જ્યારે ડોમિનોઝ પિત્ઝાના કર્મચારીઓએ અકલ્પનીય મુશ્કેલીમાં ફસાયેલા ગ્રાહકનો જીવ બચાવ્યો!

જ્યારે ડોમિનોઝ પિત્ઝાના કર્મચારીઓએ અકલ્પનીય મુશ્કેલીમાં ફસાયેલા ગ્રાહકનો જીવ બચાવ્યો!

01/19/2021 Magazine

ભૂમિધા પારેખ
અચરજ એક્સપ્રેસ
ભૂમિધા પારેખ
લેખિકા, વાર્તાકાર

જ્યારે ડોમિનોઝ પિત્ઝાના કર્મચારીઓએ અકલ્પનીય મુશ્કેલીમાં ફસાયેલા ગ્રાહકનો જીવ બચાવ્યો!

સ્થળ : સેલમ, ઓરેગન

પીઝા કોને નહીં ભાવતા હોય? રંગબેરંગી સલાડ અને ચીઝથી ભરેલા પીઝા જોઈ કોઈને પણ મોઢામાં પાણી છૂટી જાય. એક વ્યક્તિ દસ વર્ષથી રોજ પીઝા ખાતો હતો. એ પણ એક જ પીઝા સેન્ટરના. અચાનક એક દિવસ...... 

સેલમ શહેરના એક ડોમીનોઝ પીઝા સેન્ટર પર રાત્રે પોતાની ડ્યુટી પર હાજર મેનેજર સેરાહ ફુલરને એના એક કર્મચારીએ આવીને જણાવ્યુ કે આજે કિર્ક એલેક્ઝાંડરનો ઓર્ડર નથી આવ્યો. જરા પણ નવાઈ પામ્યા વગર સેરાહે કહ્યું, “વાંધો નહીં. થોડો સમય રાહ જુઓ. એવું નહીં બને કે એમનો ઓર્ડર નહીં આવે.”

ત્યારે કર્મચારીએ કહ્યું, “મેડમ, થોડા દિવસથી એમનો કોઈ ઓર્ડર નથી નોંધાયો.”

આ સાંભળી સેરાહ ફુલર ચમકી ઉઠી. કારણકે કર્મચારી જે ઓર્ડરની વાત કરતો હતો, એ કિર્ક એલેક્ઝાંડર નામનો વ્યક્તિનો હતો. આ વ્યક્તિ છેલ્લા દસ વર્ષથી લગભગ રોજ જ સાંજે ડોમીનોઝના આ સેન્ટર પર ઓનલાઈન ઓર્ડર આપતો હતો. કિર્ક હમેશા ડોમીનોઝની અલગ અલગ વસ્તુઓ મંગાવતો. એ ખાવાનો ખૂબ શોખીન હતો. કોઈવાર પીઝા, તો કોઈવાર પાસ્તા, કોઈવાર પોકેટ્સ, તો કોઈવાર સલાડ. જ્યારે પણ ડોમીનોઝના મેન્યૂમાં કોઈક નવી ડિશ ઉમેરાતી, સૌથી પહેલા કિર્ક જ એનો ઓર્ડર કરતો. ડોમીનોઝનો તમામ સ્ટાફ કિર્કને સારી રીતે ઓળખતો હતો.

48 વર્ષનો કિર્ક એલેક્ઝાંડર એકલવાયું જીવન જીવતો હતો. ડોમિનોઝના કર્મચારીઓ અને કિર્કના પાડોશીઓ એને એક શાંત અને મળતાવડા સ્વભાવની વ્યક્તિ તરીકે ઓળખતા હતા. ડોમીનોઝના ડિલિવરી બોય સાથે હમેશા એ હસીને મળતો હતો. આ રીતે જ કિર્ક ડોમીનોઝના કર્મચારીઓ સાથે ઘણો હળીમળી ગયો હતો.

સેરાહ ફૂલરે પોતાની ઓનલાઈન સિસ્ટમમાં જોયું, તો છેલ્લા પાંચ દિવસથી કિર્કનો કોઈ ઓર્ડર નહોતો. સારાહે પોતાના બીજા કર્મચારીઓને કિર્ક વિશે પૂછ્યું. પરંતુ કોઈને એના વિશે માહિતી નહોતી. એક કર્મચારીએ કહ્યું કે કદાચ કિર્ક થોડા સમય માટે શહેરની બહાર ગયો હોય. આથી થોડો સમય રાહ જોવાનું નક્કી કરી સારાહે એ વાત પડતી મૂકી.

જ્યારે પણ કિર્કનો ઓર્ડર એમની સ્ક્રીન પર દેખાતો, એ સહુ ઉત્સાહમાં આવીને એકબીજાને જણાવતા કે કીર્કે આજે આ વસ્તુ ઓર્ડર કરી છે. અને એમનામાં ઉત્સાહ પ્રગટવો સ્વાભાવિક હતો, કારણકે કિર્ક એમનો સૌથી જૂનો અને લોયલ કસ્ટમર હતો

બીજા ચાર દિવસ નિકળી ગયા. કિર્કનો કોઈ જ ઓર્ડર નહોતો નોંધાયો. હવે ડોમિનોઝના સ્ટાફને કિર્કની ચિંતા થવા લાગી. વર્ષો જૂનો વફાદાર ગ્રાહક અચાનક કારણ જણાવ્યા વગર દેખાતો બંધ થઈ જાય તો કુતૂહલ થવું સ્વાભાવિક હતું. અને લાંબો સમય થાય તો કુતૂહલ ચિંતામાં પરિવર્તિત થઈ જાય છે. કારણકે છેલ્લા દસ વર્ષોમાં જો કદી કિર્ક શહેરની બહાર ગયો હોય, તો પણ આટલા બધા દિવસ સુધી પાછો નહીં ફરે એવું નહોતું બન્યું. એક શક્યતા એવી પણ હતી કે કીર્કે શહેરના બીજા કોઈ પિઝા સેન્ટરમાંથી ખાવાનું મંગાવવાનું ચાલુ કર્યું હોય. પરંતુ જે વ્યક્તિ દસ વર્ષથી એક જ જગ્યાએથી ખાવાનું ઓર્ડર કરતો હોય, એ કારણ વગર અન્ય સ્થળે નહીં જાય.


આખરે સારાહ ફૂલરે એક કર્મચારીને કિર્કના ઘરે મોકલી તપાસ કરવાનું નક્કી કર્યું. ટ્રેસી હેમ્બલીન નામના ડિલિવરી બોયને સારાહે કિર્કના ઘરે મોકલ્યો. ટ્રેસી હેમ્બલીન અગાઉ ઘણીવાર કિર્કના ઘરે પીઝા આપવા આવી ચૂક્યો હતો અને કિર્કને સારી રીતે ઓળખતો હતો. ટ્રેસી જેવો કિર્કના ઘર પાસે પહોંચ્યો, એણે થોડે દૂરથી જોયું તો કિર્કના ઘરની અંદર લાઇટ ચાલુ હતી. ટ્રેસી આ જોઈ ઉત્સાહમાં આવી ગયો. એ ઝડપથી કિર્કના ઘરે પહોંચ્યો અને ડોરબેલ વગાડી. પરંતુ થોડીવાર સુધી કોઈએ દરવાજો નહીં ખોલ્યો. ફરી ટ્રેસીએ ડોરબેલ વગાડી. સાથે હળવેથી દરવાજા પર ટકોરા માર્યા. થોડીક્ષણો સુધી અંદરથી કઈ જવાબ આવે એની આશામાં ઊભો રહ્યો. પરંતુ કોઈએ જવાબ નહીં આપ્યો. એણે ફરી જોરથી દરવાજો ખખડાવ્યો. સાથે જ પોતાના મોબાઈલ પરથી કિર્કના નંબર પર ફોન કર્યો, જે ડોમિનોઝની સીસ્ટમમાં નોંધાયેલો હતો. પરંતુ આખી રિંગ પૂરી થઈ ગઈ અને આન્સરીંગ મશીન વોઇસ મેસેજ છોડવા માટે કહેવા લાગ્યું. ફરી ટ્રેસીએ જોરથી દરવાજો ખખડાવ્યો, પરંતુ એની હતાશા વચ્ચે સામેથી કોઈ જવાબ નહીં મળ્યો.

 ટ્રેસીના હ્રદયમાં કશુંક અઘટિત બનવાની શંકા થઈ અને એ ફરી પીઝા સેન્ટર પર ગયો અને સારાહને સમગ્ર હકીકત જણાવી. હવે શું કરવું એની મૂંઝવણમાં સૌ વિચારવા લાગ્યા. છેવટે સર્વાનુમતે પોલીસની મદદ લેવાનું નક્કી કર્યું. ટ્રેસીએ 911 પર ફોન કરી કહ્યું, “હું ડોમિનોઝ પીઝા સેન્ટરમાંથી બોલું છું. એક ઈમરજન્સી માટે અમને મદદ જોઈએ છે. અમારો એક કસ્ટમર કિર્ક એલેક્ઝાંડર છેલ્લા 11 દિવસથી કોઈ ઓર્ડર નથી કરી રહ્યો...” અને ટ્રેસીએ કિર્ક વિશેની સમગ્ર હકીકત જણાવી. કોલ સેન્ટરે બધી માહિતી લઈ પોલીસને ફોરવર્ડ કરી.

પોલીસ તરત જ હરકતમાં આવી ગઈ અને ડોમિનોઝના અમુક કર્મચારીને સાથે રાખીને કિર્કના ઘરે પહોંચ્યા. ત્યાં હજી પણ ઘરની લાઇટ ચાલુ હતી. પોલીસે ડોરબેલ વગાડી અને થોડી ક્ષણો ઊભા રહ્યા. અંદરથી કોઈ જવાબ નહીં આવ્યો. ફરી પોલીસે ડોરબેલ વગાડી અને સાથે જોરથી દરવાજો ઠોકી કિર્ક એલેક્ઝાંડરના નામની બૂમો પાડવા લાગ્યા. સૌના આશ્ચર્ય વચ્ચે અંદરથી હળવો અવાજ આવ્યો, “હેલ્પ”

તરત જ પોલીસે દરવાજો તોડી નાખ્યો અને અંદર ગયા. અંદર એક આંચકાજનક દ્રશ્ય એમની રાહ જોતું હતું. કિર્ક એલેક્ઝાંડર ઘરમાં અધમરી હાલતમાં ભોંય પર પડ્યો હતો. એ સંપૂર્ણ બેહોશ હાલતમાં હતો. કદાચ પોલીસે લગાવેલો કિર્કના નામનો અવાજ સાંભળી અર્ધચેતન અવસ્થામાં કીર્કે મદદ માટે અવાજ આપ્યો હશે.

તરત જ કિર્કને પેરમેડિકલ સારવાર આપી, એમ્બ્યુલન્સ દ્વારા નજીકના મેડિકલ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યો. ત્યાંના ડોક્ટરે કિર્કની તુરંત સારવાર ચાલુ કરી દીધી. કિર્ક થોડો સ્ટેબલ થયો, ત્યારે ડોક્ટરે જણાવ્યુ કે કિર્કને હેવી સ્ટ્રોક આવ્યો હતો. પરંતુ એ ખબર નહીં પડી કે શા માટે કિર્કને સ્ટ્રોક આવ્યો અને ક્યારે આવ્યો! કેટલો સમય અથવા કેટલા દિવસ કિર્ક આવી હાલતમાં એના ઘરમાં પડી રહ્યો એનો અંદાજો લગાવવો મુશ્કેલ હતો.

સૌથી સારી વાત એ હતી કે કિર્ક ધીરેધીરે સાજો થઈ રહ્યો હતો અને એના આશ્ચર્ય વચ્ચે એને મળવા રોજ ડોમિનોઝના કર્મચારીઓ આવી રહ્યા હતા, આ જોઈ કિર્કને માનસિક સ્વસ્થતા મળી કે આ શહેરમાં એની ચિંતા કરવાવાળા પણ કોઈ છે. એનાથી કિર્ક ઝડપથી સાજો થવા લાગ્યો.

લગભગ પંદર દિવસ પછી ડોમિનોઝની સિસ્ટમ પર પિઝાનો એક ઓર્ડર ઝળકયો. એ ઓર્ડર જોઈ સહુ કર્મચારી ખુશ થઈ ગયા. એ કિર્કનો ઓર્ડર હતો.

ડોમીનોઝે પોતાના રેગ્યુલર અને લોયલ કસ્ટમરની થોડા સમયની ગેરહાજરી પર સતર્કતા દાખવી એનું જીવન બચાવ્યું. વિચારો, જો ડોમિનોઝના કર્મચારીઓએ ધ્યાન પર નહીં લીધું હોત અને કિર્કની તપાસ નહીં કરી હોત તો કદાચ કિર્ક આજે....

તો ચાલો મિત્રો મળતા રહીશું દર મંગળવારે ‘અચરજ એક્સ્પ્રેસ’માં આવી જ અજાયબ ઘટનાઓને પીઝા ખાતા ખાતા.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top