કુદરતે સર્જેલો એક સુન્દરતમ પરિવાર : બિગ્નોનીએસી

કુદરતે સર્જેલો એક સુન્દરતમ પરિવાર : બિગ્નોનીએસી

09/20/2020 Magazine

કનુ યોગી
વનવગડાની વાટે
કનુ યોગી
પ્રોજેક્ટ ઓફીસર - ગુજરાત ઔષધીય વનસ્પતિ બોર્ડ

કુદરતે સર્જેલો એક સુન્દરતમ પરિવાર : બિગ્નોનીએસી

કોરોનાકાળે આપણને બહુ સ્પષ્ટ શબ્દોમાં કુદરતી જીવન અપનાવવાનો – કૃત્રિમ જીવનશૈલી ત્યજીને કુદરત તરફ પાછા વાળવાનો (Back to Nature) સંદેશ આપ્યો છે. એ માનવું ન માનવું હવે આપણા હાથણી વાત છે.

કુદરતી સૌન્દર્યનો એક મોટો ખજાનો આપણી આસપાસ પડેલો હોય છે. જ્યાં સુધી આપણે તેને શોધવાનો પ્રયત્ન કરતા નથી. ત્યાં સુધી તે આપણને જડતો નથી. વિશ્વના જુદા જુદા ભાગોમાં સુંદરતાના શિરમોર સમી અનેક કલાકૃતિઓ જગપ્રસિદ્ધ બની ગયેલી છે. જેમ કે ચાઇનાનો જીઓ પાર્ક કે રેઇનબો માઉન્ટેન્સ, સ્કોટલેન્ડનો ફેરી પુલ્સ, અમેરીકાનો નેશનલ પાર્ક, પેરૂનાં રમણીય સ્થળો, ક્રોએશિયાનો નેશનલ પાર્ક, આયર્લેન્ડના ક્લીફ્સ ઓફ મોહર (સમુદ્રતટ), કેનેડાના ખડકો અને તળાવોથી ઘેરાયેલ લેક લુઇસ વિસ્તાર, ન્યૂઝીલેન્ડની મિલફોર્ડ સાઉન્ડની જગ્યા, ઓસ્ટ્રેલિયાનો વ્હાઇટ હેવન બીચ અને લેહ-લદાખ (ભારત) માં આવેલ પેનગોન્ગ તળાવ .... આ બધા કુદરતના અપાર વૈભવથી ભરેલાં એવા સ્થળો છે જેને જોવા માટે વિશ્વભરના પ્રકૃતિપ્રેમી લોકો તરસતા હોય છે.

પણ જે લોકો આ સ્થળોની મુસાફરીએ નથી જઈ શકતા એમનેય ઈન્ટરનેટ હાથવગું છે, ત્યારે કમસેકમ દુરસુદુર પ્રદેશોના પ્રાકૃતિક સૌન્દર્યને વર્ચ્યુંઅલી માણતા રહીએ તો ય ઘણું. ચાલો આજે વનસ્પતિના એક ખાસ કુટુંબથી શરૂઆત કરીએ.


ફેમીલી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ

ફેમીલી ઓફ ફ્લાવરિંગ પ્લાન્ટ્સ

વિભાગ, વર્ગ, કુળ, જાતિ અને પ્રજાતિ મુજબ વનસ્પતિઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. તેમાં બિગ્નોનીએસી નામનું કુળ (પરિવાર) સૌથી આકર્ષક, મોટાં અને રંગબેરંગી ફૂલો ધરાવે છે જેથી વનસ્પતિપ્રેમીઓ માટે તે મોટું આકર્ષણ ધરાવતું કુટુંબ બન્યું છે. તેને Family of Flowering Plantsપણ કહેવામાં આવે છે. તે બિગ્નોનિઆ (લેમિએલ્સ) નામના ઓર્ડરમાં સમાવિષ્ટ કરવામાં આવેલ છે.

આ કુટુંબ ઘણા સ્થળોએ જોવા મળે છે પણ તે મેદાની વિસ્તારોમાં વધુ થાય છે. તેની રૂપાળી જાતોમાં જેકેરેન્ડા, ટેબેબુયા અને સ્પેથોડીયા મુખ્ય છે જે ભારતમાં પણ શોભાના વૃક્ષ તરીકે જોવા મળે છે.

બિગ્નોનીએસી પરિવારની વનસ્પતિઓ મોટે ભાગે વૃક્ષ તેમ જ ક્ષુપ સ્વરૂપ ધરાવે છે. કોઇ વાર તે વેલા સ્વરૂપે અને ભાગ્યે જ નાના છોડ સ્વરૂપે હોય છે. તેનાં મૂળ સીધા - ઉડાં અને શાખિત સ્વરૂપનાં હોય છે. તેનું પ્રકાંડ સખત   - કાષ્ઠીય (Woody) અને શાખિત હોય છે પરંતુ વેલામાં તે નબળું હોય છે. પાન સામાન્ય રીતે સંયુક્તપર્ણ પ્રકારનાં . સામ સામે ગોઠવાયેલાં અને ભાગ્યે જ એકાંતરિત હોય છે.

આ પરિવારનાં ફૂલો પૂર્ણ ફૂલો કહેવાય છે. તેમાં પ રંગીન દલપત્રો અને પ વજપત્રો  હોય છે.  પુંકેસરોની સંખ્યા ૪ ની હોય છે. સ્ત્રીકેસરો બે હોય છે અને ફળો કેપ્સ્યુલ કે ફળ સ્વરૂપનાં  હોય છે. બીજ પાંખાળાં અને એન્ડોસ્પર્મિક હોય છે.

વિશ્વભરમાં આ ખુબસૂરત પરિવારની ૧૨૦ જાતિઓ અને ૮૦૦ પ્રકારની પ્રજાતિઓ જોવા મળે છે.

આ કુટુંબના સભ્યો જુદા જુદા ગુણધર્મો ધરાવે છે તે જોતાં તેના અનેક ઉપયોગો થાય છે.

લાકડું (Timber) આપતાં વૃક્ષોમાં પીચકારી વૃક્ષ ( સ્પેથોડીયા કેમ્પેન્યુલેટા)  બુચ ( મીલીંગટોનીયા હોર્ટેન્સીસ ) ટેબે બિયા પેન્ટા ફાયલા . ટેંટુ ( ઓરોકઝીલમ ઇન્ડીકમ) . કેટાલ્પા બિગ્નોનિએડસ વગેરે છે.

જે વૃક્ષોમાંથી ક્લર (Dye) મળે છે તેમાં સાઇબીટેક્સ એન્ટી સીફીલીકા પ્રમુખ છે. તેમાંથી વાદળી રંગની ડાઇ મળે છે.

દુનિયાભરમાં જેના રૂપની વધુ ચર્ચાઓ થઈ રહી છે તેવા બિગ્નો નિએસી પરિવારના સભ્યોમાં પાયરોસ્ટેજીયા વેનુઝા . સ્પેથોડિયા  . ટેકોમાં સ્ટેન્સ  વગેરે અગ્રેસર છે.


જેકેરેન્ડા એક્યુટિફોલીસસને રોડ સાઇડ પર વાવવાના (Avenue (Tree) તરીકે ઉછેર કરવામાં આવે છે. જાંબલી રંગનાં ફૂલોથી લથબથ આ વૃક્ષને નિહાળવું એ પણ જીવનનો એક લ્હાવો ગણી શકાય. ફિલિપાઈન્સમાં ધાર્મિક કારણોસર તે વધુ પ્રમાણમાં વવાય છે. કેટાલપા સ્પેસિઓઝા નામના વૃક્ષનો કાઉન (ઘટા) શાનદાર  અને નયનરમ્ય હોય છે. તે કિંમતી લાકડુ પણ આપે છે. ટેકોમાં ટેન્સ એ બાગ બગીચામાં વાવવા યોગ્ય વનસ્પતિ છે. ટેબેબીયાને પશ્ચિમ ભારતમાં બોક્સ ટ્રી તરીકે ઓળખવામાં આવે છે. આ સિવાય કેટાલ્પા . હિટરોફ્રેગ્મા અને પાજાનેલીયાનાં વૃક્ષો મનોહર દેહલાલિત્ય ધરાવતાં હોવાથી સૌના આકર્ષણનું કેન્દ્ર બની રહે છે. એસીરી મોકાર્પી  નામની એક જાતિમાત્ર પેરૂ- દ. અમેરિકામાં જ જોવા મળે છે. કાઇજેલીયાનાં ફૂલ અતિ સુંદર અને ઝૂમખામાં લટકતાં જોવાં  એ પણ સૌભાગ્યની વાત બની જાય છે.

આ પરિવારનાં કેટલાંક વૃક્ષોનાં ફળ ખાવાના ઉપયોગમાં પણ આવે છે જેમાં પરમેન્ટિયા એક્યુલેટાનો સમાવેશ થાય છે .તેના વૃક્ષો દ. મેકિસકો અને મધ્ય અમેરિકામાં જ જોવા મળે છે. નિકારાગુવામાં ક્રિસેન્ટીઆ નામના વૃક્ષમાંથી ' સ્મેલિયા ' નામનું સોડા વોટર જેવું પીણું બનાવીને પીવાય છે.તો ડુંગળીની સુગંધ  ધરાવતું મેનેજા તથા તજની સુગંધ ધરાવતું ટાઇનેથસ મસાલા વૃક્ષ તરીકે જાણીતાં બન્યાં છે. ઉત્તર કોલંબિયામાં ડોલીચેન્દ્રા ક્વોન્ડ્રીવેલીસના વૃક્ષની છાલ કરચલાઓ જોવા મળતા હોય તે વિસ્તારના પાણીમાં નાખવામાં આવે છે તેનાથી થોડા સમય માટે કરચલાઓમાં લકવા ( પેરાલીસીસ ) જેવી અસર થઈ જાય છે અને  હલનચલન કરી શકતા નથી.છી તેને પક્ડીને બજારમાં વેચાણ માટે મોકલી દેવામાં આવે ત્યાં સુધીમાં પુનઃ સ્વસ્થ થઈ જાય છે. મધપૂડામાંથી મધ મેળવવા  માટે માખીઓને ભગાડવા માટે ટેનેસિઅમ  નોક્ટુનમ નામના વૃક્ષની ડાળીઓ અને પાન વાપરવામાં આવે છે. એમેઝોન વેલી વિસ્તારમાં ફ્રીડેરીકા સીકા નામના વૃક્ષમાંથી મળતી ડાઇનો ઉપયોગ બોડી પેઈન્ટિંગ માટે થાય છે. સીવીટેક્સ એન્ટિ સીફીલીકા નામના વૃક્ષમાંથી મળતી ડાઇ પેરૂમાં પણ વપરાય છે તો બોલીવીયામાં સ્પેરેટોસ્પર્મા લ્યુકેન્થા નામની વનસ્પતિમાંથી બદામી રંગની ડાઇ મળે છે જે સુતરાઉ કપડાંને રંગવામાં વપરાય છે.

બિગ્નોનિએસી પરિવારનાં ગુજરાતમાં જોવા મળતા વૃક્ષો પર દ્રષ્ટિ કરીએ.


(૧) કાઈજેલીયા પિનાટા

(૧) કાઈજેલીયા પિનાટા

આફ્રિકન મૂળની આ જાતિ બાલમખીરા તરીકે ઓળખાય છે. અગાઉની રંગભૂમિ અને નાટકોમાં કલાકારોના અવાજને બુલંદ કરી પ્રેક્ષકો સુધી પહોંચાડવા માટે લટકતા દોરડાની જેમ માઇક્રોફોન રાખવામાં આવતાં . આવી જ રચના કાઇજેલીયાના ફલાવરીંગમાં જોવા મળે છે તેનાં હથેળી જેવડાં રંગીન - આકર્ષક ફૂલો માઈકની જેમ લટકતાં  જોવા મળે છે ત્યારે અદભૂત નજારો ખડો થાય છે.  તેના ફળ આ જ પ્રકારે દોરી પર લટકતાં જોવા મળે છે. ગુજરાતમાં ઘણાં નગરોમાં આ વૃક્ષ જોવા મળે છે પાટનગર ગાંધીનગરમાં તો તેનાં અસંખ્ય લીલાંછમ્મ વૃક્ષો  માર્ગોની શોભા વધારી રહ્યાં છે.


(૨) ઓરોકઝીલમ ઇન્ડીકમ (ટેટૂ - અરલુ - શ્યોનાક)

(૨) ઓરોકઝીલમ ઇન્ડીકમ (ટેટૂ - અરલુ - શ્યોનાક)

તલવારની સાઇઝની શીંગો ધરાવતું આ વૃક્ષ દૂરથી જ તેની શીંગો પરથી પરખાઈ જાય છે. એક દાંડી તલવારની જેમ તેનાં ફળ લટકતાં હોય છે. ફળમાં સુવ્યવસ્થિત રીતે સીલબંધ પેકેટમાં બીજ જોવા મળે છે.આયુર્વેદમાં દશમૂળ વર્ગની વનસ્પતિઓ કહેવાય છે તેમાંની આ એક વનસ્પતિ છે. આ મુબ અગત્યની વનસ્પતિ છે. તેનું ફૂલ મોટું અને શીંગ આકર્ષક હોય છે.


(૩) ટેબેબિયા રોઝીયા

(૩) ટેબેબિયા રોઝીયા

માર્ગ પરનાં વૃક્ષોમાં ટેબેબિયા રોઝીયા આકર્ષણનું કેન્દ્ર ધરાવતું એવન્યું ટ્રી છે. તેનાં ગુલાંબી રંગનાં ફૂલો દૂરથી જ જોનારને આકર્ષી લે છે.


(૪) જેકેરેન્ડા

(૪) જેકેરેન્ડા

પશ્ચિમી દેશોમાં વધુ જોવા મળતું આ વૃક્ષ તેની ' બ્લ્યુ બ્યુટી ' ના કારણે વધુ આકર્ષક બને છે. જ્યારે આ વૃક્ષ પર  લથબથ ફૂલો આવે છે ત્યારે તેની સુંદરતા મનમોહક બની જાય છે અને માર્ગ પરથી પસાર થનારને પણ બે ઘડી તેની પાસે ઉભા રહેવાની ઇચ્છા થઇ જાય છે.


(૫) સ્પેથોડિયા કેમ્પેન્યુલેટા

(૫) સ્પેથોડિયા કેમ્પેન્યુલેટા

આ વૃક્ષ ગુજરાતમાં બાગ બગીચાઓમાં જોવા મળે છે પણ દક્ષિણ ભારતમાં તેનાં વૃક્ષો વધુ પ્રમાણમાં જોવા મળે છે. આ વૃક્ષને fountain Tree એટલે કે પીચકારી વૃક્ષ તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું કારણ એ છે કે વહેલી સવારની ઝાકળનું પાણી તેના ફૂલમાં ભરાય છે. અને જયારે દબાવવામાં આવે છે ત્યારે પિચકારીની જેમ પાણી બહાર નિકળે છે. દક્ષિણ ભારતમાં બાળકો તેના વડે પિચકારીની રમત પણ રમતા હોય છે. દૂરથી જોઈએ તો આ વૃક્ષનાં ફૂલ ખાખરા જેવા રંગનાં હોવાથી તે ખાખરો કે કેસૂડો લાગે પણ આ વૃક્ષ તેના કરતાં ખુબ મોટું અને ઉચું થાય છે. બન્નેના ફૂલની રચના પણ ભિન્ન હોય છે.

બિગ્નોનિએસી પરિવારના બીજા સદસ્યો પણ ગુજરાતમાં તેમજ ભારતમાં થાય છે પણ લેખની મર્યાદાના કારણે માત્ર પાંચ જ વનસ્પતિઓ વિશે અહીં લખવામાં આવ્યું છે. આ વૃક્ષોની તસ્વીરો  ચોક્કસપણે આપને રોમાંચિત કરી દેશે તેની મને ખાત્રી છે.

----------------

વૃક્ષો એ અપૂર્ણ માનવીઓ છે.

- ઇમર્સન


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top