ઓપરેશન સિંદૂર અને ભારતની આતંકવાદ વિરુદ્ધની નીતિને વિશ્વ સમક્ષ પહોંચાડવા માટે 7 પ્રતિનિધિમંડળો વિવિધ દેશોમાં મોકલવામાં આવ્યા છે. આ જ ક્રમમાં, અમેરિકા સહિત 5 દેશોની યાત્રા પર જવા અગાઉ, કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે શુક્રવારે (23 મે, 2025) કહ્યું કે દેશ આતંકવાદ સામે ચૂપ નહીં રહે.
શશિ થરૂરે X પર એક વીડિયો શેર કરતા કહ્યું કે, ‘અમે દુનિયાને બતાવીશુ કે અમે (ભારત) આતંકવાદથી ડરતા નથી. અમે ચૂપ નહીં બેસીએ. અને સત્ય સામે લાવીશું. આ મિશન શાંતિનું છે. આ મિશન દ્વારા અમે દુનિયાને વિશ્વાસ અપાવીશું કે ભારત શાંતિના માર્ગ પર અગ્રેસર છે અને આતંકવાદનો વિરોધ કરે છે. અમે ત્યાં લોકોને એ બતાવવા જઈ રહ્યા છીએ કે આ ઘટનાને લઈને અમારો અનુભવ શું હતો અને અમે જે કર્યું તે શા માટે કર્યું અને ભવિષ્યમાં અમારું વલણ આવું કેમ રહેશે?’ તેમણે એમ પણ કહ્યું કે અમે ત્યાં લોકો સાથે બહેસ કરવા જઈ રહ્યા નથી, પરંતુ તેમને બતાવવા અને લોકોને મળવા જઈ રહ્યા છીએ, જેથી લોકો સમજી શકે કે અમે અત્યાર સુધી શું સહન કર્યું છે.
કોંગ્રેસના નેતા શશિ થરૂરની આગેવાની હેઠળના પ્રતિનિધિમંડળમાં ડૉ સરફરાઝ અહમદ, શાંભવી, જી.એમ. હરીશ બાલયોગી, શશાંક મણિ ત્રિપાઠી, ભુવનેશ્વર કલિતા, તેજસ્વી સૂર્યા અને મિલિંદ દેવડાનો સમાવેશ થાય છે. આ પ્રતિનિધિમંડળ અમેરિકા ઉપરાંત,પનામા, બ્રાઝિલ અને કોલંબિયાની પણ મુલાકાત લેશે. ભારતે આતંકવાદના મુદ્દા પર પાકિસ્તાનને ઉઘાડું પાડવા માટે સર્વપક્ષીય સાંસદોના 7 પ્રતિનિધિમંડળોની રચના કરી છે. તેમાં 59 સભ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગ્રુપ 1: સાઉદી અરેબિયા, કુવૈત, બહરીન અને અલ્જીરિયા
ગ્રુપ 2: UK, ફ્રાન્સ, જર્મની, યુરોપિયન યુનિયન, ઇટાલી અને ડેનમાર્ક
ગ્રુપ 3: ઇન્ડોનેશિયા, મલેશિયા, દક્ષિણ કોરિયા, જાપાન અને સિંગાપોર
ગ્રુપ 4: સંયુક્ત આરબ અમીરાત, લાઇબેરિયા, કોંગો અને સિએરા લિયોન
ગ્રુપ 5: અમેરિકા, પનામા, ગુયાના, બ્રાઝિલ અને કોલંબિયા
ગ્રુપ 6: સ્પેન, ગ્રીસ, સ્લોવેનિયા, લાતવિયા અને રશિયા
ગ્રુપ 7: ઇજિપ્ત, કતર, ઇથોપિયા અને દક્ષિણ આફ્રિકા.