આગામી સમયમાં ગુજરાત ઉદ્યોગો અને વિકાસની સાથે સાથે મનોરંજન ક્ષેત્રમાં પણ મોટું સાહસ ખેડવા જઈ રહ્યું છે. જેના પરિણામે મનોરંજન જગતમાં પણ ગુજરાત એક મોટું કેન્દ્ર બનશે. આ માટે ગુજરાત સરકાર કોન્સર્ટ ઇકોનોમીને ગુજરાતના અર્થતંત્રનો ભાગ બનાવવા જઈ રહી છે. અમદાવાદમાં યોજાયેલા કોલ્ડ પ્લે કોન્સર્ટની સફળતાને જોતા ગુજરાત સરકારે તેને અર્થતંત્રના વિકાસ સાથે જોડવાનું નક્કી કર્યું છે.
25-26 જાન્યુઆરીએ યોજાયેલા આ કોન્સર્ટથી અમદાવાદની ઇકોનોમીમાં 641 કરોડનો વધારો થયો હતો. એકલા અમદાવાદ શહેરને સીધી રીતે 392 કરોડનો લાભ મળ્યો હતો. જ્યારે હોટેલ, ટ્રાન્સપોર્ટ, ડાઇનિંગ, રિટેલ અને શોપિંગ વગેરે ક્ષેત્રોમાં સૌથી વધુ ખર્ચ થયો હતો. સરકારને માત્ર GSTમાંથી જ 72 કરોડની આવક થઈ હતી.
હાલમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને સરકારના ત્રણ અધિકારીઓનું પ્રતિનિધીમંડળ બ્રિટન પ્રવાસે ગયું હતું. જ્યાં તેમણે વિશ્વની ટોચની ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીઓ સાથે પણ બેઠક કરી હતી. માહિતી પ્રમાણે, હવે ગુજરાત સરકાર અને આ કંપનીઓ વચ્ચે જલદી જ MoU થશે. જે બાદ આવતા બે વર્ષમાં ગુજરાતમાં 10થી વધુ મોટા આંતરરાષ્ટ્રીય કોન્સર્ટનું આયોજન થશે. તેમાં જસ્ટીન બીબર, ટેલર સ્વિફ્ટ, શકીરા, રિહાન્ના જેવા વિશ્વના ટોપ કલાકારો ગુજરાતમાં સ્ટેજ પરફોર્મન્સ આપશે.
કોન્સર્ટ ઇકોનોમીમાં મોટા મોટા ખર્ચની સામે આવક પણ એટલી જ મોટી થાય છે. જેમકે, રિહાન્નાના એક શો માટે અંદાજે 13થી 70 કરોડનો ખર્ચ થાય છે, જ્યારે ટિકિટ 27,000થી 50,000 રૂપિયા સુધીમાં વેચાય છે. તેવી જ રીતે આપણા અરિજીત સિંહના કોન્સર્ટમાં 4થી 6 કરોડનો ખર્ચ થાય છે, પરંતુ ટિકિટ ₹3,000થી લઈને ₹90,000 સુધી વેચાય છે. જ્યારે દલજીત દોસાંઝના શોમાં 50 લાખથી 2 કરોડનો ખર્ચ કરવામાં આવે છે, અને તેની ટિકિટ ₹1,400થી ₹20,000 સુધીમાં મળે છે.
માટે ગુજરાત સરકાર માટે આવી ઇવેન્ટ્સ એક સારો સોદો સાબિત થઈ શકે છે. એક કોન્સર્ટ પાછળ સરેરાશ 25થી 50 કરોડ જેટલો ખર્ચ થાય છે, પરંતુ તેમાંથી આવક 200 કરોડ સુધી પહોંચી શકે છે. સરકારને આ દરમિયાન સ્થળ, પોલીસ બંદોબસ્ત અને લોજિસ્ટિક્સ પૂરાં પાડવા પડે છે, જ્યારે સર્વિસ ટેક્સ અને GST સહિતની આવક રાજ્યના ખજાનામાં ઉમેરાય છે. ઉપરાંત ગુજરાતની સુવિધાઓ પણ કોન્સર્ટ માટે ખૂબ સારી છે. એરપોર્ટ, રેલવે અને આવતા સમયમાં બુલેટ ટ્રેન જેવી સુવિધાઓ ગુજરાતને દેશના દરેક ખૂણાથી જોડે છે. એટલે અમદાવાદ, ગાંધીનગર, સુરત અને વડનગર જેવા સ્થળો પર મોટા કોન્સર્ટ યોજવા સરળ રહેશે.
એક સર્વે મુજબ, અમદાવાદમાં યોજાયેલ કોલ્ડ પ્લે કોન્સર્ટમાં ભાગ લેનારામાં 36% લોકો અમદાવાદના અલગ-અલગ સ્થળોએ ફરવા પણ ગયા હતા. એટલે કે, કોન્સર્ટની સાથે પર્યટન અને લોકલ બિઝનેસને પણ મોટો ફાયદો થયો હતો. આથી સ્પષ્ટ છે કે ગુજરાતમાં કોન્સર્ટ ઇકોનોમી એક નવા યુગની શરૂઆત છે.