અફઘાન વિદેશ મંત્રી મુતક્કીની પ્રેસ કોન્ફરન્સમાં એવું શું થયું MEA એ સફાઈ આપવી પડી
અફઘાનિસ્તાનના વિદેશ મંત્રી ભારતની 7 દિવસની મુલાકાતે આવ્યા છે અને તેમણે બીજા દિવસે વિદેશમંત્રી જયશંકર સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની પ્રેસ કોન્ફરન્સને લઈને વિવાદ ઊભો થયો છે. તેનું કારણ એ છે કે અફઘાન વિદેશ મંત્રી મુતક્કીની પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને એન્ટ્રી આપવામાં આવી નહોતી. તો આ મામલે વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે.
વિદેશ મંત્રાલય (MEA) એ સ્પષ્ટતા કરી છે કે શુક્રવારે (10 ઓક્ટોબર) દિલ્હીમાં અફઘાન વિદેશ મંત્રી દ્વારા યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મંત્રાલયનો કોઈ હસ્તક્ષેપ કે ભૂમિકા નહોતી. મંત્રાલયે એ પણ સ્પષ્ટતા કરી કે આ પ્રેસ ઇન્ટરેક્શનમાંથી મહિલા પત્રકારોને બાકાત રાખવાનો નિર્ણય MEAનો નહોતો. અફઘાન વિદેશ મંત્રીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મહિલા પત્રકારોની ગેરહાજરી પર ટીકા વચ્ચે MEAની ટિપ્પણીઓ આવી છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ મુદ્દો માત્ર પ્રેસ કોન્ફરન્સ આયોજકો દ્વારા નક્કી કરવામાં આવ્યો હતો અને MEAની કોઈ ભૂમિકા નહોતી.
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના વિદેશ મંત્રી અમીર ખાન મુતક્કી ગુરુવારે સાત દિવસની મુલાકાત માટે ભારત પહોંચ્યા હતા. તેમની મુલાકાતના બીજા દિવસે તેમણે ભારતીય વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓએ દ્વિપક્ષીય વેપાર, માનવતાવાદી સહાય અને સુરક્ષા સહયોગ જેવા મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ પર વિગતવાર ચર્ચા કરી હતી. મુતક્કીએ આશ્વાસન આપ્યું કે અફઘાન ભૂમિનો ઉપયોગ કોઈપણ સંજોગોમાં અન્ય દેશો સામે થવા દેવામાં નહીં આવે.
જોકે, તેમની મુલાકાત દરમિયાન એક વિવાદ પણ ઉભો થયો. શુક્રવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારોને પ્રવેશની મંજૂરી આપવામાં આવી નહોતી, જેના કારણે સોશિયલ મીડિયા પર તાલિબાનની નીતિની ભારે ટીકા થઈ હતી. ઘણા પત્રકારો અને સોશિયલ મીડિયા વપરાશકર્તાઓએ આ નિર્ણય પર પ્રતિક્રિયા આપી હતી.
આ દરમિયાન મુતક્કીએ એમ પણ કહ્યું કે ભારત સાથે દ્વિપક્ષીય સંબંધો સુધારવા માટે ધીમે ધીમે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આના ભાગ રૂપે, કાબુલ તેના રાજદ્વારીઓને ભારત મોકલશે. વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની વાતચીત બાદ મીડિયા બ્રીફિંગમાં મુતક્કીએ જાહેરાત કરી કે ભારતીય વિદેશ મંત્રીએ તેમને નિર્દેશ આપ્યો છે કે, પોતાના રાજદ્વારીઓને નવી દિલ્હી મોકલી શકે છે. હવે અફઘાનિસ્તાન જઈને રાજદ્વારીઓ સંદ કરવામાં આવશે અને તેમને ભારત મોકલવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp