એક મહિલાએ એક બાળક દત્તક લીધું, અને પછી જે બન્યું એ બોલીવુડની ફિલ્મ જેવું હતું!

એક મહિલાએ એક બાળક દત્તક લીધું, અને પછી જે બન્યું એ બોલીવુડની ફિલ્મ જેવું હતું!

12/01/2020 Magazine

ભૂમિધા પારેખ
અચરજ એક્સપ્રેસ
ભૂમિધા પારેખ
લેખિકા, વાર્તાકાર

એક મહિલાએ એક બાળક દત્તક લીધું, અને પછી જે બન્યું એ બોલીવુડની ફિલ્મ જેવું હતું!

વર્ષ 2020ની એક ખુશનુમા સવાર.

કેટી પૅજ નામની મહિલા પોતાના બેકયાર્ડમાં રમતા ત્રણ બાળકો સામે જોઈ રહી. માસૂમિયતથી ભરેલા એ ત્રણે ચહેરા એકબીજા કરતા ઘણા અલગ હતા, છતાં એમની વચ્ચે દેખાતો વ્હાલનો સંબંધ અને કંઈક અનોખી આત્મીયતા એમની વચ્ચે છવાયેલી દેખાતી હતી. ત્રણેના ખીલખીલાટ ચહેરા જોઈ કેટી પૅજ થોડા વર્ષો પહેલાના ભૂતકાળમાં ખોવાઈ ગઈ.

પોતાની જિંદગીના ત્રણ દાયકા પૂરા થાય એ પહેલાં જ કેટીએ પોતાનો પ્રેમ સંબંધ ગુમાવીને છૂટાછેડા મેળવી ચૂકી હતી. એના જીવનમાં હતાશાએ પોતાનું સામ્રાજ્ય જમાવવાનું ચાલુ કરી દીધું હતું. જ્યાં જન્મી અને જ્યાં પોતાનું કેરિયર સેટ કર્યું હતું, એ અલાબામા છોડી કેટી પૅજ કોલોરાડો શહેરમાં સ્થાયી થઈ ગઈ. હવે અલાબામામાં એણે પોતાનો કડવો ભૂતકાળ દફનાવી આગળ વધવાનું નક્કી કરી લીધું હતું.

કોલોરાડો શહેરમાં એણે ચાર રૂમનું વિશાળ ઘર ખરીદ્યું. એક એકલી યુવતીને રહેવા માટે એ ઘર ઘણું મોટું હતું, એટલે કેટીના માતાપિતા અને મિત્રોને ઘણી નવાઈ લાગી. પરંતુ કેટીને લાગતું હતું કે એની નિયતીએ એને એ ઘર ખરીદવા પ્રેરી હતી. ધીરેધીરે કેટીનું જીવન એ ઘર અને નવા શહેરમાં થાળે પડી ગયું. થોડા સમયમાં એને લાગવા માંડ્યું કે એણે હવે જીવનમાં કશું નવું કરવું જોઈએ. પોતાના હતાશ જીવનમાં થોડી ખુશી ભરવી જોઈએ. એના માટે કેટીએ અન્ય વ્યક્તિને પોતાના જીવનમાં સામેલ કરવાનું વિચાર્યું. કારણકે લાંબા સમયની એકલતાએ એને માનસિક રીતે થકવી નાખી હતી. પરંતુ ફરીવાર પ્રેમસંબંધમાં જોડાવા માટે એનું હૃદય તૈયાર નહોતું.


આખરે એને પોતાના જીવનમાં નવી ખુશી ભરવાનો એક રસ્તો દેખાયો. ત્યાંના પાદરીએ એને એક ઉપાય બતાવ્યો, બાળકને દત્તક લેવાનો. પરંતુ અમેરિકામાં બાળકને દત્તક લેવાની પ્રક્રિયા ઘણી જ જટિલ અને માનસિક રીતે થકવી નાખનારી હોય છે. ફક્ત કોઈ બાળકને દત્તક લેવા માટેની એપ્લિકેશન કરવાથી બાળક નથી મળી જતું. ત્યાં આવા અનાથ બાળકોને દત્તક આપવા પહેલા, દરેક એ વ્યક્તિ જે બાળક દત્તક લેવા માંગે છે એણે ફોસ્ટર ચાઈલ્ડ તરીકે બાળકોનું પાલનપોષણ કરવું પડે છે. એટલેકે જે તે સંસ્થા એક અથવા વધુ બાળકો, જેઓ અલગ અલગ ઉંમરના હોય છે, એમની દેખભાળ કરવા થોડા મહિના માટે જે તે વ્યક્તિને સોંપે છે. એ વ્યક્તિની બાળકોને ઉછેરવાની ઇચ્છાશક્તિ અને મહેનતની આકરી કસોટી થાય છે. કોઈ અન્યના બાળકને એક માતાપિતાનો પ્રેમ આપી એનો યોગ્ય ઉછેર કરવાનું કામ ધારવા જેટલું સરળ નથી હોતું.

કેટી પૅજને એક પછી એક એમ ચાર અલગ અલગ ઉંમરના બાળકોને ઉછેરવાની જવાબદારી સોંપવામાં આવી. સંપૂર્ણ કાળજી અને પ્રેમથી કેટીએ એમની જવાબદારી નિભાવી. એ બાળકોની વચ્ચે, કેટીએ પોતાના તૂટેલા હૃદયમાં છુપાયેલા માતૃત્વને જીવંત થતું અનુભવ્યું. એનો દત્તક બાળકનો નિર્ણય વધુ મજબૂત થયો.

આખરે વર્ષ 2016માં કેટીની પ્રતીક્ષાનો અંત આવ્યો. એક લોકલ ફોસ્ટર કેર સેન્ટરમાંથી કેટી પર એક ફોન આવ્યો. એક ચાર દિવસના બાળકને લોકલ હોસ્પિટલમાં એકલું છોડી દેવાયું હતું, જેને માતાપિતાની સખત જરૂરિયાત હતી. કેટી જરૂરી વિધિ કરીને એ નાનકડા માસૂમ છોકરાને પોતાના ઘરે લઈ આવી. કોઈ નામ વગરના એ બાળકને કેટીએ પ્રેમથી નામ આપ્યું, 'ગ્રેસન'. અને ત્યારથી ગ્રેસન કેટીના જીવનનો આધાર બની ગયો.

આ બાજુ ફોસ્ટર સેન્ટરે અખબારમાં ગ્રેસનના માતાપિતાની ભાળ મેળવવા માટે જાહેરાત આપી. પરંતુ કોઈ વ્યક્તિએ ગ્રેસન માટે દાવો નહીં કર્યો. છેવટે કાયદા મુજબ જાહેરાત આપ્યાના અગિયાર મહિના બાદ ગ્રેસન પર કેટીનો કાયદાકીય અધિકાર થયો અને એણે ગ્રેસનને દત્તક લીધો. પછી તો કેટીની સવાર ગ્રેસન સાથે ઉગતી અને રાત ગ્રેસન સાથે આથમતી.

હવે તમને થશે કે આ ઘટનામાં અચરજ જેવું શું છે? એક બાળકને એકલવાયી સ્ત્રી દ્વારા દત્તક લેવાની સામાન્ય ઘટના જ છે. તો આ ઘટનામાં આશ્ચર્ય, ટ્વિસ્ટ અને આંચકો હવે આવે છે.

ગ્રેસનને દત્તક લીધા બાદ બીજા જ અઠવાડિયે ફરી ફોસ્ટર કેરમાંથી કેટી પર એક ફોન આવ્યો. ફરી અગાઉની જ ઘટના પુનરાવર્તિત થઈ. એક ચાર દિવસની બાળકીને કોઈ હોસ્પિટલમાં છોડી ગયું હતું. ફરી કેટીનું માતૃહૃદય એ બાળકી પાસે પહોંચી ગયું. એ બાળકી પાસે પહોંચી કેટીએ એક અતિ આશ્ચર્યજનક બાબત નોંધી. એ બાળકીના હાથમાં એક બ્રેસલેટ હતું, જેના પર એની માતાનું પહેલું નામ લખેલું હતું. કેટીને એ નામ જાણીતું લાગ્યું. એણે એ સ્ત્રીની જન્મતારીખ વિશે તપાસ કરી તો વધુ એક અચરજ કેટીની રાહ જોતું હતું.

કેટી એ ચાર દિવસની બાળકીને પોતાના ઘરે લાવી એની દેખભાળ કરવા માંડી. એકલી રહેતી કેટી માટે બીજા બાળકને ઉછેરવું મુશ્કેલ હતું. તેમ છતાં એની મમતા એવી જાગી ઉઠી કે વધુ એક વાર તમામ કાયદાકીય વિધિ પૂરી કરીને એણે આ નવજાત બાળકીને દત્તક લઇ લીધી! કેટીએ બાળકીનું નામ હેન્ના રાખ્યું. હેન્ના અને ગ્રેસન વચ્ચે ઘણો તફાવત હતો. ગ્રેસનનો ચહેરો આફ્રિકન-અમેરિકનનું મિશ્રણ હતો. એની ત્વચા ડાર્ક અને કાળા વાંકડિયા વાળ હતા. જ્યારે હેન્નાની ત્વચા એકદમ ગોરી અને એના વાળ સોનેરી રંગના એકદમ લીસા હતા. એમનો સ્વભાવ પણ એકબીજાથી ભિન્ન હતો. છતાં એમના વચ્ચે એક કુદરતી ગાઢ સંબંધ હતો. બંનેમાં એક અનોખું ખેંચાણ હતું. ઘણીવાર એમનું વર્તન જોઈ કેટી વિમાસણમાં પડી જતી. એની સામે હેન્નાના હાથનું બ્રેસલેટ તરવરી ઉઠતું. એ અચંબિત થઈ ઉઠતી કે આવું કેવીરીતે શક્ય બને!


આખરે ડીએનએ ટેસ્ટ થયો, અને...

આખરે ડીએનએ ટેસ્ટ થયો, અને...

આખરે પોતાના મનમાં જાગેલી શક્યતાની ખરાઈ કરવા કેટીએ ગ્રેસન અને હેન્નાનો DNA ટેસ્ટ કરાવ્યો. જેના દ્વારા કેટીની શંકા હકીકતમાં પરિણમી. ગ્રેસન અને હેન્ના બંને બાયોલોજીકલ ભાઈ-બહેન હતા. એ બંને બાળકોની માતા એક જ હતી. પછી કેટીએ એમની માતાને શોધીને એની પાસે સત્ય જાણ્યું. એ સ્ત્રીએ સ્વીકાર્યું કે એ જ ગ્રેસનની માતા હતી. ગ્રેસનને જન્મ આપ્યા બાદ થોડા જ સમયમાં એણે બીજીવાર ગર્ભ ધારણ કર્યો હતો. ગ્રેસનના જન્મની તારીખે જ એક વર્ષ પછી એણે હેન્નાને જન્મ આપ્યો હતો. એણે એ પણ સ્વીકાર્યું કે એ બંને બાળકોના પિતા અલગ અલગ વ્યક્તિ હતા.

આ હકીકત જાણી કેટી પોતાના હાથમાં નસીબની રેખાઓ જોવા લાગી. ક્યાં ભૂતકાળમાં લગ્ન વિચ્છેદને કારણે હતાશામાં ગરકાવ થયેલી કેટી, અને ક્યાં આજે બે બાળકોને પ્રેમથી ઉછેરતી એક માતા! કેટીએ એ સ્ત્રીનો હૃદયપૂર્વક આભાર માન્યો, કારણકે એ સ્ત્રીને કારણે જ આજે કેટીના જીવનમાં બમણી ખુશીઓ આવી હતી.

મિત્રો, તમને શું લાગે છે? કેટી આટલા સુખમાં સંતોષ પામી હશે? તો એનો જવાબ છે, ના! કેટીના ઘરની જેમ જ એનું હૃદય પણ ખૂબ વિશાળ છે. એણે પેલી સ્ત્રીના ત્રીજા જન્મેલા બાળકને પણ અપનાવવાનું નક્કી કરી લીધું. એ બાળકને એણે પાલક માતા તરીકે ઉછેરવાનું શરૂ કર્યું છે. અને થોડા સમય બાદ કાયદાકીય પ્રોસેસ પૂર્ણ થયા બાદ, ત્રીજું બાળક પણ કેટીને દત્તક આપવામાં આવશે.

કોણે કહ્યું કે ફક્ત બાળકને જન્મ આપ્યા બાદ જ માતા બની શકાય છે! કેટીએ ગર્ભધારણ કર્યા વિના કે બાળકને જન્મ આપ્યા વિના ત્રણ બાળકો, જે એકબીજાના જૈવિક ભાઈબહેન છે, એમને અપનાવીને આધુનિક યશોદાનો સાક્ષાત્કાર કરાવ્યો છે. એ બાળકો પણ કેટીને જ પોતાની માતા માને છે. અને કેટી? એના માટે તો આ ત્રણ બાળકો એનું સંપૂર્ણ જીવન બની ગયા છે.

આવા કિસ્સાઓ જવલ્લે જ બનતા હોય છે કે કોઈ વ્યક્તિ અજાણતા જ બે બાળકોને અલગ અલગ સમયે દત્તક લે અને એ બાળકો એકબીજા સાથે લોહીના તાંતણે બંધાયેલા હોય. જો એ ત્રણે બાળકો અલગ પરિવારોને દત્તક અપાઈ ગયા હોત તો? કદાચ ત્રણે દુનિયાના અલગ ખૂણામાં એકબીજાથી સંપૂર્ણ અજાણ બની જીવન વ્યતીત કરતા હોત. તો આ ઘટના પણ એક સામાન્ય ઘટના બનીને રહી જાત. પરંતુ એ ત્રણે બાળકોની નિયતીએ એમને અલગ નહીં થવા દીધા. ભલે એમને જન્મ આપનારી માતાનો પ્રેમ નહીં મળ્યો, પરંતુ એક એવી સ્ત્રીની હૂંફ, પ્રેમ મળ્યા જે એમના માટે સવાઈ માતા સાબિત થઈ.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top