Kalyan Banerjee resigns: મહુઆ મોઈત્રા સાથે વિવાદ વચ્ચે TMCના સાંસદ કલ્યાણ બેનર્જીનો મોટો નિર્ણય, પાર્ટીના મુખ્ય વ્હીપ પદ પરથી આપ્યું રાજીનામું; જાણો હવે કોણ કરશે પાર્ટીનું નેતૃત્વ
Kalyan Banerjee resigns as partys chief whip: તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના નેતાઓ વચ્ચેનો વિવાદ ખૂબ વધી ગયો છે. પાર્ટીના સાંસદ કલ્યાણ બેનર્જીએ માહિતી આપી છે કે તેમણે લોકસભામાં પાર્ટીના ચીફ વ્હીપ પદ પરથી રાજીનામું આપી દીધું છે. કલ્યાણ બેનર્જીએ કહ્યું છે કે, તેમણે પોતાના સાથી મહુઆ મોઇત્રા સાથેના મતભેદો વચ્ચે આ પદ પરથી રાજીનામું આપ્યું છે. તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનર્જીની અધ્યક્ષતામાં પાર્ટીની એક વર્ચ્યુઅલ બેઠક થઈ હતી. ત્યારબાદ કલ્યાણ બેનર્જીએ પાર્ટીમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી.
TMCમાં ચાલી રહેલા ઉથલપાથલ વચ્ચે, સાંસદ અભિષેક બેનર્જીને લોકસભામાં સંસદીય પક્ષના નવા નેતા બનાવવામાં આવ્યા છે. અભિષેક બેનર્જી પાર્ટીના વરિષ્ઠ નેતા સુદીપ બંદોપાધ્યાયનું સ્થાન લેશે, જે ઘણા મહિનાઓથી બીમાર છે. આ નિર્ણય સંસદના બંને ગૃહોના TMC સાંસદોની વર્ચ્યુઅલ બેઠકમાં લેવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પોસ્ટમાં આ નિર્ણયની માહિતી આપતાં મમતા બેનર્જીએ કહ્યું કે સાંસદોએ સર્વાનુમતે અભિષેક બેનર્જીને લોકસભામાં પાર્ટીનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી છે.
PTI અનુસાર, તૃણમૂલ કોંગ્રેસ પાર્ટીના સાંસદ કલ્યાણ બેનર્જીએ એક ન્યૂઝ ચેનલને જણાવ્યું હતું કે, ‘મેં લોકસભામાં પાર્ટીના ચીફ વ્હીપ પદ પરથી રાજીનામું આપી દીધું છે, કારણ કે 'દીદી' (પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી)એ વર્ચ્યુઅલ બેઠક દરમિયાન કહ્યું હતું કે પાર્ટીના સાંસદોમાં સંકલનનો અભાવ છે. એટલે દોષ મારા પર છે. તેથી, મેં પદ છોડવાનો નિર્ણય લીધો છે.’
કલ્યાણ બેનર્જી પશ્ચિમ બંગાળના રાજકારણ અને તૃણમૂલ કોંગ્રેસનો જાણીતો ચહેરો છે. તેઓ પશ્ચિમ બંગાળના શ્રીરામપુર લોકસભા બેઠક પરથી 4 વખત સાંસદ રહ્યા છે. તાજેતરમાં, સાંસદ મહુઆ મોઇત્રા સાથે તેમના વારંવાર મતભેદો જોવા મળ્યા હતા. આ ઉપરાંત, તેમનો પૂર્વ ક્રિકેટર અને પાર્ટીના સાંસદ કીર્તિ આઝાદ સાથે પણ જાહેરમાં વિવાદ થયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર, થોડા મહિના અગાઉ મહુઆ મોઇત્રા અને કલ્યાણ બેનર્જી વચ્ચે અનેક મુદ્દાઓ પર તણાવના અહેવાલો સામે આવ્યા હતા. મહુઆ મોઇત્રા કથિત રીતે કલ્યાણ બેનર્જીથી એટલે નારાજ હતા કેમ કે તેમને લોકસભામાં બોલવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો નહોતો. ઘણા સાંસદો વચ્ચે ફ્લોર ટાઇમને મેનેજ કરવાની જવાબદારી કલ્યાણ બેનર્જીની હતી. મહુઆ મોઇત્રા ગૃહમાં મોટાભાગના મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય વ્યક્ત કરવા માગે છે. જોકે, તેમને ઘણી વખત તેનાથી વંચિત રાખવામાં આવ્યા હોવાના અહેવાલ છે, જેથી તેઓ નારાજ થયા હતા. માહિતી અનુસાર, મહુઆએ કથિત રીતે કલ્યાણ બેનર્જી અને તેમની પુત્રી વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો. એકવાર તેમણે કલ્યાણ બેનર્જીને 'છોટા લોક' (બંગાળીમાં નીચ વ્યક્તિ) કહ્યા હતા, જેના કારણે બેનર્જી ખૂબ જ દુઃખી થયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp