બીચ ઉંમરગામથી શરૂ કરો એટલે ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક મહત્વ ધરાવતા અનેક સ્થાનો આવે, જેમ કે સંજાણ બંદર, ઉદવાડા, ગાંધીજીની સુપ્રસિદ્ધ દાંડી યાત્રા વાળું દાંડી અને છેલ્લે લખપતનો કિલ્લો કચ્છમાં એમ અનેક શ્રેષ્ઠ સ્થળો છે.
ગુજરાતનો ૧૬૦૦ કિલોમીટર લાંબો દરિયા કિનારો કેટલા પ્રવાસીઓને આકર્ષી શકવા સક્ષમ છે? તીથલ હોય કે ઉભરાટ, અહેમદપુર માંડવી કે દ્વારકા ઓખા વચ્ચેના બીચ, ગોપનાથ, મહુવા, હર્ષદ - મિયાણી, માંડવી કચ્છ કે પછી માધવપુર ઘેડ થી પોરબંદર.. બીજા અનેક છે અને ખૂબ જ સુંદર છે. મહી, નર્મદા, ભાદર વગેરે નદીઓ જ્યાં સમુદ્રમાં ભળે છે તે પણ ઉમદા સ્થળો છે. તેમ છતાં ધારેલા વિદેશી સહેલાણીઓને બહુ આકર્ષી શકતા નથી!
એ વાતની નવાઈ લાગે છે કે ગુજરાતના કોઈ પણ બીચ આસપાસ સારા રીસોર્ટ્સ નથી. વોટર સ્પોર્ટ્સની સગવડ નથી. અને આપણે ક્યારેય ક્રુઝ કે સમુદ્રની સહેલ માટે સગવડ નથી વિકસાવી / વિચારી. હકીકતે પ્રવાસન ક્ષેત્રે આપણે મળેલી તકો વેડફી રહ્યા છીએ. ટુરીઝમનો વિકાસ થવાથી રોજગારીની, વ્યવસાયની, સમૃદ્ધિની અને પ્રસિદ્ધિની અનેક તક રહેલી છે.
ગુજરાત ટુરીઝમની વેબસાઈટ ઉપર ૨૨ બીચનો ઉલ્લેખ છે. એમાં ફક્ત ગોપનાથ બીચ પર જ રહેવાની વ્યવસ્થા જણાય છે. બાકી સરકારી હોલીડે-હોમની હાલત વિશે લખવા જેવું નથી. પોરબંદરનો હોલીડે-કૅમ્પ બિલકુલ સમુદ્ર કાંઠા પર જ છે. દરેક રૂમની બાલ્કની સી-વ્યુ છે. પણ અત્યંત કંગાળ હાલત મેં થોડા વરસો પહેલાં જોઈ હતી. ચ્હા કે બ્રેડ-બટર જેવી બાબતો માટે પણ લાંબી રાહ જોવી પડે છે. ચોરવાડનો પેલેસ અત્યારે ખંડેર છે.
આ ઉપરાંત ગુજરાતી નાવિકોનો સદીઓનો ઇતિહાસ - વહાણ બાંધકામ કળા, નેવીગેશનની જુની પદ્ધતિઓ, પરંપરાગત સાધનો વગેરેને એક જગ્યાએ સાચવી શકે એવું મ્યુઝિયમ પણ ક્યાંય નથી! અપવાદ રૂપ અને એ પણ ગુજરાત બહાર મુંબઈમાં પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમમાં મેરીટાઈમ ગલેરી છે. અને એમાં માલમની ડાયરી, ગુજરાતના બંદરનો ઇતિહાસ અને અન્ય ઘણા બધા મોન્યુમેન્ટ્સ સચવાયેલા છે.
વેલ ઘણી તક રહેલી છે. ડ્રાય સ્ટેટ છે એ બહાનું છે. જો સગવડ મળે તો ગોવા કે કેરળ જતો ઘણો વર્ગ રાજ્યમાં જ આ મેળવી શકે છે. ગોવા, કેરળ, કોંકણ કિનારો કે પૂર્વમાં વિશાખાપટ્ટનમ, ઓડીશા વગેરે સ્થળોએ અસંખ્ય દેશી વિદેશી સહેલાણીઓ આવે છે. પણ ૧૬૦૦ કિલોમીટર કાંઠો ધરાવતા ગુજરાતમાં કેટલા આવે છે?
ગીરનું જંગલ વિશેષ ઉલ્લેખ માંગે છે. રિસોર્ટના નામ ઉપર ફાર્મ હાઉસ, સર્વિસના નામ પર શૂન્ય! હાઇજીન અને ફુડ ક્વોલીટી વિશે કોઇ સ્ટાન્ડર્ડ નહી. આ પરિસ્થિતિમાં ટુરીઝમ કેમ વિકસે?
ગુજરાતના લગભગ શહેરો અને જિલ્લાઓ આમ તો સોનાની ખાણ પર બેઠાં છે. અમિતાભ બચ્ચન બોલાવશે કે “કુછ દિન ગુજારીયે ગુજરાત મેં” તો પ્રવાસી કદાચ એક વખત આવશે. પરંતુ સારા અનુભવો અને આતિથ્ય એને વારંવાર લાવશે. પ્રોફેશનલ અભિગમ ધરાવતા હોટેલ્સ, રેસ્ટોરન્ટસ, વેપારીઓ, ટૅક્સી અને રિક્ષા ચાલકો મેદાનમાં આવશે તો જ આ શક્ય બનશે.
“અતિથિ દેવો ભવ:” તો જ યથાર્થ પુરવાર થાય અને તો જ એમના પગે વધુ સમૃદ્ધિ આવશે.
અસ્તુ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp