ગુજરાતના આ એરપોર્ટ પર 2.96 કરોડનું સોનું ઝડપાયું, 2 મહિલાઓ સહિત 3 લોકોની ધરપકડ
વિદેશથી આવતા કેટલાક તસ્કરો મોટાભાગે છુપાવીને સોનું, ડ્રગ્સ, ગાંજા જેવી વસ્તુઓ ગેરકાયદેસર લાવતા હોય છે. તેના માટે આ લોકો જાત-જાતના પેંતરા અજમાવી જોતા હોય છે, પરંતુ મોટા ભાગે કસ્ટમ અધિકારીઓએ આ લોકોની ચાલબાજી પકડી પાડતા હોય છે. અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પણ કંઈક આવું જ થયું, જ્યારે એ લોકો સોનાની પેસ્ટ લઈને આવ્યા હતા, પરંતુ આ વખતે પેંતરો કંઇક અલગ જ હતો.
અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી કસ્ટમ વિભાગે 2.56 કરોડનું 2.65 કિ.ગ્રા સોનું જપ્ત કર્યું છે. દુબઇથી ઇન્ડિગોની ફ્લાઈટમાં મુસાફરો સોનાની પેસ્ટના 6 સિલ્વર કલરના પાઉચને મોજામાં છૂપાવી અમદાવાદ લઈ આવ્યા હતા. કસ્ટમ વિભાગે 3 મુસાફરોની ધરપકડ કરી છે, જેમાં એક પુરૂષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે.
પ્રાપ્ત માહિતી મુજબ, અમદાવાદ એરપોર્ટના કસ્ટમ વિભાગના અધિકારીઓએ 1 સપ્ટેમ્બર 2025ના રોજ ઇન્ડિગોની ફ્લાઈટ નંબર 6E 1478માં દુબઇ-અમદાવાદ આવતા એક પુરૂષ અને 2 મહિલા મુસાફરોને અટકાવ્યા હતા. તપાસ દરમિયાન ત્રણેય મુસાફરોએ મોજામાં છુપાવેલા સિલ્વર કલરના 6 પાઉચ મળ્યા હતા. આ પાઉચની તપાસ કરતા તેમાં 2.650 કિ.ગ્રાના સોનાની પેસ્ટ મળી આવી હતી. જેની કુલ બજાર કિંમત 2.56 કરોડ રૂપિયા છે.
કસ્ટમ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘કસ્ટમ્સ એક્ટ, 1962ના પ્રાવધાન હેઠળ આ પ્રતિબંધિત વસ્તુ જપ્ત કરવામાં આવી છે અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે.’ સોનાની દાણચોરીની ઘટનામાં હેરાન કરી દેનારી વાત એ છે કે, મેટલ ડિટેક્ટરથી બચવા માટે આરોપીઓએ સોનાનું પેસ્ટ બનાવીને છુપાવી દીધું હતું.
અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દાણચોરીની ઘટનાઓ વારંવાર સામે આવતી રહે છે. થોડા દિવસ અગાઉ 25 ઓગસ્ટે એરપોર્ટ પરથી સોનું અને સિગારેટની દાણચોરી ઝડપાઈ હતી. એરપોર્ટના ટોયલેટમાંથી સોનાની પેસ્ટના 2 પાઉચ મળી આવ્યા હતા. આ સોનાની પેસ્ટનું શુદ્ધિકરણ કરતા તેમાંથી 1.93 કરોડનું સોનુ હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ કંબોડિયાથી આવેલા મુસાફર પાસેથી સિગારેટના પેકેટ મળી આવ્યા હતા. બેગમાં રાખવામાં આવેલી 52,400 સિગારેટ સ્ટીક મળી આવતા કસ્ટમ વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
9 ઓગસ્ટે દુબઈથી અમદાવાદ આવેલા એક મુસાફર પાસેથી એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટ (AIU)એ 750.70 ગ્રામ સોનું જપ્ત કર્યું હતું. જેની કિંમત અંદાજે રૂપિયા 78 લાખની આંકવામાં આવી હતી. આરોપી મુસાફરે સોનાના બિસ્કિટ છુપાવવા માટે એક અનોખી પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો. આ મુસાફરે સોનાના બિસ્કિટને તેના મોજામાં છુપાવ્યા હતા, પરંતુ એરપોર્ટ ઈન્ટેલિજન્સ યુનિટની ચાંપતી નજરથી તે બચી શક્યો નહોતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp