નવી દિલ્હી: દેશની સૌથી જૂની અને સૌથી વધુ વર્ષ શાસન કરનારી પાર્ટી કોંગ્રેસ હાલ પૂર્ણકાલીન અધ્યક્ષ વિના ચાલી રહી છે. સોનિયા ગાંધી (Sonia Gandhi) પાર્ટીના વચગાળાના અધ્યક્ષ છે પરંતુ તેમની તબિયત નાદુરસ્ત રહેતી હોવાના કારણે પાર્ટીની કમાન કોઈ બીજા નેતાને આપવામાં આવે તે અંગે અવારનવાર ચર્ચા થતી રહી છે પરંતુ કોઈ ખાસ પરિણામ આવ્યું નથી. ત્યારે આ અંગે ફરી એકવાર ચર્ચાએ જોર પકડ્યું છે કે હવે કોંગ્રેસની કમાન કોઈ ગાંધી પરિવારની બહારના નેતાને આપવામાં આવી શકે છે.
આ ચર્ચાને ત્યારે વેગ મળ્યો જ્યારે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ (Kamalnath) સોનિયા ગાંધીને મળવા દિલ્હી પહોંચ્યા હતા. આ બેઠકમાં કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી પણ હાજર રહ્યા હતા. ચર્ચા છે કે કમલનાથને પાર્ટીમાં મોટું પદ આપવામાં આવી શકે છે. ક્યાંક તેમને પાર્ટીના કાર્યકારી અધ્યક્ષ તો ક્યાંક અધ્યક્ષ બનાવવામાં આવે તેવી ચર્ચા ચાલી રહી છે.
જોકે, હાલ આ અંગે કોઈ અધિકારીક પુષ્ટિ કરવામાં આવી નથી પરંતુ આ અંગે વિચારણા ચાલી રહી હોવાનું જાણવા મળ્યું છે. કમલનાથની પાર્ટીમાં સારી પકડ છે અને વરિષ્ઠ નેતાઓ સાથે પણ સારા સંબંધો છે. 2002 માં તેમને કોંગ્રેસ પાર્ટીના જનરલ સેક્રેટરી બનાવવામાં આવ્યા હતા. લાંબા સમયથી ગાંધી પરિવાર સાથે નજીકથી સંકળાયેલા કમલાથની ગણતરી રાહુલ ગાંધીના પ્રિય નેતાઓમાં થાય છે. મધ્યપ્રદેશના છીંદવાડાથી 9 વખતના લોકસભા સાંસદ કમલનાથને પણ 2018 માં રાજ્યના મુખ્ય પ્રધાન બનાવવામાં આવ્યા હતા. જોકે, જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવા પછી કમલનાથની સરકાર માર્ચ 2020 માં ભંગ થઇ અને ફરી એક વખત ભાજપે સત્તા મેળવી લીધી હતી.
જો કમલનાથને કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવે તો ૧૯૯૮ બાદ પહેલીવાર પાર્ટીની કમાન ગાંધી પરિવારની બહાર જશે. ૧૯૯૮ થી સોનિયા ગાંધી અથવા રાહુલ ગાંધી જ પાર્ટીના અધ્યક્ષ રહ્યા છે. વર્ષ ૨૦૧૭ માં રાહુલને પાર્ટીના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા, પરંતુ વર્ષ ૨૦૧૯ ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીની કારમી હાર બાદ તેમણે રાજીનામું ધરી દીધું હતું અને પાર્ટીની કમાન ફરી સોનિયા ગાંધીના હાથમાં ગઈ હતી.
સોનિયા ગાંધી આ પહેલા પણ અનેક વખત અધ્યક્ષ પદ છોડવાની વાત કહી ચુક્યા છે પરંતુ પાર્ટી હજુ સુધી અધ્યક્ષ પદ બાબતે ઠોસ નિર્ણય લઇ શકી નથી. પાર્ટીનો એક વર્ગ ચાહે છે કે રાહુલ ગાંધી ફરી અધ્યક્ષ બને. જ્યારે કેટલાક નેતાઓ ચાહે છે કે હવે પાર્ટીની કમાન કોઈ બીજા નેતાને અપાય. આવનારા દિવસોમાં પાર્ટી આ અંગે શું નિર્ણય લે તે જોવું રહ્યું.