રોગની સાધ્યતા-અસાધ્યતા અંગેનું આયુર્વેદનું આગવું દર્શન તમે જાણો છો?

રોગની સાધ્યતા-અસાધ્યતા અંગેનું આયુર્વેદનું આગવું દર્શન તમે જાણો છો?

12/28/2020 Magazine

વૈદ્ય પાર્થ ઠક્કર
આયુર્ગાથા : આયુર્વેદની જાણી-અજાણી વાતો
વૈદ્ય પાર્થ ઠક્કર
MD (Ayurved), Ayurved Medical Officer, Class-II

રોગની સાધ્યતા-અસાધ્યતા અંગેનું આયુર્વેદનું આગવું દર્શન તમે જાણો છો?

સામાન્ય રીતે આયુર્વેદના બહુ ઉત્સાહી અને ભાવનાશીલ પ્રેમીઓ એવો પ્રચાર કરતા હોય છે, કે આયુર્વેદમાં બધા અસાધ્ય રોગોનો ઈલાજ છે. પણ આવો પ્રચાર આયુર્વેદ માટેના પ્રેમથી ભરેલો હોવા છતાં, અને કઇંક અંશે સાચો પણ હોવા છતાં અતિશયોક્તિપૂર્ણ અને ગેરમાન્યતા ઊભી કરે એવો છે. આમાં સમજદાર વ્યક્તિ આયુર્વેદથી વિમુખ થવાની શક્યતા રહે છે અને સામાન્ય વ્યક્તિ ભ્રમિત થઈને ગેરમાર્ગે દોરાવાની શક્યતા રહે છે. આ બંને શક્યતામાં લોકોને, પ્રજાને- સાચું આયુર્વેદ ઓળખાવાની અને સમજાવાની શક્યતા દૂર ચાલી જાય છે.

હવે અસાધ્ય રોગોની વાત કરીએ, તો આ આખી બાબત ટેકનિકલ છે અને એને ટેકનિકલી જ સમજવી પડે. કઈ રીતે? ચાલો સમજીએ. એવું જરૂરી નથી કે સામાન્ય લોકસમજમાં, સામાન્ય જનમાનસમાં કે પછી અન્ય સારવાર-પદ્ધતિઓની દ્રષ્ટિએ જે રોગ અસાધ્ય ગણાતો હોય એ આયુર્વેદ માટે પણ અસાધ્ય હોય. એ દ્રષ્ટિએ ઘણા અસાધ્ય “ગણાતા” રોગોની આયુર્વેદ દ્વારા બહુ સારી સારવાર શક્ય છે જ.

પણ.. પણ.. પણ.. કોઈ રોગ સાધ્ય છે કે અસાધ્ય એ નક્કી કરવા માટે આયુર્વેદનું પોતાનું એક દર્શન છે. એ બીજી કોઈ સારવાર પદ્ધતિની નજરે કે લોકોની નજરે નહીં, આયુર્વેદની નજરે જ સમજી શકાય. આયુર્વેદની સંહિતાઓમાં રોગોની સાધ્યતા-અસાધ્યતા એટલે કે “પ્રોગ્નોસિસ” નક્કી કરવા માટે વિસ્તૃત સમજણ અપાયેલી છે, જે એક વૈદ્યના સમજવા માટે છે. આ બાબતોને વૈદ્યને સારવાર કઈ દિશામાં અને કઈ રીતે આગળ વધી શકે અને કેટલી હદ સુધી દર્દીના રોગમાં અને એના શરીરમાં સુધારો શક્ય છે એનું વિઝન ક્લિઅર કરવામાં મદદરૂપ બની શકે એવી ગાઈડલાઇન્સ કહી શકાય.

ચરકસંહિતામાં सूत्रस्थान ના દશમા અધ્યાય “महाचतुष्पाद”માં અને અષ્ટાંગહ્રદયમાં सूत्रस्थान ના પહેલા અધ્યાય “आयुष्कामीय”માં રોગોની સાધ્યાસાધ્યતાનું વર્ણન જોવા મળે છે. આચાર્ય ચરક એવું કહે છે, કે “જે વૈદ્ય રોગોની સાધ્યતા-અસાધ્યતાના ભેદ વિષે નથી જાણતો અને એની સાધ્યતા-અસાધ્યતા વિષે વિચાર કર્યા વગર જ ચિકિત્સા કરવા લાગી જાય છે, એની ચિકિત્સા નિષ્ફળ જવાથી એ અર્થ (ધન), યશ, પ્રતિષ્ઠા અને વિદ્યાને ગુમાવે છે અને નિંદાને પાત્ર બને છે.” 

આ મુજબ રોગોની સાધ્યાસાધ્યતા બે પ્રકારની હોય- સાધ્ય અને અસાધ્ય. સાધ્ય અને અસાધ્ય બંને વ્યાધિઓના પાછા બે-બે પ્રકાર છે: સાધ્ય વ્યાધિના બે પ્રકાર છે- સુખસાધ્ય અને કૃચ્છ્રસાધ્ય/કષ્ટસાધ્ય. અસાધ્ય વ્યાધિના પણ બે પ્રકાર છે - યાપ્ય અને અનુપક્રમ/પ્રત્યાખ્યેય.


(1) સુખસાધ્ય :

“સુખસાધ્ય” રોગ એટલે એવી પરિસ્થિતિ જેમાં રોગની સારવાર કરવામાં વૈદ્યને કે દર્દીને ખાસ કોઈ તકલીફ કે મહેનત ન પડે, અને સરળતાથી, સામાન્ય સારવારથી રોગ સારો થાય.

આવું ક્યારે થાય? તો એ પણ કહ્યું છે.

- રોગીનું શરીર અને મન બધા પ્રકારની ચિકિત્સા પ્રક્રિયા અને ઔષધને સહન કરવા માટે સક્ષમ હોય. આ એટલા માટે જરૂરી છે કે રોગી ઔષધથી કે સારવારની કોઈ પ્રક્રિયાથી દ્વેષ કે અરુચિ કરશે, કે એને સહન નહીં કરી શકે, તો એ ચિકિત્સાની સફળતામાં બાધારૂપ બનશે. આ વસ્તુ આયુર્વેદ પ્રેક્ટિસ કરતા મોટા ભાગના વૈદ્યો અનુભવે છે કે દર્દીઓ અમુક ઔષધ (ખાસ તો ક્વાથ/ઉકાળા અને ચૂર્ણ/પાવડર) સરળતાથી લેતા નથી કાં તો લેતા જ નથી. “દવા”માં પણ દર્દીને “સ્વાદ” અને “રુચિકારકતા” જોઈતી હોય છે. જો ઔષધ પ્રત્યે અરુચિ કે દ્વેષ રાખશે તો એ ઔષધને એનું શ્રેષ્ઠ કામ કરવામાં બાધક બનશે.

- રોગી જિતાત્મ હોય. જિતાત્મ રોગી એટલે જે પોતાના પર નિયંત્રણ રાખી શકે. એવો રોગી એને નિર્દેશ કરવામાં આવેલી પરેજીનું પાલન યોગ્ય રીતે કરી શકશે.

- રોગ મર્મસ્થાન પર ઉત્પન્ન થયેલો ન હોય. મતલબ કે આધુનિક ભાષામાં કહીએ તો રોગ શરીરના વાઇટલ પાર્ટ્સ કે અંગો (જેમ કે હ્રદય, મસ્તિષ્ક, કિડની વગેરે) માં થયેલો ન હોય.

- રોગના ઉત્પાદક કારણો બહુ ઘણા ન હોય. રોગને ઉત્પન્ન કરનારા કારણો જેટલા વધુ હશે એટલો એ રોગ વધુ તીવ્ર બનશે અને એ દરેક કારણ સામે લડવું જરૂરી બનવાના કારણે એની સારવાર મહેનત માંગી લેશે.

- જે રોગના કોઈ ઉપદ્રવ (કોમ્પ્લિકેશન) હજી ઉત્પન્ન ન થયા હોય.

- જેમાં દૂષ્ય, દેશ, ઋતુ, પ્રકૃતિ સમાન ન હોય. (આ મુદ્દો વધારે ટેકનિકલ છે અને એ સમજવા માટે આખો અલગ લેખ જરૂરી છે. એક સામાન્ય ઉદાહરણ પ્રકૃતિ માટે આપું, તો વાતપ્રકૃતિના રોગીને વાતજ રોગ થાય તો કષ્ટસાધ્ય અને પિત્તજ રોગ થાય તો સુખસાધ્ય બને. આવા દરેક બાબત માટેના અનેક સ્પેસિફિક ક્રાઇટેરિયા છે.)

- ચિકિત્સા ચતુષ્પાદ એના સંપૂર્ણ ગુણોથી યુક્ત હોય. આની ચર્ચા આપણે ગયા સોમવારે કરી. (લિંક)

- રોગ એક જ દોષથી ઉત્પન્ન થયેલો હોય અને એકમાર્ગગત હોય.

- રોગ નવો હોય. નવો મતલબ તાજો થયેલો હોય. જેટલો રોગ જૂનો થશે, એટલી એની ચિકિત્સા દુષ્કર થશે.

 

(2) કૃચ્છ્રસાધ્ય (કષ્ટસાધ્ય) :

સુખસાધ્ય રોગની અવસ્થામાં જો યોગ્ય ચિકિત્સા ન થાય તો એ કષ્ટસાધ્ય બનવા લાગે. કષ્ટસાધ્ય રોગ એટલે એવી પરિસ્થિતી, જેમાં રોગ સરળતાથી મટે નહીં. કષ્ટસાધ્ય રોગમાં “સુખસાધ્ય”ના આગળ કહ્યા એમાંના અમુક લક્ષણો હોય અને અમુક ન હોય. આ અવસ્થામાં રોગને સંપૂર્ણ સારો કરવા માટે યંત્રકર્મ, શસ્ત્રકર્મ, ક્ષારકર્મ, અગ્નિકર્મ તેમજ વિષપ્રયોગો કરવા પડે. ટૂંકમાં કહીએ, તો રોગ મટે ખરો, પણ એ માટે વૈદ્યને અને રોગીને બંનેને મહેનત કરવી પડે, તકલીફ ઉઠાવવી પડે.

 

(3) યાપ્ય :

“યાપન” એટલે મેન્ટેન કરવું. “યાપ્ય” વ્યાધિ એને કહેવાય જેમાં મોટાભાગના લક્ષણો “સુખસાધ્ય”ના લક્ષણોથી વિપરીત હોય પણ નિયમિતપણે ઔષધો લેવા પર અને આહાર-વિહારની યોગ્ય પરેજીનું આજીવન પાલન કરવા પર રોગીની ક્વોલિટી ઓફ લાઈફ જળવાઈ રહે. એ રોગ સાથે રોગી આરામથી, ઓછામાં ઓછી તકલીફમાં જીવી શકે. જો કષ્ટસાધ્ય અવસ્થામાં પણ યોગ્ય ચિકિત્સા ન થાય તો રોગ યાપ્ય તરફ જઇ શકે. યાપ્ય રોગ શરીરમાં ઊંડે સુધી ઘર કરી ગયો હોય છે અને શરીરની અનેક ધાતુઓમાં ફેલાઈ ગયેલો હોય છે. આમાં રોગ પૂર્ણપણે મટતો નથી પણ સ્વાસ્થ્યની અને શરીરની મહત્તમ શક્ય હોય એટલી જાળવણી કરી શકાય છે. એટલે યાપ્ય વ્યાધિને અસાધ્યની અંતર્ગત ગણવામાં આવ્યા છે.

 

(4) અનુપક્રમ/પ્રત્યાખ્યેય :

છેલ્લે આવે છે રોગની “સર્વથા અસાધ્ય” અવસ્થા. જેમાં કઇં પણ કરવાનો અર્થ ન હોય અને દર્દીનું મૃત્યુ કે એનો રોગ સારો નહીં જ થાય એ નિશ્ચિત થઈ જાય. જ્યારે આ અવસ્થામાં વ્યાધિ લઈને દર્દી કે એના સગા વૈદ્ય પાસે આવે, તો વૈદ્યએ આ સ્પષ્ટીકારણ એમને આગોતરું આપી દેવું પડે. આગોતરું આ રીતે કહેવું એને “પ્રત્યાખ્યાન” કહેવાય. એટલે અનુપક્રમ વ્યાધિને ક્યાંક “પ્રત્યાખ્યેય” પણ કહ્યા છે.

***   ***   ***

આમ તો સુજ્ઞજનોને સાધ્યતાના આ ચાર પ્રકારો વિષે વાંચીને સમજાઈ જ ગયું હશે, કે આયુર્વેદમાં રોગની સાધ્યતા-અસાધ્યાતા રોગપરક નથી. આ રોગ સાધ્ય, આ રોગ કષ્ટસાધ્ય , આ રોગ યાપ્ય અને આ રોગ અસાધ્ય – એવું લિસ્ટિંગ આયુર્વેદમાં નથી. (અપવાદ- સહજ પ્રમેહ, સહજ અર્શ જેવી બહુ રેર કન્ડિશન “અસાધ્ય રોગ” તરીકે કહી છે.) પણ અહીં રોગની સાધ્યતા-અસાધ્યતા રોગની અવસ્થાપરક છે. રોગ પોતે એના નામથી નહીં, પણ રોગની અવસ્થા અને અન્ય પરિસ્થિતિઓ પરથી સુખસાધ્ય, કષ્ટસાધ્ય, યાપ્ય કે અસાધ્ય બને છે. સામાન્ય શરદી કે ખાંસી પણ યોગ્ય ચિકિત્સાના અભાવે અસાધ્ય બની શકે અને રાજ્યક્ષ્મા (ક્ષય) જેવા ગંભીર રોગ પણ શરૂઆતની અવસ્થામાં સુખસાધ્ય હોય એવું પણ બને.

આ આખી સમજણ વિષે જાણ્યા પછી બે મહત્વના મુદ્દા સામાન્ય પ્રજાએ સમજવાના છે:

પહેલો મુદ્દો- કોઈ તમને આયુર્વેદના નામે એમ કહે કે અમે બધા પ્રકારના અસાધ્ય, જૂના, હઠીલા રોગોને મટાડી આપવાની 100% ગેરંટી આપીએ છીએ તો એ ખોટું છે. એક વિજ્ઞાન અને એ વિજ્ઞાનને વૈજ્ઞાનિક સમજણથી ભણેલો વૈદ્ય આવું સ્ટેટમેન્ટ રોગ અને રોગીની અવસ્થા જોયા-જાણ્યા વગર ક્યારેય આપી જ ન શકે. અને મોટા ભાગે કોઈ ડિગ્રીધારી અને ક્વોલિફાઇડ વૈદ્ય ઓથેન્ટિક આયુર્વેદ પ્રેક્ટિસ કરતા હોય એ આવું ક્યારેય કહે પણ નહીં. જો કોઈ એવું કહે તો એ આયુર્વેદ ભણેલા સાચા વૈદ્ય ન હોય. પણ એ લેભાગુ તત્ત્વો હોવાની શક્યતા વધારે છે. એમનો વિશ્વાસ ન કરવો વધુ હિતાવહ છે. આ વસ્તુ રોગી અને જોયા-તપાસ્યા વગર રોગને 100% મટાડવાનો દાવા કરતા લોકો અને વૈદ્યને બતાવ્યા પહેલાં જ એની પાસે સીધી રોગ મટાડી આપવાની 100% ગેરંટી માંગનાર દર્દીઓ અને એના સગા– બંનેએ સમજવી જરૂરી છે. એટલે આયુર્વેદ અસાધ્ય “ગણાતા” રોગોમાં સારું પરિણામ આપી શકે, પણ જે રોગ આયુર્વેદના પોતાના ક્રાઇટેરિયા અનુસાર “અસાધ્ય” અવસ્થામાં પહોંચી ચૂક્યા હોય એમાં સારું, ધારેલું પરિણામ મળવું અઘરું છે.

બીજો મુદ્દો- સુખસાધ્યના લક્ષણોમાં આપણે જોયું કે રોગ જેટલો નવીન હોય, તાજો થયેલો હોય, એટલો એ સુખસાધ્ય હોય છે. આજે આયુર્વેદ સારવાર પસંદ કરતા 90% દર્દીઓના રોગ સુખસાધ્ય અવસ્થામાં હોતા જ નથી. લોકો અનેક જગ્યાએ ફેર ન પડ્યા પછી, રોગ વધારે ખરાબ થઇ ગયા પછી, કષ્ટસાધ્ય, યાપ્ય કે અસાધ્ય અવસ્થામાં પહોંચી ગયેલા રોગો લઈને વૈદ્ય પાસે પહોંચે છે. તેમ છતાં એમનામાં આયુર્વેદ સારવારના ઉત્કૃષ્ટ પરિણામો તો જોવા મળે જ છે. જો આ મુદ્દે થોડી વધુ જાગૃતિ આવે અને દર્દીઓ પોતાના રોગની સુખસાધ્ય અવસ્થામાં જ આયુર્વેદ સારવાર સિલેક્ટ કરતા થાય, તો રોગોના ઘણા કોમ્પ્લિકેશન્સથી પણ બચી શકાય અને આયુર્વેદના અત્યાર સુધી પ્રજાએ જોયા છે એના કરતાં પણ વધારે ઉત્કૃષ્ટ પરિણામોના સાક્ષી બની શકાય. વિચારજો.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top