...પેલી સ્ત્રીએ પોતાના ઉપસેલા પેટ પર હાથ દબાવી સત્તાવાહક સ્વરે કહ્યું, "આ જ મારી ડ્યુટી છે!!

...ત્યારે પેલી સ્ત્રીએ પોતાના ઉપસેલા પેટ પર હાથ દબાવી થોડા સત્તાવાહક સ્વરે કહ્યું, "આ જ મારી ડ્યુટી છે!!

11/03/2020 Magazine

ભૂમિધા પારેખ
અચરજ એક્સપ્રેસ
ભૂમિધા પારેખ
લેખિકા, વાર્તાકાર

...પેલી સ્ત્રીએ પોતાના ઉપસેલા પેટ પર હાથ દબાવી સત્તાવાહક સ્વરે કહ્યું,

જૂન, 2017. સ્થળ: ફ્રેન્કફોર્ટ, અમેરિકા

લીહ હેલીડે જ્હોન્સન નામની યુવતી પોતાના ત્રણ બાળકો અને પતિ સાથે પોતાના આવનાર ચોથા સંતાન માટે તૈયારીઓ કરતી હતી. એની ગર્ભાવસ્થાને લગભગ છ મહિના પુરા થઈ ગયા હતા. આ પહેલા હેલીડે પ્રસૂતિનો અનુભવ લઈ ચુકી હતી, એટલે આ બાળક માટે નિશ્ચિત હતી. દર મહિને એનું રેગ્યુલર ચેકઅપ થતું હતું, હેલીડે અને એના સંતાનનું સ્વાસ્થ્ય બરાબર હતું. કોઈ જ કોમ્પ્લિકેશન્સ નહોતા.

એકાએક એને સવારમાં પેટમાં થોડો દુઃખાવો થવા લાગ્યો. થોડીવાર પછી દુઃખાવો જાતે જ બંધ થઈ ગયો. હેલીડે ફરી પોતાના રૂટિનમાં લાગી ગઈ. થોડીવાર પછી ફરી દુઃખાવો ઉપડ્યો. ગર્ભાવસ્થાનું સામાન્ય લક્ષણ સમજી એણે થોડો સમય ધ્યાન નહીં આપ્યું. પોતાની રેગ્યુલર દવાઓ લઈ હેલીડે થોડો સમય ઊંઘી ગઈ. થોડીવારમાં એને સારું થવા લાગ્યું. પણ એ એનો ભ્રમ હતો. અચાનક જ એને વિચિત્ર ગભરામણ થવા લાગી. ફરી એના પેટમાં જાણે ધગધગતો લાવરસ ઉકળતો હોય એવું લાગ્યું. એનો દુઃખાવો સતત વધતો જ જતો હતો. ધીરેધીરે એના શ્વાસ ચડવા લાગ્યા હતા. આ ઘટનાને ખતરાની ચેતવણી સમજી એણે પોતાના પતિને વાત કરી, તુરંત એમણે હોસ્પિટલ જવાનું યોગ્ય માન્યું.


પોતાનું રૂટીન ચેકઅપ જ્યાં થતું હતું, ફ્રેન્કફોર્ટના લોકલ મેડિકલ સેન્ટરમાં, બંને ઝડપથી ત્યાં પહોંચ્યા. ડ્યુટી પર એક નવી જોડાયેલી નર્સ હાજર હતી, જે બે જ દિવસ પહેલા ત્યાં આવી હતી. એણે હેલીડેને એક રૂમમાં શિફ્ટ કરી અને જણાવ્યું કે હમણાં જે ગાયનેક ડૉક્ટરની ડ્યુટી છે એ થોડા સમય માટે હોસ્પિટલની બહાર ગયા છે. આ સાંભળી હેલીડે જ્હોન્સનની ચીસ નીકળી ગઈ. એની પીડાએ હવે માઝા મૂકી દીધી હતી. હેડ નર્સે સોનોગ્રાફી કરી જોયું તો હેલીડેના ગર્ભમાં બાળકના ગળામાં ગર્ભનાળ વીંટળાઈ ગઈ હતી. ગર્ભસ્થ બાળકના ધબકારા ધીરે ધીરે મંદ પડતા જતા હતા. જો ઝડપથી કોઈ એક્શન નહીં લેવાય, તો ગર્ભમાં જ બાળકનું મૃત્યુ નિશ્ચિત હતું.


હેડ નર્સે ડ્યુટી પર હાજર ડૉક્ટરને ફોન કર્યો, ત્યારે જાણવા મળ્યું કે તેઓ હોસ્પિટલથી થોડે દુર હતા અને એમને ત્યાં પહોંચતા થોડો સમય લાગે એમ હતો. હોસ્પિટલમાં બીજા ડૉક્ટર હાજર હતા, પરંતુ એ પ્રસૂતિશાસ્ત્રના નિષ્ણાંત નહોતા. આ તરફ હેલીડે સાથે જુનિયર નર્સ હાજર હતી. એ સતત હેલીડેને પોતાના ગર્ભ પર દબાણ નહીં આપવા સમજાવતી હતી. પરંતુ હેલીડેનો દુઃખાવો એટલો વધી ગયો હતો કે, એના માટે ગર્ભાશય પર આવી ગયેલા દબાણને અટકાવવું શક્ય નહોતું. એ કદાચ સમજી ગઈ હતી કે એ કેવી ગંભીર પરિસ્થિતિમાં ફસાઈ ગઈ હતી. એની આંખો સામે અંધારું છવાવા લાગ્યું હતું. એને લાગ્યું કે હવે કદાચ એનું બાળક નહીં બચી શકે.

એકાએક હેલીડે જ્હોન્સનના રૂમના દરવાજે ટકોરા પડ્યા. એટલે નર્સ તરત બહાર ગઈ. ત્યાં બીજી એક પેશન્ટ ઉભી હતી, જેને નવ મહિના પુરા થઈ ચૂક્યા હતા અને એ જ દિવસે સવારે પોતાની ડિલિવરી માટે એડમિટ થઈ હતી. જેને હવે દુઃખાવો પણ ધીરે ધીરે ચાલુ થઈ ગયો હતો.

એ સ્ત્રીને જોઈ જુનિયર નર્સ બોલી ઉઠી, "મિસિસ એમેન્ડા, તમે શા માટે તમારા બેડ પરથી ઉઠ્યા. તમને કોઈ તકલીફ છે? પ્લીઝ તમે તમારા રૂમમાં જાઓ. થોડીવારમાં ડૉક્ટર આવી જશે. તમારે આ રીતે ઉઠવું નહીં જોઈએ. તમારી ડિલિવરી હવે ગમે ત્યારે થઈ શકે છે."

એ સ્ત્રીએ નર્સને પૂછ્યું, "કોણ પેશન્ટ છે? શું તકલીફ છે એને?"

એટલે નર્સે થોડા ઊંચા અવાજે કહ્યું, "એ જોવાનું અમારું કામ છે. મહેરબાની કરી તમે તમારા બેડ પર જાઓ."

ત્યારે પેલી સ્ત્રીએ પોતાના ઉપસેલા પેટ પર હાથ દબાવી થોડા સત્તાવાહક સ્વરે કહ્યું, "આ જ મારી ડ્યુટી છે. કદાચ તમે નવા છો એટલે મને નહીં જાણતા હોવ. ડૉ. એમેન્ડા હેઝનું નામ સાંભળ્યું છે? આ જ હોસ્પિટલમાં હું સિનિયર ગાયનેકોલોજિસ્ટ તરીકે ફરજ બજાવું છું. હવે મને જણાવો શું વાત છે?"

આ સાંભળી જુનિયર નર્સ ઓછપાઈ ગઈ. "સોરી મેડમ, તમે બે દિવસથી રજા પર હતા અને હું ગઈ કાલે જ જોઈન થઈ છું એટલે તમને નહીં ઓળખ્યા. એક પેશન્ટ, લીઝ હેલીડે જ્હોન્સન, જેને પ્રેગ્નન્સીને હમણાં જ છ મહિના પુરા થયા છે, એના બાળકના ગળામાં નાળ વીંટળાઈ ગઈ છે અને એની હાલત ઘણી ગંભીર છે. ઓન ડ્યુટી ડૉક્ટરને આવતા વાર લાગશે."


"ઓહ! શી ઈઝ માય પેશન્ટ. લેટ મી ચેક હર." કહીને ડૉ એમેન્ડા બીજી જ ક્ષણે હેલીડે જ્હોન્સનના રૂમ તરફ જવા લાગ્યા.

"પણ મેડમ તમને પણ પેઈન ચાલુ થઈ ગયું છે. તમારે હવે રિસ્ક નહીં લેવું જોઈએ. પ્લીઝ, તમે આરામ કરો." નર્સે ડૉ. એમેન્ડા હેઝને વિનંતી કરી.

"ડોન્ટ બી પેનિક. આઈ વીલ મેનેજ!" અને ડૉ. હેઝ હેલીડે જ્હોન્સનના રૂમમાં પહોંચી ગયા.

ડૉ. એમેન્ડાને ત્યાં પેશન્ટના ગાઉનમાં જોઈ હેલીડેનો પતિ ચમકી ગયો, પણ હેલીડેને તો જાણે નજર સમક્ષ પોતાની મદદ માટે આવેલા દેવદૂતને જોઈ લીધા હોય એવી માનસિક શાંતિ થઈ ગઈ.

"ઝડપથી ઓપરેશન કરવું પડશે. તૈયારીઓ કરો." પોતાના પેશન્ટ ગાઉન પર મેડિકલ ગાઉન ચઢાવતા ડૉ. એમેન્ડાએ સૂચના આપી.

જુનિયર નર્સ ચમકી ગઈ. "પણ મેડમ તમે કેવીરીતે ઓપરેશન કરશો? ખુદ તમારી ડિલિવરીનો સમય નજીક છે."

"આપણી પાસે બીજો કોઈ રસ્તો નથી." બોલી ડૉ. એમેન્ડા ત્યાંથી જતા રહ્યા. હેલીડેને ઓપરેશન થિયેટરમાં શિફ્ટ કરવામાં આવી. એનેસ્થેટીસ્ટે હેલીડેને એનેસ્થેસિયા આપ્યું. ડૉ. એમેન્ડાએ કુશળતાથી હેલીડે જ્હોન્સનનું ઓપરેશન કર્યું. એની બાળકી પ્રિમેચ્યોર જન્મી, છતાં સ્વસ્થ હતી. એને ઝડપથી ચાઈલ્ડ સ્પેશિયાલીસ્ટને સોંપવામાં આવી. એ જ સમયે ડ્યુટી પર હાજર ડૉક્ટર આવી પહોંચ્યા. બાકીની પ્રોસેસ એમણે પુરી કરી. ત્યારબાદ એમેન્ડા હેઝ પોતાના રૂમમાં જતા રહ્યા અને એ જ દિવસે એક સ્વસ્થ બાળકીને જન્મ આપ્યો.


મિત્રો, જેમને પ્રસૂતિની પીડા શું છે એ ખબર હશે એ સમજી શકશે કે આવી હાલતમાં અન્ય દર્દીની મદદ કરવાનો નિર્ણય કેટલો કપરો અને જોખમી હોય શકે છે. પ્રસૂતિના થોડા સમય પહેલા લાંબા સમય સુધી ઉભા રહીને અન્ય સ્ત્રીનું ઓપરેશન કરવું, એ કલ્પના જ કેટલી ભયજનક છે. છતાં ડૉ એમેન્ડા હેઝે આ જોખમ લીધું. પોતાને શરૂ થયેલી પીડાને અવગણી, પોતાની ફરજ નિભાવી. હૃદયમાં એક ઊંડા આત્મસંતોષ સાથે એમેન્ડા હેઝે પોતાનું કાર્ય પૂર્ણ કર્યું. ડૉ. એમેન્ડા હેઝ માટે એવું કહી શકાય કે એમણે પોતાની ડિલિવરીની અંતિમ ક્ષણો સુધી પોતાની ફરજ બજાવી. હેલીડે જ્હોન્સન તો એમેન્ડા હેઝને પોતાના માટે એક આશીર્વાદ સમાન માને છે. જેણે પોતાના સ્વાસ્થ્યની ચિંતા કર્યા વિના અન્ય દર્દીને યોગ્ય સમયે સારવાર આપી નવું જીવન આપ્યું.

મિત્રો, આ ઘટના તમને કેવી લાગી એ જરૂરથી જણાવજો. દર મંગળવારે આપ સૌ માટે હું લાવતી રહીશ આવી જ અજાયબ ઘટનાઓ, ફક્ત 'અચરજ એક્સપ્રેસ' પર.

(All images seen with the article are Symbolic)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top