એ દિવસે પ્લેન ક્રેશ થયું અને જુલિયન ઓપેક ફંગોળાઈને પડી એમેઝોનના દુર્ગમ જંગલોમાં!
10/20/2020
Magazine
અચરજ એક્સપ્રેસ
ભૂમિધા પારેખ
લેખિકા, વાર્તાકાર
વિશ્વમાં ઘણીવાર અશક્ય લાગે એવી ઘટનાઓ બનતી હોય છે, જેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ જાય છે. કેટલાક લોકો પોતાના મૃત્યુને નજરે જુએ છે, એનાથી બચવાની કોઈ આશા નહીં હોય છતાં સંઘર્ષ કરતા રહે છે. અંતે મૃત્યુને માત આપી, સમગ્ર વિશ્વ માટે એક અજાયબ હકીકત બની જાય છે. આજે એવી જ એક યુવતીની વાત માંડીએ, જે વિચિત્ર અકસ્માતનો ભોગ બની, તેમ છતાં ચમત્કારિક રીતે બચી ગઈ!
*** *** ***
શરીર પર પડતા વરસાદના પાણીએ એને આંખો ખોલવા મજબૂર કરી. પણ માથામાં વાગતા સણકાને કારણે ફરી એની આંખો મીંચાઈ ગઈ. અચાનક હવામાં તરતા શબ્દો એના કાને પડ્યા...
"જુલિયન, કદાચ આ આપણી જિંદગીનો અંત છે."
સગ્ગી જનેતાને મોઢે બોલાયેલા આ અંતિમ શબ્દો મગજમાં પડઘાતા જ યુવતીએ એક ઝાટકા સાથે આંખો ખોલી. શરીરમાં થતી અસહ્ય પીડા અવગણી એણે માથું ઊંચકી આજુબાજુ જોવાનો પ્રયત્ન કર્યો. મહામહેનતે એ પડખું ફરવા ગઈ... અને ત્યાં તો એ સીધી નીચે ગબડવા માંડી! અને એ પણ શરીર સાથે બંધાયેલી ખુરસી સમેત! એમાં વળી એ એકદમ ફિલ્મી સ્ટાઈલે બચી ગઈ! એક મજબૂત ડાળી પર આવીને એનો બેલ્ટ ફસાઈ ગયો અને કમરના ભાગેથી એ ડાળી પર લટકી પડી!
એકઝેટલી શું બન્યું, એ સમજતા એને થોડી ક્ષણો લાગી. જરા કળ વળી એટલે હળવેથી બેલ્ટ છોડવાની કોશિશ કરી. આખરે એનું દર્દથી કળતું શરીર એ તૂટેલી ખુરશીથી મુક્ત થયું. એણે નીચે નજર કરી, વૃક્ષની ડાળીમાં ફસાયેલી એ લગભગ આઠ ફૂટ જેટલી ઊંચાઈ પર હતી. આંખ બંધ કરી એણે નીચે પડતું મૂક્યું. નીચે પછડાયા પછી થોડીવારે એ ઉભી થઈ એવો જ પગમાં કડાકો બોલી ગયો. ગોરી-નાજુક પાનીનું હાડકું તૂટી ગયું હતું.
અ આખી સિચ્યુએશન વિચિત્ર હતી. યુવતીને હજી પૂરેપૂરું સમજાયુ જ નહોતું કે ખરેખર એની સાથે શું બની ગયું છે! બસ એટલી ખબર હતી કે શરીરમાં ભારે કળતર-દુખાવો છે, અને ઝાડ પરથી ભૂસકો માર્યા બાદ કદાચ પાનીનું હાડકું ય તૂટી ચૂક્યું છે. પરિસ્થિતિનો તાગ મેળવવા માટે દુખતા પગ પર હાથ દબાવીને એ આજુબાજુનું નિરીક્ષણ કરવા લાગી.
થોડી વારમાં મગજ જરા સ્વસ્થ થયું અને યાદશક્તિ ધીરેધીરે કામે લાગી. બે દિવસ પહેલાની ઘટનાઓ મગજમાં તાદૃશ થવા માંડી.
23 ડિસેમ્બર, 1971નો એ દિવસ, ક્રિસમસનની તડામાર તૈયારીઓનો સમય. એ છોકરીનું આખું નામ હતું જુલિયન કોપેક. અને એની ઉંમર હતી માત્ર ૧૭ વર્ષ! પોતાના પિતા, જે એમેઝોનના જંગલોમાં રિસર્ચર હતા; એમની સાથે વિતાવવા માંગતી હતી. લાઈમા શહેરમાં જોબ કરતી પોતાની માતા સાથે ફ્લાઈટ પકડીને જુલિયન સીધી પોતાના પિતા પાસે પહોંચી જવાના પ્લાન બનાવતી હતી! પરંતુ ક્રિસમસને કારણે બધી ફ્લાઈટ્સ બુક હતી. એકમાત્ર લેનસા એરલાઈન્સમા ટિકિટ ઉપલબ્ધ હતી. સ્કુલમાં ગ્રેજ્યુએશન સેરેમની પૂરી થયા બાદ પિતાને મળવા અધીરી થયેલી જુલિયને લાંબો વિચાર કર્યા વિના લેનસા એરલાઈન્સની ટિકિટ બુક કરાવી દીધી! અને એ એની સૌથી મોટી ભૂલ સાબિત થઇ!
24 ડિસેમ્બરે વહેલી સવારે લેનસા એરલાઈન્સની ફ્લાઈટ 508 ટેક ઓફ થવાની હતી. પણ ખરાબ વાતાવરણને કારણે ટેક ઓફમાં સાત કલાકનું મોડું થયું. લાંબી રાહ જોયા બાદ ફ્લાઈટ ઉપડી, ત્યારે પિતાને મળવાના ખ્યાલે જુલિયન એકદમ રોમાંચિત થઈ ઉઠી. જુલિયનને પણ હવે પિતાની જેમ એમેઝોનના ગાઢ જંગલોમાં સંશોધન કરવું હતું, જેનો રોમાંચ એ આંખો બંધ કરીને માણી રહી. પણ એની આ ખુશી વધારે સમય નહીં ટકી.
અચાનક જ હવામાન બદલાઈ ગયું અને અંધારું છવાઈ ગયું. ધોધમાર વરસાદ અને વીજળીના કડાકા થવા લાગ્યા. પ્લેન એક બાજુ ફંગોળાવા લાગ્યું. ત્યારે એને પિતાની ચેતવણી યાદ આવી, કે લેનસા એરલાઈનના બે પ્લેન ક્રેશ થઈ ચૂક્યા હતા, જેથી એની મુસાફરી ટાળવી. પણ એ પોતાના ઉત્સાહમાં પિતાની સલાહ અવગણી ગઈ. કદાચ એનું જ ફળ એને મળવાનું હતું.
એકાએક એની નજર વિન્ડોની બહાર ગઈ અને એ અંદર સુધી ધ્રુજી ઉઠી. પ્લેનની ડાબી પાંખમાં જોરદર વીજળી પડી હતી અને એના ફ્યુઅલ ટેન્કમાં આગ લાગી ગયેલી. આ જોઈ પ્લેનના મુસાફરો ગભરાઈ ગયા. એની માતાએ એનો હાથ પકડી લીધો અને કહ્યું, "જુલિયન, કદાચ આ આપણી જિંદગીનો અંત છે."
આ જુલિયને સાંભળેલા અંતિમ શબ્દો હતા. આ શબ્દોની ગંભીરતા એને પૂરી સમજાય એ પહેલા જ પ્લેન ધડાકા સાથે બે ટુકડામાં વહેંચાઈ ગયું! જુલિયન પોતાની સીટ સાથે જોશભેર હવામાં ફેંકાઈ! એણે ડૂબતી આંખોએ જોયું... એ પ્લેન કે જેમાં એની માતા હતી, એ તીવ્ર ગતિએ જમીન તરફ ધસી રહ્યું હતું. પોતાની આસપાસ એને હવે હવાના સુસવાટા સિવાય બીજું કશું સંભળાઈ રહ્યું ન હતું. ડરની મારી એ છોકરી હવામાં જ બેભાન થઈ ગઈ. અને જ્યારે આંખ ખૂલી કે તરત એક ઝાડ પરથી નીચે પછડાવાનો બનાવ બન્યો!
આખો ઘટનાક્રમ યાદ આવતા જુલિયન રડી ઉઠી. એણે જોરથી પોતાની માતાને બૂમો મારવાનું ચાલુ કર્યું. પણ થોડા સમયમાં જ એને સમજાઈ ગયું કે એની સાથેના કોઈ યાત્રી હવે જીવિત નથી બચ્યા. એણે પોતાની માતાને પણ ગુમાવી દીધી છે. આ હકીકતે એને ભાંગી નાખી.
થોડીવારે સ્વસ્થ થયા બાદ એણે આ પરિસ્થિતિમાંથી બહાર નીકળવાના ઉપાયો વિચારવા માંડ્યા. કારણકે એ જ્યાં હતી, એ સ્થળ વિશ્વનું સૌથી ભયાનક અને ગીચ એમેઝોનનું જંગલ હતું. જ્યાં દિવસે પણ ભાગ્યે જ સૂર્યના કિરણો પહોંચી શકતા હતા. જેમાં ડગલે અને પગલે હિંસક પ્રાણીઓ હતા. પરંતુ એક ફોરેસ્ટરની દીકરી હોવાને કારણે એ આવા જંગલોથી થોડી પરિચિત હતી.
જુલિયને એક દિશા પકડી ચાલવાનું શરૂ કર્યું. મુસીબત સતત એને સાથ આપી રહી હતી. એણે એક ટૂંકું ફ્રોક પહેર્યું હતું, જે એને જંગલની ઠંડી અને ઝેરી કિટકોથી બચાવવા અસમર્થ હતું. એમાં પણ જ્યારે વરસાદ પડતો, ત્યારે એને પોતાના શરીરને બચાવવા જંગલી પાંદડાનો સહારો લેવો પડતો. એણે પહેરેલા સેન્ડલ તૂટી ચુક્યા હતા, જેને કારણે એણે ખુલ્લા પગે જંગલની કાંટાળી અને પથરાળ જમીન પર ચાલવાનું હતું. જે ઝેરી કિટકોથી છવાયેલી હતી. બે દિવસ પછી એને ક્રેશ થયેલા વિમાનના થોડા અવશેષો દેખાયા. એણે ત્યાં જઈ પોતાની માતાને શોધવાની કોશિશ કરી. પરંતુ બળી ગયેલા અવશેષોમાં એને ફક્ત નિરાશા જ હાથ લાગી.
પરંતુ જાણે એને સહાયરૂપ થવા માંગતા હોય એમ, વિમાનના ભંગારમાંથી થોડા ફૂડ પેકેટ્સ એને મળ્યા. જેને એણે સાથે લઈ લીધા. એની થોડા દિવસની ભૂખનું નિરાકરણ એને મળી ગયું હતું. એણે ફરી આગળ વધવાનું ચાલુ કર્યું.
જંગલમાં એને ચાર દિવસ વીતી ચૂક્યા હતા. બહારથી એને કોઈ મદદ મળે એવી શક્યતા ધૂંધળી હતી. એની હાંસડી પણ તૂટી ગઈ હતી. ઉડતા વિમાનમાં આગ લાગે, એમાં માતા મૃત્યુ પામે, અને પોતે એમેઝોનના દુર્ગમ જંગલોમાં ઈજાગ્રસ્ત શરીર સાથે ભૂલી પડી જાય! આવી પરિસ્થિતિમાં ભલભલા મુછાળા મર્દ ભાંગી પડે અને ડિપ્રેશનમા આવી જાય. ત્યાં આ તો બિચારી હજી કુમળી વયની છોકરી હતી. માતાના શબ્દો સાચા પડશે અને કદાચ અહીં જ પોતાની જિંદગીનો અંત આવી રીતે જ થઈ જશે એવું એને લાગ્યું. એવામાં પાણીનું નાનું એવું એક વહેણ દેખાયું. એનામાં આશાનો સંચાર થયો. એને ફોરેસ્ટર પિતાની સલાહ યાદ આવી, કે માનવવસ્તી પાણીના કિનારે જ વસતી હોય છે! આ દુર્ગમ જંગલમાં જો કોઈ માનવ વસ્તી હશે તો નક્કી પાણીના આ સ્રોતની આજુબાજુ જ હશે, એમ વિચારીને એણે ઝરણા સાથે ચાલવાનું શરૂ કરી દીધું.
ઝરણું હવે એક મોટી નદીને મળતું હતું. જખ્મી શરીરે બે દિવસ સતત ચાલ્યા બાદ પણ એને કોઈ વસાહત નજરે નહીં ચઢી. ફરી એ હતાશ થઈ ગઈ. અચાનક એને એક ખતરનાક વિચાર આવ્યો. નદીના પ્રવાહની સાથે તરતા તરતા આગળ વધવું. જેને કારણે એ ઓછા સમયમાં વધારે અંતર કાપી શકે. પરંતુ એનો આ નિર્ણય પણ ઓછો જોખમી નહોતો. કારણકે એમેઝોનની ઊંડી નદીઓ પોતાની અંદર શિકારી માછલીઓ અને મગરમચ્છોને લઈને વહેતી હતી. જો જુલિયન જંગલમાં પગપાળા આગળ વધે, તો કદાચ જંગલની બહાર પહોંચતા સુધીમાં એ જંગલી પ્રાણીઓનો શિકાર બની જાય. બંને બાજુ એની સામે મોત મોઢું ફાડીને ઉભી હતી. છેવટે એણે નદીના રસ્તે આગળ વધવાનું નક્કી કર્યું.
દિવસે નદીના પાણીમાં અને રાત્રે નદી કિનારે કોઈ વૃક્ષ પર સુઈને જુલિયને બીજા ત્રણ દિવસ કાપ્યા. જેમાં એના શરીર પર જંગલી કિટકોએ અસંખ્ય ડંખ માર્યા. ઉપરથી પ્લેન ક્રેશ વખતે થયેલી ઈજા. એના શરીરના ઘણા અંગોમાં પડેલા ઘાવ હવે સડવા માંડ્યા હતા. કારણકે આખો દિવસ પાણીમાં રહેવાને કારણે એનું શરીર પણ ભઠ્ઠીની જેમ ધગતું હતું.
કુદરતને જાણે જુલિયનની દયા આવી હોય, એમ છેવટે છેક દસમા દિવસે એને નદીના કિનારે એક હોડી જોવામાં આવી; જે ખાલી હતી પણ લંગરથી બાંધેલી હતી. એનો અર્થ એ હતો કે ત્યાં કોઈ માનવી હતો. જુલિયને એની આજુબાજુનો વિસ્તાર જોવાનું ચાલુ કર્યું. ત્યાં થોડે દુર એને એક અવાવરું ઝુંપડી દેખાઈ, જેમાં કોઈ નહોતું. અંદર જઈને એણે જોયું, તો એક કેરોસીનનો કેરબો પડ્યો હતો.
જુલિયનને યાદ આવ્યું કે એના પિતા ઘણીવાર ઘાયલ પશુઓના ઘાવ સાફ કરવા કેરોસીન વાપરતા હતા. એણે કેરોસીનથી પોતાના ઘાવ સાફ કર્યા. આખરે આટલા દિવસોનો થાક એકસામટો એને ઘેરી વળ્યો. અને એ ઝૂંપડીમાં જ ઘસઘસાટ ઊંઘી ગઈ.
સવારે ઝૂંપડીની બહારથી આવતા અવજોએ જુલિયનની આંખો ઉઘાડી દીધી. એણે બહાર આવીને જોયું તો થોડા લોકો ત્યાં લાકડાં કાપતા હતા. એમને જુલિયને પોતાની સાથે છેલ્લા દસ દિવસોમાં જે બન્યું હતું એ જણાવ્યું. એ સૌ જુલિયનની વાત સાંભળી અચરજ પામી ગયા. એમણે જુલિયનને પાસેના ગામમાં પહોંચાડી અને ત્યાં એની સારવાર કરવામાં આવી. અંતે જુલિયન એના પિતાને મળી.
એના પિતા માની જ નહોતા શકતા કે એમની દીકરી આવા ભયાનક અકસ્માત બાદ પણ જીવિત હોય શકે. પછી જુલિયને અકસ્માત પામેલા વિમાનના અવશેષો માટેની સંભવિત જગ્યા વિશે જાણકારી આપી. જેને કારણે બીજા મુસાફરોના મૃતદેહો પણ મળી આવ્યા.
કહે છે ને માનવી ધારે તો કશું જ એના માટે અશક્ય નથી. જુલિયન કોપેકે પણ આ વાત સાચી કરી બતાવી. 10,000 ફીટ પરથી નીચે પડ્યા બાદ, જેનું સામાન્ય માનવીઓ નામ સાંભળીને પણ થથરી ઉઠે એવા એમેઝોનના ભયાનક જંગલમાં ફક્ત 17 વર્ષની એક યુવતીએ કોઈપણ સાધનો અને મદદ વગર દસ દિવસ કાઢ્યા, અને જીવિત રહી.
જુલિયન સાથે બનેલી આ ઘટના પર એક ડોક્યુમેન્ટરી ફિલ્મ Wings of Hope (1999) પણ બની ચૂકી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp