યુવરાજના મતે આ ખેલાડીએ વર્લ્ડ કપની ભારતીય ટીમમાં હોવું જોઈતું હતું
ભારતમાં ICC વર્લ્ડ કપની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે પૂર્વ દિગ્ગજ ખેલાડીઓ અને ક્રિકેટ વિશેષજ્ઞો પોત-પોતાના મંતવ્યો રજૂ કરતા હોય છે. કોઈક કઇ ટીમ વર્લ્ડ કપ જીતવાની પ્રબળ દાવેદાર છે તેની ભવિષ્યવાણી કરે છે તો કોઈક ટીમમાં ખેલાડીને સામેલ ન કરવાને લઈને નિરાશા વ્યક્ત કરે છે. હવે પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજ સિંહની પ્રતિક્રિયા સામે આવી છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપની વોર્મ-અપ મેચોની શરૂઆત થઈ ગઈ છે. ભારતની પહેલી પ્રેક્ટિસ મેચ આજે ઈંગ્લેન્ડ સામે રમાશે, જ્યારે વર્લ્ડ કપની પહેલી મેચ ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની તૈયારીઓ ખૂબ સારી લાગી રહી છે.
એશિયા કપમાં ઇજાગ્રસ્ત થયેલો અક્ષર પટેલ વર્લ્ડ કપથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. તેની સાથે સ્પિનર તરીકે કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા હશે. જો કે વર્ષ 2011માં વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહેલા પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહનું માનવું છે કે યુઝવેન્દ્ર ચહલે ટીમમાં હોવું જોઈતું હતું.
યુવરાજ સિંહે ANI સાથે વાતચીત કરતા ભારતીય ટીમની તૈયારીઓ બાબતે કહ્યું કે, ‘આપણી ટીમ સારી છે. ટીમનું સંતુલન ખૂબ સારું છે. મને લાગે છે કે યુઝવેન્દ્ર ચહલે ટીમમાં હોવું જોઈતું હતું કે આપણે ભારતમાં રમી રહ્યા છીએ અને અહી ઘણી વખત બૉલ સ્પિન થાય છે. બાકી, મારા ખ્યાલથી ટીમનું સંતુલન સારું છે. એ થોડું હેરાનીભર્યો નિર્ણય હતો. જેમ કે મેં કહ્યું યુઝવેન્દ્ર ચહલ વધારે સારો વિકલ્પ હોય શકતો હતો કેમ કે તે એક લેગ સ્પિનર છે અને એક એવો ખેલાડી છે જે મેચ જીતાડીને આપી શકે છે.
યુવરાજ સિંહે વૉશિંગટન સુંદરને લઈને કહ્યું કે, વોશિંગ્ટન સુંદર એક યુવા ખેલાડી છે, જે બેટિંગ પણ કરી શકે છે. તેણે અત્યારે ઓપન (ઓસ્ટ્રેલિયા સામેની ત્રીજી વન-ડે મેચમાં) પણ કર્યું, પરંતુ અંતે કેપ્ટન અને કોચે જ જોવાનું હોય છે કે કોની પાસે સૌથી સારું ફોર્મ છે. ઉલ્લેખનીય છે કે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને કોચ રાહુલ દ્રવિડ સાથે સાથે ચીફ સિલેક્ટર અજીત અગરકરે પણ ચહલને ટીમમાં રાખવાની કોઈ રુચિ ન દેખાડી. કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજા સિવાય તેમની પહેલી પસંદ અક્ષર પટેલ હતો. તેના ઇજાગ્રસ્ત થવા પર રવિચંદ્રન અશ્વિનના અનુભવ સાથે જવું યોગ્ય સમજ્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp