પ્રેમને પામવા આ કપલે કરી સરહદ પાર, ટાપુ પર રોકાયા, વરસાદી પાણી પીને રણ પાર કર્યું! જાણો રસપ્રદ ઘટના
હાલ પ્રેમ માટે ભારત-પાકિસ્તાન સરહદ પાર કરાવતી વધું એક ઘટના ચર્ચામાં છે. કચ્છના સરહદી ગામડામાંથી સામે આવેલ આ મામલો ફિલ્મી લવ સ્ટોરી જેવો છે. પ્રેમમાં પાગલ એક પાકિસ્તાની પ્રેમી યુગલ ગેરકાયદેસર સરહદ પાર કરી કચ્છમાં પહોંચી ગયું છે. જો કે ગ્રામજનોને જાણ થતાં તેમણે પોલીસ સુરક્ષા એજન્સીઓને માહિતી આપી હતી. પોલીસે બંનેની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.
માહિતી પ્રમાણે, પાકિસ્તાનના થરપારકરના ઇસ્લામકોટના લસરી ગામનાં પ્રેમીપંખીડાં 16 વર્ષીય કિશોર અને 15 વર્ષીય કિશોરી હાલમાં દરિયામાં ફેરવાઈ ગયેલી રણની સરહદ પાર કરીને ભારતમાં ઘૂસ્યા હતા. આ પાકિસ્તાની કપલ છેક પાકિસ્તાનથી ચાલીને રણ પાર કરીને 60 કિલોમીટર દૂર કચ્છ પહોંચ્યું હતું. બંનેની પૂછપરછ બાદ એવું સામે આવ્યું કે, મીર સમુદાયનો 16 વર્ષીય કિશોર અને 15 વર્ષીય કિશોરી વચ્ચેનો પ્રેમસંબંધ તેમના પરિવારને પસંદ ન હતો, જેને લીધે તેઓ ભાગી આવ્યા. તેઓ ચાર દિવસ પહેલા બે લિટર પાણી અને થોડુંક જમવાનું લઈને ઘરેથી રાતે બાર વાગે નીકળ્યા હતા. બીજા દિવસે રસ્તામાં ટાપુ પર રાત રોકાયા અને વરસાદનું પાણી પીને રણનું પાણી પાર કર્યું.
જો કે પ્રેમના ચક્કરમાં કોઈએ બોર્ડર પાર કરી હોયતેવો આ પહેલો કિસ્સો નથી. અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. સપ્ટેમ્બર 2024માં જ આવો ફિલ્મી કિસ્સો સામે આવ્યો હતો, જ્યારે પાકિસ્તાનના પંજાબમાં રહેતી પ્રેમિકાને મળવા જમ્મુ-કશ્મીરના યુવકે ભારત-પાકિસ્તાનની બોર્ડર પાર કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે સમય રહેતા ખાવડા પાસેથી પકડાઈ ગયો હતો. પોલીસ પૂછપરછ કર્યા પછી તેને છોડી મૂક્યો હતો. એ પહેલા જુલાઈ 2020માં પણ આવો કિસ્સો સામે આવ્યો હતો, જ્યારે પાકિસ્તાની પ્રેમિકાને મળવા જતાં મહારાષ્ટ્રનો યુવક કચ્છ બોર્ડર પરથી પકડાયો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp