શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ પર FIR, જાણો શું છે આખો મામલો
બોલિવુડના કિંગ શાહરૂખ ખાન અને અભિનેત્રી દીપિકા પાદુકોણ એક કાર કંપનીનો પ્રચાર કરીને મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. આ મામલે રાજસ્થાનના ભરતપુરના રહેવાસી કીર્તિ સિંહ નામના 50 વર્ષીય વ્યક્તિની ફરિયાદ પર શાહરૂખ અને દીપિકા સહિત લગભગ 7 લોકો સામે FIR નોંધવામાં આવી છે. આ વ્યક્તિનો આરોપ છે કે તેને જાણી જોઈને ખામીયુક્ત હ્યુન્ડાઇ અલ્કઝાર કાર વેચવામાં આવી હતી, જેથી તેના પરિવારનું જીવન જોખમમાં મુકાયું હતું.
આ મામલે કીર્તિ સિંહે કાર વેચવામાં છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. કીર્તિ સિંહે આ મામલે કોર્ટમાં ફરિયાદ કરી હતી. ત્યારબાદ, ACJM કોર્ટ નંબર-2ના આદેશ પર મથુરા ગેટ પોલીસ સ્ટેશનમાં અરજી દ્વારા કેસ નોંધવામાં આવ્યો છે. કીર્તિનું કહેવું છે કે તેણે વર્ષ 2022માં હ્યુન્ડાઇ અલ્કઝાર ખરીદી હતી. તેણે આ કાર લોન પર લીધી હતી, પરંતુ થોડા દિવસોમાં કારમાં મેન્યુફેક્ચરિંગ ખામીઓ દેખાવા લાગી. ફરિયાદીનું કહેવું છે કે જ્યારે કારની ગતિ વધારવા માટે એક્સિલરેટર દબાવવામાં આવે છે, ત્યારે કારનો RPM વધી જાય છે અને કાર ધ્રુજવા લાગે છે, પરંતુ કારની ગતિ વધતી નથી. તેનાથી તેના અને તેના પરિવારના જીવ જોખમમાં મુકાય જાય છે.
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ ઉપરાંત, કીર્તિ સિંહે કંપની સાથે સંકળાયેલા લોકો સામે પણ કેસ દાખલ કર્યો છે. તેમાં કિમ અનસો (CEO, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા), તરુણ ગર્ગ (હોલ ટાઈમ ડિરેક્ટર અને CEO), નીતિન શર્મા (MD, માળવાં ઓટો સેલ્સ કુંડલી), પ્રિયંકા શર્મા (ડિરેક્ટર, માળવા ઓટો સેલ્સ કુંડલી) અને અન્ય એક વ્યક્તિનો સમાવેશ થાય છે. કીર્તિએ જણાવ્યું છે કે તેણે પહેલા આ કાર બુક કરવા માટે 51000 રૂપિયા ચૂકવ્યા હતા. બાદમાં તેણે 10 લાખ 3 હજાર 699 રૂપિયાની લોન લીધી હતી અને બાકીની રકમ રોકડમાં ચૂકવી હતી. તેણે આ કાર 23 લાખ 97 હજાર 353 રૂપિયામાં ખરીદી હતી. કીર્તિનો દાવો છે કે ડીલરે કહ્યું હતું કે કારમાં કોઈ સમસ્યા નહીં આવે અને જો કોઈ સમસ્યા હશે તો અમે જવાબદાર છીએ.
કીર્તિ સિંહનો આરોપ છે કે શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ આ કાર કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર છે અને તેમણે કંપનીની ખામીયુક્ત કારનું માર્કેટિંગ અને બ્રાન્ડિંગ કર્યું હતું, એટલે બંને આ કેસમાં આરોપી છે. તેનું કહેવું છે કે બંને કલાકારો આ ગુનાહિત કૃત્યમાં સમાન ભાગીદાર છે. આ કેસમાં કોર્ટના આદેશ પર, પોલીસે ભારતીય દંડ સંહિતા (BNS)ની કલમ 406, 420 અને 120-B હેઠળ કેસ નોંધ્યો છે. શાહરૂખ 1998થી હ્યુન્ડાઇનો બ્રાન્ડ એમ્બેસેડર છે, જ્યારે દીપિકા 2023માં કંપનીની બ્રાન્ડ એમ્બેસેડર બની હતી. પોલીસે આ મામલાની તપાસ શરૂ કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp