Parliament Monsoon session: ઓપરેશન સિંદૂરમાં ભારતના કેટલા ફાઇટર જેટ તોડી પડાયા? રાજનાથ સિંહે સંસદમાં આપ્યો જવાબ
Rajnath Singh: સોમવારે લોકસભામાં પહેલગામ આતંકવાદી હુમલા અને 'ઓપરેશન સિંદૂર' પર ચર્ચા શરૂ કરતા રક્ષા મંત્રી રાજનાથ સિંહે વિપક્ષ પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે વિપક્ષ માત્ર એમ પૂછી રહ્યું છે કે આપણા કેટલા વિમાનો તોડી પાડવામાં આવ્યા, પરંતુ એમ ન પુછ્યું કે, દુશ્મનના કેટલા વિમાનો તોડી પાડવામાં આવ્યા. રાજનાથ સિંહે 1971 અને 1962ના યુદ્ધો દરમિયાન વિરોધ પક્ષ તરીકે પૂછાયેલા સવાલોનો ઉલ્લેખ કર્યો હતો. રાજનાથ સિંહે કહ્યું કે અમે 1962માં ક્યારેય સેનાની બહાદુરી પર સવાલ ઉઠાવ્યો નથી. અમે ક્યારેય પૂછ્યું નથી કે કેટલા સેનાના ટેન્ક કે વિમાનો નાશ પામ્યા હતા. અમારા માટે પરિણામ મહત્ત્વનું છે, એ મહત્ત્વ ધરાવતું નથી કે પરીક્ષામાં પેન્સિલ તૂટી ગઈ કે પેન ખોવાઈ ગઈ. અસલી મહત્ત્વ પરિણામનું છે.
રાજનાથ સિંહે કહ્યું કે, ઓપરેશન સિંદૂર રોકી દેવામાં આવ્યું છે કારણ કે સેનાએ પોતાના રાજકીય અને સૈન્ય લક્ષ્યો હાંસલ કરી લીધા છે. કોઈના દબાણને કારણે 'ઓપરેશન સિંદૂર' બંધ કરવામાં આવ્યું હતું એમ કહેવું પૂરી રીતે પાયાવિહોણું છે. રાજનાથ સિંહે કહ્યું કે, પાકિસ્તાને ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ (DGMO)ના સ્તરે સંપર્ક કરીને વિનંતી કરી હતી કે કાર્યવાહી હવે બંધ કરવામાં આવે. "...પરંતુ આ રજૂઆત એ શરત સાથે સ્વીકારવામાં આવી હતી કે આ અભિયાન માત્ર બંધ કરવામાં આવ્યું છે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે આ ઓપરેશનને રોકવા માટે કોઈ દબાણ નહોતું. જો પાકિસ્તાન કંઈ નવું કરવાની હિંમત કરે છે, તો આ ઓપરેશન ફરીથી શરૂ થઈ શકે છે.
રક્ષા મંત્રીએ કહ્યું કે, ભારતીય સેનાએ પાકિસ્તાન અને PoKમાં ઉપસ્થિત 9 આતંકવાદી છાવણીઓ પર સચોટ અને સંકલિત હુમલો કર્યો. તેમાંથી 7 છાવણીઓ પૂરી રીચે તબાહ થઈ ગઈ છે. અમારી પાસે PoK અને પાકિસ્તાનની અંદર થયેલા નુકસાનના પુરાવા છે.' રાજનાથ સિંહના મતે આખું ઓપરેશન માત્ર 22 મિનિટમાં પૂર્ણ થયું હતું અને તે 'નોન-એસ્કેલેટરી' એટલે કે તણાવ વધારનારું નહોતું.
રક્ષા મંત્રીએ ગર્વથી કહ્યું કે ઓપરેશન દરમિયાન એક પણ ભારતીય સૈનિકને નુકસાન થયું નથી. તેમણે કહ્યું કે, આપણી સેનાએ ઓપરેશન અગાઉ દરેક પાસાઓનો સૂક્ષ્મતાથી અભ્યાસ કર્યો હતો અને એવી રીત પસંદ કરી હતી જેનાથી આતંકવાદીઓને મહત્તમ નુકસાન થાય પરંતુ નાગરિકોને કોઈ નુકસાન ન થાય.
રાજનાથ સિંહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે જો ફરીથી કોઈ ભૂલ કરવામાં આવશે તો ભારત ચૂપ નહીં બેસે. તેમણે કહ્યું, 'અમે એક સમયે મિત્રતાનો હાથ લંબાવ્યો હતો, પરંતુ પાકિસ્તાન તેને સમજી ન શક્યું. હવે જવાબ 'બાલાકોટ સ્ટ્રાઈક'ની ભાષામાં આપવામાં આવે છે. તેમણે એમ પણ કહ્યું કે પાકિસ્તાનના શાસકો જાણે છે કે, તેઓ ભારતીય સેના સામે જીતી નહીં શકે, એટલે તેઓ આતંકવાદનો સહારો લે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp