3 વિપક્ષી કાઉન્સિલરોએ ક્રોસ-વોટિંગ કરતા ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મોટો ઉલટફેર
Chandigarh Mayoral Polls: ચંદીગઢ મેયરની ચૂંટણીમાં મોટી ઉથલ-પાથલ જોવા મળી છે. વિપક્ષના સમર્થનથી, ભાજપના હરપ્રીત કૌર બાબલાએ ચૂંટણી જીતી લીધી છે. મળતી માહિતી અનુસાર, આમ આદમી પાર્ટી (AAP) અથવા કોંગ્રેસના કાઉન્સિલરોએ ભાજપને ક્રોસ વૉટ આપ્યા હતા. ભાજપની તરફેણમાં 19 મત પડ્યા, જ્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની તરફેણમાં 17 મત પડ્યા. બધા 35 કાઉન્સિલરો અને એક સાંસદે મતદાન કર્યું હતું.
કોંગ્રેસ અને AAPના 3 કાઉન્સિલરોએ ભાજપની તરફેણમાં ક્રોસ વોટિંગ કર્યું છે, પરંતુ મતદાન ગુપ્ત મતદાન દ્વારા થતું હોવાથી, કોણે ક્રોસ વૉટિંગ કર્યું તે સ્પષ્ટ નથી. 16 કાઉન્સિલરોવાળી ભાજપ પોતાના મેયરને ચૂંટવામાં સફળ રહી. કોંગ્રેસના સાંસદનો એક મત, કોંગ્રેસના 6 મત અને AAPના 13 મત હોવા છતા, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન મેયરની ચૂંટણી હારી ગયા.
હરપ્રીત કૌર બબલા એક નિવૃત્ત આર્મી કર્નલની પુત્રી છે. તેમના પતિ દેવિન્દર સિંહ ભૂતપૂર્વ કાઉન્સિલર રહી ચૂક્યા છે. આ ચૂંટણીમાં હરપ્રીત કૌર બબલાનો મુકાબલો આમ આદમી પાર્ટીના પ્રેમ લતા સાથે હતો. પ્રેમ લતા ભારતીય વાયુસેનાના નિવૃત્ત અધિકારીના પત્ની છે. તેઓ હાલમાં એક સરકારી શાળામાં અંગ્રેજીના શિક્ષિકા છે.
મતદાન અગાઉ જ કુલદીપ કુમારને જામીન મળી ગયા
મેયરની ચૂંટણી માટે મતદાન અગાઉ, ચંદીગઢના વર્તમાન મેયર કુલદીપ કુમારને મોટી રાહત મળી હતી. ભ્રષ્ટાચારના આરોપોના કેસમાં પંજાબ-હરિયાણા હાઈકોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા. ત્યારબાદ તેમણે આ ચૂંટણીમાં પોતાનો મત આપ્યો. કુલદીપ કુમારે ધરપકડથી બચવા અને મેયરની ચૂંટણી દરમિયાન મતદાન કરવાની પરવાનગી મેળવવા માટે હાઇકોર્ટમાંથી આગોતરા જામીનની માગણી કરી હતી.
ચૂંટણીના થોડા કલાકો અગાઉ, કુલદીપ કુમાર અને તેમના સાળા રાહુલ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધવામાં આવ્યો છે. ચંદીગઢ ક્રાઈમ બ્રાન્ચે બંને વિરુદ્ધ સફાઈ કામદાર તરીકે નોકરી અપાવવાના નામે એક વ્યક્તિ પાસેથી 75,000 રૂપિયા લેવા બદલ કેસ નોંધ્યો છે. રવિ નામના વ્યક્તિએ ચંદીગઢ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ બાદ, પુરાવાના આધારે FIR નોંધવામાં આવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp