બિગ બોસ કન્નડનું ઘર સીલ કરી દેવાયું, જાણો શું છે આખો મામલો
ગંભીર પર્યાવરણીય ઉલ્લંઘનનો સંદર્ભ આપતા કર્ણાટક રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (KSPCB)એ મંગળવારે બિગ બોસ કન્નડનું આયોજન કરતા સ્ટુડિયો પરિસરને તાત્કાલિક બંધ કરવાનો નિર્દેશ આપ્યો. રાજ્ય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે પોલીસને એકમ જપ્ત કરવાનો અને બેંગ્લોર ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની લિમિટેડ (BESCOM)ના મેનેજિંગ ડિરેક્ટરને સંકુલની વીજળી બંધ કરવાનો પણ નિર્દેશ આપ્યો. બિગ બોસ કન્નડ સીઝન 12ના તાજેતરના લોન્ચ પછી આ આદેશ આપવામાં આવ્યો છે. આ આદેશ બાદ હોસ્ટ કિચ્ચા સુદીપના શૉમાંથી કન્ટેસ્ટેન્ટ્સ બહાર કાઢવામાં આવશે. ઘરના દરવાજા સીલ કરવામાં આવ્યાનો એક વીડિયો પણ સામે આવ્યો છે.
સ્ટુડિયો સીલ થયા બાદ કલર્સ કન્નડે પણ ટ્વીટ કરી છે. તેણે લખ્યું કે, ‘અણધાર્યા સંજોગોને કારણે આજના બિગ બોસ એપિસોડના પ્રસારણ સમય ખોરવાઈ ગયો હતો. અમે તેના માટે માફી માગીએ છીએ. આજનો એપિસોડ હવે Jio Hotstar પર જોવા માટે ઉપલબ્ધ છે.’
6 ઓક્ટોબરના રોજ જાહેર કરાયેલી નોટિસમાં બોર્ડે વેલ્સ સ્ટુડિયો એન્ડ એન્ટરટેઈનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ (જોલી વુડ સ્ટુડિયોઝ અને એડવેન્ચર્સ)ને તાત્કાલિક અસરથી સ્થળ પરની બધી પ્રવૃત્તિઓ બંધ કરવાનો નિર્દેશ આપ્યો. સત્તાવાર સંચારમાં બોર્ડે જણાવ્યું હતું કે, ‘ઉપરોક્ત પરિસરનો ઉપયોગ મોટા પાયે મનોરંજન અને સ્ટુડિયો કામગીરી માટે કરવામાં આવી રહ્યો છે. જ્યારે જળ (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ 1974 અને હવા (પ્રદૂષણ નિવારણ અને નિયંત્રણ) અધિનિયમ, 1981 હેઠળ જરૂરી સ્થાપના અને સંચાલન માટે મંજૂરી લેવામાં આવી નથી.’
નોટિસમાં વધુમાં જણાવાયું છે કે, ‘જોવા મળેલા ઉલ્લંઘનોને ધ્યાનમાં રાખીને તમને તાત્કાલિક અસરથી સંચાલન બંધ કરવા અને નિર્ધારિત સમયગાળામાં આ કચેરીને સ્પષ્ટિકરણ પ્રસ્તુત કરવાનો નિર્દેશ આપવામાં આવે છે.’ બંધ કરવાના આદેશની નકલો રામનગર જિલ્લાના ડેપ્યુટી કમિશનર, BESCOMના મેનેજિંગ ડિરેક્ટર અને રામનગર તાલુકાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર અને આસિસ્ટન્ટ એક્ઝિક્યુટિવ એન્જિનિયર (ઇલેક્ટ્રિકલ)ને પણ આ નિર્દેશના અમલીકરણમાં તેમના સંકલનની ખાતરી કરવા માટે મોકલવામાં આવી છે.
નોટિસમાં વધુમાં ચેતવણી આપવામાં આવી છે કે, ‘આ આદેશનું પાલન ન કરવાથી સંબંધિત પર્યાવરણીય કાયદાઓ હેઠળ દંડાત્મક કાર્યવાહી થશે.’ બિગ બોસ કન્નડને સાઉથ અભિનેતા કિચ્ચા સુદીપ હોસ્ટ કરે છે. ઘાના વર્ષોથી બિદાદીમાં ખાસ બનાવેલા સેટ પર ફિલ્માવવામાં આવે છે. આ શૉ રાજ્યમાં સૌથી વધુ જોવાતા ટેલિવિઝન કાર્યક્રમોમાંથી એક છે. આ શૉ તેના વિસ્તૃત પ્રોડક્શન સ્કેલ અને ઉચ્ચ દર્શકો સહભાગિતા માટે જાણીતો છે. હવે એ જોવાનું રહેશે કે આ બંધ થવાથી શૉની સીઝન 12 પર શું અસર પડશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp