સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ : ઇંગ્લેન્ડ અને ભારતની વિમેન્સ ઇલેવનને યૂઝ્ડ પિચ ફાળવાતાં વિવાદ

સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ : ઇંગ્લેન્ડ અને ભારતની વિમેન્સ ઇલેવનને યૂઝ્ડ પિચ ફાળવાતાં વિવાદ

06/16/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

સાત વર્ષ બાદ ટેસ્ટ મેચ : ઇંગ્લેન્ડ અને ભારતની વિમેન્સ ઇલેવનને યૂઝ્ડ પિચ ફાળવાતાં વિવાદ

નવી દિલ્હી : ભારત અને ઇંગ્લેન્ડની વિમેન્સ ક્રિકેટ ટીમો સાત વર્ષ પછી ટેસ્ટ મેચ રમી રહી છે. આજે 16 જૂનથી ઇંગ્લેન્ડના બ્રિસ્ટલના કાઉન્ટી ગ્રાઉન્ડમાં ટેસ્ટ મેચ રમાશે. ભારતીય ટીમના કપ્તાન પદે મિતાલી રાજ રહેશે જ્યારે ઇંગ્લેન્ડની ટીમનું નેતૃત્વ હીટર નાઈટ કરશે. જોકે બંને ટીમોનો મુકાબલો શરૂ થાય એ પહેલાં જ પિચની ફાળવણીને લઈને વિવાદ સર્જાયો છે. ઇંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે મહિલા ટીમોને ફ્રેશ (નવી) પિચને બદલે યૂઝ્ડ (વપરાયેલી) પિચ ફાળવી દીધી હતી. જેને લઈને વિવાદ સર્જાતાં ઈસીબીએ માફી માગી હતી.

પિચના વિવાદને લઈને ઇંગ્લેન્ડ ટીમની કપ્તાન હીટર નાઈટે આ અંગે નારાજગી દર્શાવતાં કહ્યું હતું કે, અગાઉ વપરાયેલી પિચ ઉપર ફરીથી રમવું યોગ્ય નથી. તેણે કહ્યું કે, આ પિચનો ઉપયોગ ગયા અઠવાડિયે ગ્લૂસેસ્ટરશર ટી-20 મેચ માટે કરવામાં આવ્યો હતો. આ પિચ એક પણ રીતે ટેસ્ટ મેચ માટે આદર્શ પિચ નથી. હીટર નાઈટે આગળ કહ્યું કે, તેઓ ઇચ્છતા હતા કે તેમને ફ્રેશ પિચ મળે, પરંતુ હવે તેને આ યૂઝ્ડ પિચ કેવી રીતે વર્તશે તેની ખબર નહીં પડે. વાસ્તવમાં આ પિચ ઉપર શુક્રવારે જ સસેક્સ અને ગ્લૂસેસ્ટરશાયર વચ્ચે મેચ રમાયો હતો.

યૂઝ્ડ પિચની ભારત અને ઇંગ્લેન્ડની વિમેન્સ ટેસ્ટ શ્રેણી માટે ફાળવણી કરી દેતાં ઇંગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડ (ઈસીબી)ની ટીકા કરવામાં આવી હતી. આ વિવાદ વધતાં અંતે ઈસીબીએ સત્તાવાર રીતે માફી માગી લીધી છે. બોર્ડે કહ્યું કે, અમે એ વાતે નિરાશ છીએ કે ભારત વિરુદ્ધ રમાનારી ટેસ્ટ મેચની વિકેટ (પિચ) ઉપર 37 ઓવર રમવામાં આવી છે. અમે જાણીએ છીએ કે ઇંગ્લેન્ડની મહિલાઓ નવી પિચની હકદાર છે અને અમને ખેદ પણ છે કે અમે નવી પિચ ઉપલબ્ધ કરાવવામાં અસમર્થ રહ્યા.

જોકે ભારતીય કપ્તાન મિતાલી રાજે યૂઝ્ડ પિચની ફાળવણીનો સ્વીકાર કરતાં કહ્યું કે, અમે અહીં એક મેચ રમવા માટે આવ્યા છીએ. અમને જે પણ સ્ટ્રીપ (પિચ) મળે તેના ઉપર રમવાના અમે પ્રયત્ન કરીએ છીએ અને તેનું પરિણામ મેળવીએ છીએ. પછી તે વપરાશમાં લેવાયેલી પિચ હોય કે ફ્રેશ પિચ હોય.  


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top