उजाले अपनी यादोंके हमारे साथ रहने दो,
न जाने किस गलीमें ज़िंदगी की शाम हो जाए
- बशीर बद्र
આ સાથે જ આપણે સ્કૂલમાં ભણતાં હતાં ત્યારનું એક કાવ્ય યાદ આવે છે, જેનું શીર્ષક હતું...
‘જૂનું ઘર ખાલી કરતાં’. આજે ફરી એક વાર એ હૃદયસ્પર્શી કાવ્યને યાદ કરીએ.
‘જૂનું ઘર ખાલી કરતાં’
ફંફોસ્યું સૌ ફરી ફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું:
જૂનું ઝાડુ, ટૂથબ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી, સોય-દોરો!
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું, જે
મૂકી ઊંધું, સુપરત કરી, લારી કીધી વિદાય.
ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હ્રદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે :
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે?’
ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા !
ઉપાડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા!
~ બાલમુકુન્દ દવે
આ કાવ્ય હંમેશા હ્રદયને સ્પર્શે છે. મૂળ તો કવિએ ગુમાવેલા દીકરા માટે આ કવિતા લખી છે પણ એની શરૂઆતમાં જે ઘર ખાલી કરવાની પ્રોસેસ છે, તે આપણે સૌએ પણ કેટલી તીવ્રતાથી અનુભવી છે!
મને મારા ઘરની વસ્તુઓ પ્રત્યે સજીવો જેટલો જ લગાવ રહેતો. ફ્રિજ, ટીવી, ટેબલ, ખુરશીને એવું કેટલુંયે મારાથી છોડી શકાતું નહીં, ભૂલી શકાતું નહીં. એવા એક-બે પ્રસંગો વિષે ક્યારેક થોડું-ઘણું લખ્યું હતું, એ આજે ફરી યાદ કરું છું.
અમારા ઘરમાં જયારે સૌથી પહેલું ફ્રિજ આવેલું, ત્યારે હું બીજા ધોરણનું ફાઇનલ પરીક્ષાનું રિઝલ્ટ લેવા ગયેલી મમ્મી સાથે, ને ઘેર આવ્યા ત્યારે પપ્પાએ નવું કલર ટીવી અને ફ્રિજ લાવીને મૂકી દીધાં હતાં.ત્યારે આખો દિવસ બધી બહેનપણીઓને કહ્યાં કર્યું હતું કે ‘જો,મારા પપ્પા તો કેવા સરસ છે... કેટલું બધું લઇ આવ્યા મારા માટે... તારા પપ્પા આવું કરે કોઈ દિવસ?’
લગભગ સાત વર્ષ એ ફ્રિજ અમારી સાથે રહ્યું. એની સાથે અઢળક યાદો જોડાયેલી હતી. એક તો એ સરપ્રાઈઝ થઈને આવ્યું હતું. એ વખતે અમારી આસપાસ કોઈના ઘેર ડબલ ડોર ફ્રિજ નહોતું,ફક્ત અમારે હતું. મારી પાક્કી બહેનપણી ખુશ્બૂના પપ્પા અમને 10 રૂપિયા આપતા વાપરવા ક્યારેક, અમે અમુલ ચોકલેટ લેતાં અને મારા ફ્રિજના ફ્રિઝરમાં ઠંડી કરીને પછી ખાતાં.
મને ના ભાવતું હોય, એ શાકને રોટલીમાં સંતાડી હું ફ્રિજની પાછળ મૂકી દેતી.મને ત્યારે એમ હતું કે ફ્રિજ તો કાયમ અહીં જ રહેશે, એટલેમમ્મીને ક્યારેય ખબર જ નહીં પડે કે હું જમવાનું ત્યાં ફ્રિજ પાછળ મૂકી દઉં છું એમ...જયારે એ ફ્રિજને લેવા આવ્યા ત્યારે મને સખત બીક લાગેલી, કે પેલું ખાવાનું હવે હું ક્યાં મૂકીશ? અને અત્યાર સુધી મૂકેલું એ બધું હવે મમ્મી જોઈ જશે તો?
એને જયારે લારીમાં મૂકીને લઈ જતા હતા, ત્યારે મારે ચીસ પાડવી હતી, એ ફ્રિજ મારી પાસે જ રાખવું હતું. મમ્મીને ખબર ન પડે એમ મેં એ ભાઈને કહેલું પણ ખરું,કે ના લઇ જાઓ આને પ્લીઝ!
પણ એ લઈ ગયા. હું છેક સુધી એ ફ્રિજને જતા જોતી રહી. રીતસર રડતી હતી. મને લાગતું હતું જાણે એ ફ્રિજ મને કહી રહ્યું હતું, કે જરૂર હતી એટલો વખત સાચવ્યું અને હવે સહેજ હું નબળું પડ્યું એટલે વેચી દીધું?
થોડા વર્ષો બાદ ફરી બીજું ફ્રિજ વેચાયું. હવે રડવું નથી આવતું, આંસુને જાણે ફ્રિઝરમાં મૂકી દીધા હોય એમ એ પણ થીજી ગયા છે. હવે કશું થતું જ નથી. આવે ને જાય.. બધું યંત્રવત ચાલ્યા કરે છે.
બીક તો એ લાગે છે કે આ બધું મશીન માટે થાય છે ત્યાં સુધી બરાબર છે, પણ માણસો માટે પણ થવા લાગશે તો?
એવું જ એકવાર મારા મોબાઈલ માટે પણ મને થયેલું. એ વખતે જૂનો મોબાઈલ નાના ભાઈને આપ્યો હતો. સહેજ હાથ પણ ધ્રુજયો હતો. નહોતો આપવો, ખબર નહીં કેમ..
કદાચ એટલે, કે મારી ગમતી દરેક વ્યક્તિઓનો સ્પર્શ એ મોબાઈલમાં હતો. અકબંધ. જીવનની સૌથી સારી અને સૌથી દુઃખદ ખબર, મેં એ જ મોબાઈલમાં સાંભળી હતી. રાતો ની રાતો જાગી હતી એ મોબાઈલ પકડીને… મારી સાથે એણે પણ ખૂબ રાહ જોઈ હતી, એન્જીનીયરીંગના રિઝલ્ટની, વોલ્કેનો અને યુથફેસ્ટના ટાઈમ ટેબલની, વર્ષો પછી મળવા આવતી દોસ્તની, એકાદ ‘હા’ની, અને કેટલીયે ‘ના’ની!
એ મોબાઈલમાં ટાઈપ કરવામાં ઘણો પ્રોબ્લેમ થતો. લગભગ બધું જ લખીને ફરી બેકસ્પેસ પર જવું પડતું… એ વખતે આદત પડી ગઈ હતી – કન્ફર્મેશનની! નવા મોબાઈલમાં બધું જ વ્યવસ્થિત લખાતું હતું, પણ ભૂલો કરવાની આદત થઈ ગઈ હતી ને… હું નવા મોબાઈલમાં પણ લખી લખીને બેકસ્પેસ પાસે જતી રહેતી, ભૂલ ન થઇ હોય તો પણ!
એક નિર્જીવ વસ્તુ પણ કેટલી પોતાની લાગવા માંડે છે, નહીં? એ વખતે એવું લખેલું કે ‘મારો જીવ હજીયે એ જ ફોનમાં છે. થોડા દિવસ રહેશે એવું. પછી માનવ સ્વભાવ પ્રમાણે ભૂલી જઈશ. પછી આની સાથે લગાવ થઈ જશે.આ ચક્ર આવી જ રીતે ચાલ્યા કરે છે.
આપણા સંબંધોમાં પણ કદાચ આવું જ કંઈક થતું રહેતું હોય છે, હેં ને?...