ઘરેલુ ક્રિકેટમાં 27 સદી, 50ની એવરેજ, રનોના ઢગલા... આખરે આ ખેલાડીને મળ્યો 'ન્યાય'
Border Gavaskar Trophy 2024: ઓસ્ટ્રેલિયા સામેની 5 મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી માટે 18 સભ્યોની ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી છે. 22 નવેમ્બરથી શરૂ થનારી આ શ્રેણી માટે ટીમમાં અભિમન્યુ ઇશ્વરન, હર્ષિત રાણા અને નીતિશ રેડ્ડી જેવા ઘણા યુવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમાંથી ઘણા ખેલાડીઓ પ્રથમ વખત ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જશે. બંગાળના ઓપનર ઇશ્વરનને નામે ઘરેલુ ક્રિકેટમાં 7000થી વધુ રન છે અને તે ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝ માટે રોહિત શર્મા અને યશસ્વી જાયસ્વાલ સાથે રિઝર્વ ઓપનર તરીકે ટીમ સાથે પ્રવાસ કરશે.
આ પહેલીવાર નથી કે જ્યારે ઇશ્વરને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું હોય. ઇશ્વરનને અગાઉ પણ ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને અત્યાર સુધી ટેસ્ટમાં પદાર્પણ કરવાની તક મળી નથી. એવામાં, આ વખતે આશા છે કે ઘરેલુ ક્રિકેટમાં 27 સદી ફટકારનાર આ બેટ્સમેનને ડેબ્યૂ કરવાની તક મળશે. ઘરેલું ક્રિકેટમાં ઇશ્વરનનો સર્વોચ્ચ સ્કોર 233 રન છે.
ઇશ્વરન રણજી ટ્રોફી અને અન્ય ટૂર્નામેન્ટમાં ઉત્તમ રેકોર્ડ સાથે ડોમેસ્ટિક ક્રિકેટમાં સૌથી સફળ બેટ્સમેનોમાંથી એક રહ્યો છે. મોટો સ્કોર કરવાની અને ઇનિંગ્સને સંભાળવાની તેની ક્ષમતાએ તેને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન આપ્યું છે. ઇશ્વરન અત્યાર સુધી ડોમેસ્ટિક ક્રિકેટમાં કુલ 99 ફર્સ્ટ ક્લાસ, 88 લિસ્ટ A અને 34 T-20 મેચ રમી ચૂક્યો છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 169 ઇનિંગ્સમાં 49.92ની એવરેજથી 7638 રન બનાવ્યા છે, જ્યારે લિસ્ટ Aની 86 ઇનિંગ્સમાં તેણે 47.49ની એવરેજથી 3847 રન બનાવ્યા છે. ઇશ્વરને અત્યાર સુધી જે 34 T20 મેચો રમી છે તેમાં 37.53ની એવરેજથી 976 રન બનાવી ચૂક્યો છે.
રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રીત બુમરાહ (વાઇસ-કેપ્ટન), યશસ્વી જાયસ્વાલ, અભિમન્યુ ઇસ્વરન, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, ઋષભ પંત (વિકેટકીપર), સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, નીતિશ કુમાર રેડ્ડી, વોશિંગ્ટન સુંદર.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp