દાહોદથી સુરત આવતી સરકારી બસ ડમ્પર પાછળ ઘૂસી ગઇ, 10-15 લોકો ઇજાગ્રસ્ત
ST Bus Accident: સુરતના કામરેજ વિસ્તારમાં નેશનલ હાઇવે નંબર-48 પર ST બસ અને ડમ્પર વચ્ચે મોટો અકસ્માત થયો છે. દાહોદથી સુરત આવી રહેલી ST બસ (GJ 18 Z 9812) કામરેજ પાસે સર્વિસ રોડ પર ઊભા રેતી ભરેલા ટ્રક પાછળ ઘૂસી ગઈ હતી. આ બસમાં લગભગ 40 જેટલા મુસાફરો હતા, જેમાંથી 10-15 મુસાફરોને સામાન્ય ઇજા થઈ હતી. જ્યારે એક વ્યક્તિ બસમાં ફસાઈ ગયો હતો, જેને ફાયર વિભાગે બહાર કાઢ્યો હતો.
ઘટનાની જાણ થતા જ કામરેજ ફાયર અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસના PSI ઇશ્વર સિંહ સિસોદીયા સહિતનો કાફલો ઘટના સ્થળ પર દોડી ગયો હતો અને સ્ટાફ ટીમે તાત્કાલિક બસનું પતરું કાપીને ફસાયેલા મુસાફરને બહાર કાઢ્યો હતો. તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે સુરતની હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, રેતી ભરેલા ટ્રકમાં પંચર પડતા તે સર્વિસ રોડ પર ઉભો હતો, જેની પાછળ આ બસ ઘૂસી ગઇ હતી.
સબ ફાયર ઓફિસર બિપિનભાઈ ખલાસીએ જણાવ્યુ હતું કે અમને ફાયર કંટ્રોલ રુમમાંથી કોલ મળ્યો હતો. અકસ્માતનો કેસ છે અને દાહોદથી સુરત આવતી ST બસ, ડમ્પર ઊભું હતું તેની પાછળ અથડાઇ હતી. અમે ઘટનાસ્થળે પહોંચ્યા એ અગાઉ 10 વ્યક્તિને નાની-મોટી ઇજાઓ થઈ હતી, તેમને 108માં સારવાર અર્થે હૉસ્પિટલ લઈ ગયા હતા, જ્યારે એક શખ્સ ફસાયો હતો.
આ અગાઉ સોમવારે ખેડાના કપડવંજ મોડાસા રોડ પર પાંખિયા ચોકડી નજીક ગંભીર અકસ્માતની ઘટના બની છે. ST બસ, ટ્રક અને ડમ્પર વચ્ચે ટ્રિપલ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા હતા. અકસ્માતમાં બસના કંડક્ટર અને એક પેસેન્જરનું મોત થયું હતું. જ્યારે આ અકસ્માતમાં 8 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર માટે કપડવંજ સરકારી હૉસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ST બસ બાયડથી કપડવંજ જઈ રહી હતી, તે દરમિયાન આ અકસ્માતની ઘટના બની હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp