વડોદરામાં નશેડીનો ફરી આતંક, દારૂ પીને પુરપાટ દોડતાવતા કાર ચાલકે 5-7 વાહનોને એક સાથે મારી ટક્કર, જુઓ વીડિયો
વડોદરા સહિત રાજ્યભરમાં સતત હિટ એન્ડ રનની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 3 દિવસમાં વડોદરા શહેરમાં 3 લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. વડોદરામાં લોકો હજુ રક્ષિત ચૌરસિયા કાંડની ઘટના ભૂલી શક્યા નહોતા ત્યાં તો દારૂ પીને વાહન ચલાવવાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. એક છાકટા વાહનચાલકે એકસાથે 5-7 વાહનોને ટક્કર મારીને હાહાકાર મચાવી દીધો હતો. ખોડિયાર નગર ચોકડીથી એસઆર પેટ્રોલ પંપ તરફ જતી વખતે, બળિયાદેવ મંદિરની સામે એક કાર ચાલકે એક સાથે 5-7 વાહનોને ટક્કર મારી દીધી હતી. આ ભયાનક ઘટના વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર પિંકી સોનીના ઘરની બહાર બની હતી. કોંગ્રેસ નેતા હેરી ઓડે આ અકસ્માત અંગે માહિતી આપી છે.
શરૂઆતમાં એવું જાણવા મળ્યું હતું કે મારુતિ બ્રેઝાના પાછળના ભાગમાં ડૉક્ટરનો લોગો લાગેલો હતો. વડોદરા પોલીસ પણ એ વાતની ચિંતામાં છે કે ક્યાં સુધી નિર્દોષ નાગરિકો બીજાની ભૂલોનો ભોગ બનતા રહેશે. અકસ્માતની માહિતી મળતા જ સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્તોને પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો એક લાઈવ વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક જોવા મળી રહ્યું છે કે એક કાર વાહનોને ટક્કર મારતા રાહદારીઓને કચડી નાખતા આગળ વધી રહી છે.
ઘટના બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. ગુસ્સે ભરાયેલા લોકોએ કાર ચાલકને મેથીપાક ચખાડ્યો હતો. લોકોએ કાર ચાલકને માર માર્યો અને બાદમાં તેને પોલીસને સોંપી દીધો હતો. પૂછપરછ દરમિયાન, કાર ચાલકે પોતાનું નામ નિતેશ રમેશભાઈ બારિયા જણાવ્યું હતું, જે નર્મદા જિલ્લાના તિલકવાડાનો રહેવાસી છે.
આ અગાઉ 13 માર્ચની રાત્રે વડોદરાના કારેલીબાગના પોશ વિસ્તારમાં કાળા રંગની ફોક્સવેગન વર્ટસ કારે 3 વાહનોને ટક્કર મારી હતી. આ હિટ એન્ડ રન કેસમાં એક મહિલાનું મોત થઇ ગયું હતું અને 7 અન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા. કાર રક્ષિત ચૌરસિયા ચલાવી રહ્યો હતો અને તેનો મિત્ર પ્રાંશુ તેની સાથે હતો. પોલીસે રક્ષિતની ધરપકડ કરી હતી.
અકસ્માતમાં ઇજાગ્ર્સત થયેલા વિકાસે જણાવ્યું કે રક્ષિત ચૌરસિયા એન્જોઇમેન્ટના મૂડમાં હતો અને નશામાં પણ હતો. અમને ખબર નથી કે તેણે આવું કેમ કર્યું. એક સામાન્ય વ્યક્તિ ક્યારેય આવું નહીં કરે. તેણે આ બધું પોતાના એન્જોઇમેન્ટ માટે કર્યું. તે અનધર રાઉન્ડ.. અનધર રાઉન્ડના બરાડા પાડી રહ્યો હતો, જે તેના પુરાવા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp