છત્તીસગઢમાં પણ દારૂનું કૌભાંડ થયું? જાણો પૂર્વ CM ભૂપેશ બઘેલના ઘરે પડેલા ED દરોડામાં શું-શું મળ્યું
સોમવારે (10 માર્ચ, 2025), એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ છત્તીસગઢમાં કથિત દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગના કેસમાં પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલના ઘર પર દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયાન EDએ 30 લાખ રૂપિયા રોકડા, પેન ડ્રાઈવ અને કેટલાક દસ્તાવેજો જપ્ત કર્યા છે. EDએ આ કેસમાં રાજ્યભરમાં 14 સ્થળોએ દરોડા પાડ્યા હતા, જેમાં ભૂપેશ બઘેલના પુત્ર ચૈતન્ય બઘેલ અને તેના નજીકના સાથી લક્ષ્મી નારાયણ બંસલ (પપ્પુ બંસલ)ના સ્થળોનો પણ સમાવેશ થાય છે.
દરોડા બાદ EDની ટીમ પર હુમલાના અહેવાલો સામે આવ્યા હતા. કોંગ્રેસના કાર્યકરોએ ED અધિકારીઓને ઘેરી લીધા હતા, જેના કારણે પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી. કાર્યકર્તાઓએ EDના વાહન પર પણ પથ્થરમારો કર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે EDના ડેપ્યુટી ડિરેક્ટર સ્તરના અધિકારીની કાર પર હુમલો કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ED કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યું છે.
EDની તપાસ અનુસાર, છત્તીસગઢમાં દારૂના કૌભાંડથી રાજ્યના મહેસૂલ વિભાગને 2161 કરોડ રૂપિયાનું નુકસાન થયું. ચૈતન્ય બઘેલને કૌભાંડ સાથે જોડાયેલા પૈસા મળ્યાના પુરાવા મળ્યા છે, જેના કારણે EDએ તેમને મંગળવારે પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા છે. ગેરકાયદેસર રીતે ઉપાડેલા નાણાની જુદી જુદી સ્કીમ દ્વારા હેરાફેરી કરવામાં આવી હતી.
ભૂપેશ બઘેલનું નિવેદન
દરોડા બાદ પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે EDની કાર્યવાહીને રાજકીય ષડયંત્ર ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે ચૂંટણી દરમિયાન વિપક્ષને ડરાવવા માટે EDનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે EDની ટીમ આવી ત્યારે હું અખબારો વાંચતા ચા પીતો હતો. મેં તેમને કહ્યું કે તેમારું સ્વાગત છે અને હું મહિનાઓ અને વર્ષોથી તેમની રાહ જોઈ રહ્યો છું. મારી પત્ની, 3 પુત્રીઓ, પુત્ર, પુત્રવધૂ, પૌત્રો અને પૌત્રીઓ અહીં રહે છે. અમે ખેતી કરીએ છીએ. આ સંયુક્ત પરિવારમાં અમે 140 એકર જમીન પર ખેતી કરીએ છીએ. અમારી પાસે જે હતું તે અમે જાહેર કર્યું હતું.
વાસ્તવમાં 2018માં છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ ભૂપેશ બઘેલ મુખ્યમંત્રી બન્યા હતા. રાજ્યમાં 2019-2022 દરમિયાન દારૂ કૌભાંડની યોજના બનાવી અને અમલ કરવામાં આવ્યું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અનુસાર, આ સમગ્ર કૌભાંડ સરકારના નાકની નીચે થયું હતું, જેમાં દારૂમાંથી ગેરકાયદેસર કમાણી કરવામાં આવી હતી અને રાજ્યના મહેસૂલ વિભાગને ભારે નુકસાન થયું હતું.
EDની તપાસ મુજબ દારૂની બોટલો પર નકલી હોલોગ્રામ લગાવીને દારૂનું ગેરકાયદેસર વેચાણ કરવામાં આવતું હતું. આ માટે ઉત્તર પ્રદેશના નોઈડાની પ્રિઝમ હોલોગ્રાફી સિક્યોરિટી ફિલ્મ્સ પ્રાઈવેટ લિમિટેડને ટેન્ડર આપવામાં આવ્યું હતું. આ કંપની હોલોગ્રામ બનાવવા માટે લાયક નહોતી, પરંતુ તેમ છતા સરકારી નિયમોમાં ફેરફાર કરીને તેને ટેન્ડર આપવામાં આવ્યું હતું. છત્તીસગઢના એક વરિષ્ઠ અમલદાર સાથે કંપનીના સંબંધો હોવાનું પણ બહાર આવ્યું હતું.
આ કેસમાં કોની-કોની ધરપકડ કરવામાં આવી?
અત્યાર સુધી, EDએ આ કેસમાં IAS અનિલ ટુટેજા, કોંગ્રેસ નેતા અરુણપતિ ત્રિપાઠી અને દારૂના વેપારી અનવર ઢેબરની ધરપકડ કરી છે, જે રાયપુરના મેયરના મોટા ભાઈ છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp