અઢી વર્ષના બાળકે સાત વ્યક્તિને નવજીવન આપ્યું! શું તમે આ રીતે મોહ છોડીને કોઈકને કશું આપી શકશો?

અઢી વર્ષના બાળકે સાત વ્યક્તિને નવજીવન આપ્યું! શું તમે આ રીતે મોહ છોડીને કોઈકને કશું આપી શકશો?

03/18/2021 Magazine

રાજુલ ભાનુશાલી
સખળ ડખળ
રાજુલ ભાનુશાલી

અઢી વર્ષના બાળકે સાત વ્યક્તિને નવજીવન આપ્યું! શું તમે આ રીતે મોહ છોડીને કોઈકને કશું આપી શકશો?

આવું પણ થઈ શકે? સ્વજનના મૃત્યુ પછી એના અંગનું દાન કરવાનું પણ  કોઈ વિચારી શકે?

બાકી આપણે તો મૃત્યુ પછી જનારનાં કપડાંલત્તા ને ચપ્પલ જેવી વસ્તુ સાથે અસ્થિઓ અને રાખથી પણ મોહ નથી  છૂટતો!  જ્યારે એક માતાપિતાએ એમના કાળજાના કટકાનાં જેવા અઢી વર્ષના બ્રેઇનડેડ દીકરાના અંગો દાન કરવાનું નક્કી કર્યું!

ગત ૯ ડિસેમ્બર ૨૦૨૦ના રોજ સુરતમાં પોતાના માતાપિતા સાથે રહેતો જશ ઓઝા પાડોશીના ઘરે રમતી વખતે બીજા માળથી અકસ્માતે નીચે પટકાયો. પડવાને કારણે તેને માથામાં ગંભીર ઈજાઓ થઈ અને તે બેભાન થઈ ગયો. હોસ્પિટલમાં પહોંચતા ડોક્ટરો દ્વારા એને બ્રેઇનડેડ જાહેર કરવામાં આવ્યો. જશના માતાપિતા પર તો જાણે આભ તૂટી પડ્યું. પરંતુ એમાંથી થોડાક સ્વસ્થ થયા બાદ ડોક્ટર્સ અને 'ડોનેટ લાઇફ'ના વોલિયેંટર્સની સમજાવટથી જશના અંગોનું દાન કરવાનું  એમણે નક્કી કર્યું. જશના અંગદાનથી ટૉટલ ૭ જણને નવજીવન મળ્યું.

આ વાંચીને સ્તબ્ધ થઈ જવાયું હતું.  એ દિવસે આ સમાચાર જોયા પછી ઊઠીને મેં આખા ઘરમાં આંટો માર્યો. દરેક ચીજને વારંવાર સ્પર્શીને જોઈ. આ એ જ ઘર હતું, એ જ  વસ્તુઓ હતી  જેની સાથે હું બંધાયેલી છું.  પરદાનો રંગ કેટલી બધી ચીવટપૂર્બક સીલેક્ટ કર્યો હતો. સ્માઇલીવાળા કૂશન, કાર્પેટ, વિન્ડચાઇમ, ક્રિસ્ટલની ક્રોકરી, વાસણો, મારા પુસ્તકોનું કબાટ, મમ્મીની સાડીમાંથી બનાવેલી ગોદડીઓ, અગણિત ફોટોગ્રાફ્સ, આણામાં મળેલા ગાદલા, રજાઈઓ, બાંધણીઓ, ઓઢણીઓ, લિંકિંગ રોડ પરથી રખડીરખડીને ખરીદેલી જ્વેલરી, મારી સાડીઓ,  હસબન્ડે પચ્ચીસમી વેડિંગ એનિવર્સરીએ આપેલી ડાયમન્ડ રિંગ.. આ મારી ગૃહસ્થી છે અને મને જીવ જેટલી વહાલી છે. એમાંથી એક પણ વસ્તુ કોઈ બીજાને આપી દેવાનો મારો જરાય જીવ ન ચાલે! મને ખબર છે કે આ નકરો મોહ છે.  હા, મોહ છે… સાડીસત્તર વાર છે! આ ક્ષણભંગુર સુખોની પરાકાષ્ઠાનો મોહ છે. જવાબદારીઓના નિર્વહનનો મોહ છે. આપણે સાધુસન્યાસી નથી. સીધાસાદા સંસારી માણસ છીએ અને આ મોહ નામની માયા જ સંસારનું ચાલકબળ છે.

મને ખબર નથી મોહભંગ થઈ જવો કોને કહેવાય. પરંતુ જશ ઓઝા અને એના માતાપિતા વિશે જાણીને હ્રદય પર ધક્કો ચોક્ક્સ  બેસી ગયો. થોડાક સમય પછી મન શાંત થયું ત્યારે એક વિશ લિસ્ટ  બનાવવાનું મન થયું. કેવું હોય છે ને, કેટલીક વિશિષ્ટ ઘટનાઓ ત્યારે જ ઘટે જ્યારે મનમાં ખળભળાટ મચી જાય અને જ્યારે એ શાંત થાય ત્યારે એ કાર્ય માટે મન જ નિમિત્ત બને! મેં  એક વિશ લિસ્ટ બનાવ્યું. આ લિસ્ટ મેં પૂરી સુધબુધમાં, વિચારી, સમજીને બનાવ્યું છે. એવું  નથી કે હું બહુ જલ્દી આ સ્વર્ગ જેવી ધરતી છોડીને આકાશમાં તારો બની જવાની છું. બસ, એવું સમજી લો કે આ એક બેનિફિશિયરી ફૉર્મ છે.

આ રહી એની વિગતો :

૧) જો ન કરે નારાયણ ને જશ જેવું કશું મારી સાથે ઘટ્યું તો મારાં વાળ, ચામડી, આંખો, હાર્ટ, લીવર કે અન્ય અંગો જે કોઈને કામ આવી શકે એવી સ્થિતિમાં હોય તો આપી દેવા. જો મારું મૃત્યું થઈ જાય તો આંખો, વાળ કે ચામડી અથવા જે કંઈ પણ કોઈને આપી શકાય એમ હોય એ આપી દેવું.

૨) મારા પછી મને અત્યંત પ્રિય એવા મારા પુસ્તકોમાંથી મારા મિત્રોને જે લઈ જવા હોય એ લઈ જવા દેવા. બાકીના કોઈ શાળા કે લાઇબ્રેરીમાં ભેટ આપી દેવા.

૩) મારા ઘરેણાં મારી દીકરી અને પુત્રવધુને (હું જાઉં ત્યારે હોય તો, અથવા હજુ ન આવી હોય તો જ્યારે આવે ત્યારે) સરખે ભાગે આપી દેવા.

૪) બાળકો અને હસબન્ડે આપેલા પ્રેમ સિવાય મારી પાસે બીજી કોઈ ચલ કે અચલ સંપત્તિ નથી. એટલે એનો કોઈ ઈશ્યુ નથી.

૫) મારી ફેવરીટ લિપસ્ટિક્સ અને સાડીઓમાંથી (આહાહા!  કાંજીવરમ, પટોળા, બાંધણીઓ, બનારસી, તંછોઈ, જ્યોર્જેટ, સિલ્ક, પૈઠણી.. આ શોખને મેં ખૂબ પંપાળ્યો છે) દીકરી અને પુત્રવધુને જોઈએ એ એમની અને બાકીની મને ઘરકામમાં મદદ માટે આવતાં બહેન અને રસોઈ કરવા આવતાં બહેનને આપી દેવી. ત્યારબાદ પણ જો વધે તો મહિલાઓની કોઈ સંસ્થા જ્યાં એકલી સ્ત્રીઓને આશ્રય મળતો હોય ત્યાં આપી દેવી.

૬) મારી સૌથી અમુલ્ય વસ્તુ - મારી અડધીઅધૂરી વાર્તાઓ, કવિતાઓ, સ્ક્રિપ્ટ્સ, નિબંધો, રિસર્ચ ફોલ્ડર્સ અને મારા લપટોપમાંથી મારું જે પણ અપ્રકાશિત લખાણ મળે એ મારા નામ વગર સોશિયલ મિડિયા પર વાઇરલ કરી દેવું. (તો જ એનાથી મોહ છૂટશે!)

૭) મારાં ગયા પછી મારી જે કંઈ પણ અંગત બચત હોય એ જરૂરતમંદ બાળકોની શિષ્ય વૃત્તિ માટે ખર્ચવી. (જોકે એ તો હું અત્યારે પણ કરી રહી છું.)

બસ. બીજું કશું છે નહીં!

ક્ષુલ્લક વસ્તુમાંથી જો ધરવ થતો નથી તો  પછી જીવનથી તો ક્યાંથી થવાનો? મોહની  માયાજાળમાં આપણે એવાં અટવાયેલા છીએ કે એમાંથી બહાર નીકળવાનો સહજ રસ્તો છે જ નહી. મરવા કોઈ નથી માંગતું, હું પણ નથી માંગતી પરંતુ અમુકતમુક ઘટનાઓ એવી બને છે કે ક્ષણભર વિરક્તિભાવ જાગી જાય છે.  એ ક્ષણભરમાં જે તથ્યો લાધે છે, એ જ સાચું પૂછો તો સંસારનું ચાલક બળ છે, મોહ નહીં!

આ દુનિયામાં મોહથી ભાગીને ક્યાં જઈએ? એની ઉપર જે પૂલ છે ત્યાં આવી જ એક નવી દુનિયા છે..  કેટલો બધો પ્રકાશ છે..  કેટલી બધી આસક્તિ છે.. એના તદ્દન સામા છેડે સુકાઈ ગયેલી નદી છે. અત્યારે એ નદીના રેતાળ પટમાં ઉભીઉભી હું સામે દેખાતો પ્રકાશ જોઈ રહી છું.  કેટલું દૂર હશે? હું અંદાજ બાંધવાનો પ્રયત્ન કરું છું. સામે એક પ્લેટફોર્મ પર કોઈ જીવનથી વિખુંટું પડી રહ્યું છે. મારે એ પ્રકાશ પાસે પહોંચવું છે. ચાલતાં જઈશ તો કેટલા કલાકમાં પહોંચી જવાશે એનો અડસટ્ટો લગાવી રહી હતી. ત્યાં કંઈક બળવાની વાસ આવી. હું દોડી. શાક ચોંટી ગયું હતું. વાંધો નહીં આજે 'સ્મોકી ફ્લેવર'વાળું શાક ખાશું.

તા.ક. મેં અંગદાનનું શપથપત્ર ભરી દીધું છે.

 

મિયાઉં :

"મરો ત્યાં સુધી જીવો."

-શ્રી. ગુણવંત શાહ


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top