વાત એક એવી ફિલ્મની, જે સાવ નાની અમથી વાત દ્વારા જીવનનો બહુ મોટો મેસેજ આપી ગઈ!

વાત એક એવી ફિલ્મની, જે સાવ નાની અમથી વાત દ્વારા જીવનનો બહુ મોટો મેસેજ આપી ગઈ!

10/05/2020 Magazine

બ્રિન્દા ઠક્કર
છોટી સી બાત
બ્રિન્દા ઠક્કર

વાત એક એવી ફિલ્મની, જે સાવ નાની અમથી વાત દ્વારા જીવનનો બહુ મોટો મેસેજ આપી ગઈ!

આજે એક ફિલ્મની વાત કરવી છે. અને સંયોગ એ છે કે એ ફિલ્મનું નામ પણ આ કૉલમનું નામ જ છે - ‘છોટી સી બાત’!

અમે (હું અને મારા પતિદેવ) દર રવિવારે એક ફિલ્મ જોઈએ સાથે. અમને બંનેને જૂની ફિલ્મો જોવાનો શોખ હોવાથી રેન્ડમલી કોઈ જૂની ફિલ્મ સર્ચ કરીએ અને જોઈએ. એમાં ગયા અઠવાડિયે આ ફિલ્મ Chhoti si Baat  જોઈ. નામની જેમ જ નાની પણ બહુ મહત્ત્વની વાત ઉપર આખી ફિલ્મનું ફોકસ છે.

ઈ.સ. ૧૯૭૬ માં આ ફિલ્મ બની અને તેનાં મુખ્ય કલાકારો (હિરો-હિરોઈન) અમોલ પાલેકર, વિદ્યા સિન્હા અને અસરાની છે, તથા સૌથી મહત્વનું પાત્ર અશોક કુમાર છે. બાસુ ચેટરજી દ્વારા ડાયરેક્ટ થયેલી આ ફિલ્મ આમ તો સાવ હળવી શૈલીમાં રજૂ થઇ છે, કોમેડી-ડ્રામા છે પરંતુ ‘આત્મવિશ્વાસ’ની વાત એટલી ખૂબીથી વ્યક્ત થઇ છે કે તમને રીલેક્સ કરવાની સાથે-સાથે બહુ અગત્યનો મેસેજ પણ આપી દે!


આ ફિલ્મનું ટાઇટલ સોંગ લતા મંગેશકર દ્વારા રજૂ થયું છે આ સુમધુર ગીત એકવાર સાંભળશો તો વારંવાર સાંભળવાનું મન થશે જ...

‘न जाने क्यों, होता है ये ज़िन्दगी के साथ
अचानक ये मन, किसी के जाने के बाद
करे फिर उसकी याद, छोटी-छोटी सी बात’

આ ગીત જ કેટલું બધું કહી જાય છે આપણને? જાણે આપણા જ મનની વાત છે. જયારે જયારે કોઈ આપણા જીવનમાંથી જતું રહે છે, જયારે કોઈ વ્યક્તિ કે સંબંધની આપણા જીવનમાંથી બાદબાકી થાય છે ત્યારે આપણને જે-તે વ્યક્તિની નાનામાં નાની વાત યાદ આવ્યા કરે છે. એવી વાતો જેના પર પહેલાં આપણે ક્યારેય ધ્યાન જ નહોતું આપ્યું અથવા આપણને એનું મહત્ત્વ નહોતું સમજાયું!

અને આમપણ, નાની-નાની વાતોથી જ તો જિંદગી જીવવા જેવી બનતી હોય છે ને? નાની-નાની બાબતો જ બહુ મોટો ફેર પાડતી હોય છે એવું આપણે બધાં જ અનુભવીએ છીએ. એટલે જ કહેવાનું મન થાય છે કે જે વ્યક્તિ-જે સંબંધ અત્યારે આપણી પાસે છે એને સાચવી લો. મન ભરીને સ્નેહ આપો, સ્નેહ પામો. બહુ જરૂરી ન હોય તેવી બાબતોને ધ્યાનમાં ન લો અને જેટલી ક્ષણો સાથે માણવા-જીવવા મળી છે તેને યાદગાર બનાવી લો. કાલે એ વ્યક્તિ તમારી પાસે-તમારી સાથે હશે જ એની કોઈ ખાતરી છે? અત્યારે જેવી રીતે છે એવી જ રીતે સાથે હશે એની પણ કોઈ ખાતરી નથી!

તો, આ ફિલ્મનું મુખ્ય પાત્ર અરુણ પ્રદીપ (અમોલ પાલેકર) બહુ શરમાળ છે, બહુ જ સીધો અને વધારે પડતો સાદો યુવાન છે. ઓફિસમાં પ્રમોશન થયું છે, ક્લાસ વધ્યો છે પણ નથી વધતો તો એનો આત્મવિશ્વાસ!એના જુનિયર કર્મચારીઓ પણ એને ભાવ નથી આપતા, ત્યાં સુધી કે પટાવાળો ભાઈ પણ એનું સાંભળતો નથી! એકલું-અટૂલું જીવન સાવ સાદાઈથી જીવી રહ્યો છે, બસમાં ધક્કા ખાઈ-ખાઈને જીવન ચલાવી રહ્યો છે. પરંતુ ક્યાંય કોઈ અભાવ કે દુઃખની રેખાઓ દેખાડતો નથી. એકંદરે સંતોષી જીવ!


પણ હવે એના જીવનમાં એક પાત્ર આવે છે અને એ છે પ્રભા નારાયન(વિદ્યા સિન્હા). બસ સ્ટોપ પર રોજ એને જોવી, બસમાં પણ શરમાઈને-સંતાઈને એને જ જોયા રાખવી, એની પાછળ-પાછળ ચાલ્યા જવું અને એકપણ શબ્દ ન બોલવો- એ એનું રોજનું કામ બની ગયું!

ધીરે-ધીરે દોસ્તી તો કરે છે પણ બંનેની વચ્ચે છે નાગેશ શાસ્ત્રી (અસરાની). એ પણ પ્રભાની આસપાસ સતત હાજર રહે છે અને એક છૂપી સ્પર્ધા ચાલે છે બંને વચ્ચે! હવે નાગેશ બાજી મારી જ લેશે એવું લાગે કારણકે એની પાસે આત્મવિશ્વાસ થોકબંધ છે અને આપણા હિરોભાઈ પાસે ઝીરો! ક્યાંય કશું બોલી ન શકે,પોતાની વાત મનાવી ન શકે, કોઈ વાતની પહેલ ન કરી શકે અને એટલે પ્રભાની નજરોમાં ઉંચો ઉઠી ન શકે.

ત્યાં, અચાનક એ એક ટ્રેન પકડીને ખંડાલા પહોંચે છે. ત્યાં કર્નલ જુલિયસ નગેન્દ્ર્નાથ છે, જેઓનું મિશન છે કે જે વ્યક્તિ પ્રેમમાં છે એને એની મંઝીલ સુધી પહોંચવામાં મદદ કરવી! ત્યાં રહીને અરુણ આત્મવિશ્વાસ કેળવે છે, અમુક ટ્રીક્સ શીખે છે અને ઓફિસમાં પાછો ફરે છે.


પછી વાર્તા પલટાઈ જાય છે અને આપણો હિરો બાજી મારવા લાગે છે. આ જે ફેરફાર થયો છે એનામાં એ બહુ સામાન્ય છે એવું લાગે પણ એની અસરો કેટલી મોટી છે તે સમજી શકાય છે. આપણા જીવનમાં પણ આવી નાની બાબતો પર જ ધ્યાન આપવાનું હોય છે, જે ક્યારેક ચુકાઈ જાય છે અને આપણે આપણા લક્ષ્ય સુધી પહોંચી નથી શકતા! હેં ને?

મૂળ વાત જ ‘પોતાને’ ઓળખવાની છે.પોતાની શક્તિઓને ઓળખવાની,પોતાની મર્યાદાઓને ઓળખવાની છે. બધી જ શક્યતાઓ હકીકતમાં પલટાવી શકાય જો આત્મવિશ્વાસ અને ધગશ હોય તો! મોટા ભાગે એ જ ખૂટતું હોય છે.

અને આપણી આસપાસ કોઈક તો એવું હશે જ જેને કશુંક કરવું છે,મેળવવું છે પણ આત્મવિશ્વાસ ખૂટે છે અથવા એના મનની વાત/મૂંઝવણ કોઈ સાંભળતું નથી ને વ્યક્તિ મૂંઝાયા કરે છે.એની સાથે વાત કરો,તમારો થોડોક સમય આપો એને અને ખૂલવા દો. બની શકે કે તમારો થોડોક સમય કે વિશ્વાસથી ભરેલા બે વાક્યો એની જિંદગી બદલી નાંખે!

કવિ શ્રી રાજેન્દ્ર શુક્લની પંક્તિઓ સાથે વિરમું છું:

કોઈને કહેવું નથી, એવું નથી,
સહેજ તૈયારી બતાવે તો કહું !


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top